પ્રભુ મહાવીર સ્વામી પછીની જૈનાચાર્યોની પાટ પરંપરા

Thursday 1 September 20160 comments

ભગવાન શ્રી પાર્શ્વનાથના નિર્વાણ પછી 250 વર્ષે ભગવાન શ્રી મહાવીર સ્વામી થયા. 30 વર્ષની વયે ચરિત્ર લઇ સાડા બાર વર્ષ સુધી પરમાત્મા  શ્રી મહાવીર દેવે ઘોર સાધના કરી. સાધનાને  અંતે પ્રભુને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઇ. વૈશાખ સુદ અગિયારસે પ્રભુએ શાસનની સ્થાપના કરી. 30 વર્ષ સુધી ધરાતલ પર વિચરણ કરી હજારો - લાખો જીવોને પ્રતિબોધ કર્યા. 72 વર્ષની વયે આસો વદ અમાસના દિવસે પ્રભુ પાવાપુરીમાં નિર્વાણ પામ્યા.

ગૌતમસ્વામી, સુધર્માસ્વામી આદી પ્રભુના 14000 શિષ્યો હતા. જેમાં સુધર્માસ્વામી પાંચમાં ગણધર હતા. તેઓનું આયુષ્ય દીર્ધ હોવાથી પ્રભુ શાસનની પાટે તેઓ બિરાજમાન થયા. અર્થાત ભગવાન મહાવીરના પ્રથમ પટ્ટધર તરીકે તેઓ ઘોષિત થયા. 

21000 વર્ષ સુધી ભગવાન મહાવીરની પાટ પરંપરા અવિચ્છિન્ન પણે ચાલવાની છે, અને તે જૈનાચાર્યો દ્વારા ચાલવાની છે. પ્રસ્તુત છે ભગવાન મહાવીરની પાટ પરંપરામાં અઢી હાજર વર્ષના દીર્ધકાળ દરમિયાન થયેલ પ્રભાવક ગચ્છનાયકોનો ભવ્યાતિભવ્ય ઈતિહાસ.

(1) શ્રી સુધર્મા સ્વામી :- ભગવાન મહાવીરના તેઓ પાંચમા શિષ્ય હતા. અગિયાર ગણધરમાં તેઓ પાંચમા ગણધર હતા. પચાસ વર્ષની વયે ચારિત્ર સ્વીકાર્યું અને ત્રીસ વર્ષ પ્રભુની સેવા કરી. પ્રભુના નિર્વાણ પછી 12 વર્ષે કેવલી બન્યા. આઠ વર્ષ કેવલી પણે વિચરી 100 વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી વિ.સં. 20 માં નિર્વાણ  પામ્યા. અગિયાર ગણધરોમાં સૌથી વધુ આયુષ્ય તેમનું હોઈ પ્રભુ વીરની પાટે તેઓ બિરાજમાન થયા. વર્તમાન શ્રમણ ગણ તેમનો જ પરિવાર છે અને પાંચમાં આરાના છેડે  થનારા દુપ્પહસૂરી સુધીના તમામ શ્રમણો તેમના જ પરિવારના ગણાશે. સહુ શ્રમણોના તેઓ આદ્યનાયક હોઈ પ્રવચનની પાટ  પણ સુધર્માસ્વામીજીની પાટ ગણાય છે. વર્તમાનમાં પ્રાપ્ત થતાં આચારાંગ આદિ 11 અંગોના સુત્રોના રચિયતા પણ આ મહાપુરુષ છે.

(2) શ્રી જંબુસ્વામી :- સોળ વર્ષની વયે પ્રતિબુદ્ધ થયા. લગ્નના પ્રથમ દિવસે જ 99 કરોડ સોનૈયાના માલિક બન્યા. આઠ - આઠ રૂપસુંદરી કન્યાના સ્વામી બનવા છતાં તેમાં લોપયા નહીં. ઉલટું, ચોરી કરવા આવનાર પ્રભવને  સપરિવાર સંસારની ચુંગાલમાંથી છોડાવ્યો. લગ્નના બીજે જ દિવસે 527ની સાથે ચરિત્ર જીવન સ્વીકાર્યું. 20 વર્ષ છદ્મસ્થ અવસ્થામાં રહ્યા, 44 વર્ષ કેવલી પર્યાય રહ્યો. કુલ 80 વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી આ અવસર્પિણીના છેલ્લા મોક્ષગામી બન્યા. તેમના મોક્ષમાં જતા કેવળજ્ઞાન આદિ 10 વસ્તુનો વિચ્છેદ થયો.

(3) શ્રી પ્રભવ સ્વામી :- તેઓ શ્રેષ્ઠી  પુત્ર હતા. કર્મના ઉદયે તેઓ ચોરીના માર્ગે ચઢ્યા. જંબુસ્વામીનો વૈરાગ્યસભર ઉપદેશ સાંભળી ભૌતિક રત્નોને બદલે આધ્યાત્મિક રત્નત્રયીનો સ્વીકાર કર્યો. ચૌદ પૂર્વના જ્ઞાતા બન્યા. તેમની સાથે તેમના સાથીદાર 500 ચોરોએ પણ દીક્ષા લીધી. 55 વર્ષનો ચરિત્ર પર્યાય  હતો. 85 વર્ષે સ્વર્ગે સીધાવ્યા.

(4) શ્રી શય્યંભવસૂરિ :- તેઓ બ્રાહ્મણ હતા. પ્રભવસ્વામીને પોતાની પાટે આવે તેવો યોગ્ય આત્મા જૈન સંઘમાં ના દેખાતા શ્રમણો દ્વારા શય્યંભવને પ્રતિબુદ્ધ  કર્યા. દીક્ષા આપી. દીક્ષા વખતે પત્ની ગર્ભવતી હતી. જન્મેલો દીકરો આઠ વર્ષનો થતા પિતાને શોધવા નીકળ્યો. પિતામુનીએ ઓળખ છુપાવીને દીક્ષા આપી. છ મહીનાનું એનું આયુષ્ય જાણીને એને ખુબ આરાધના કરાવી. દશ વૈકાલીક સૂત્રની સંકલના કરી. ગુરુની સેવા કરી. ચૌદ પૂર્વધર બન્યા. 62 વર્ષની ઉંમરે કાળ કરી સ્વર્ગે પધાર્યા. 11 વર્ષ સુધી યુગપ્રધાન બનીને ધરતીને પાવન કરી.

(5) શ્રી યશોભદ્રસૂરિ :- આ મહાપુરુષ પણ જન્મે બ્રાહ્મણ હતા. તેઓ પાટલીપુરના વતની હતા. દીક્ષા લીધા પછી દ્વાદશાંગી અને ચૌદ પૂર્વના જ્ઞાતા બન્યા. તે કાળના તે મહાન ધર્મોપદેશક હતા. તે સમયના નંદરાજાઓ અને મંત્રીવંશને પ્રતિબોધી અહિંસાના માર્ગે વાળ્યા. સમગ્ર મગધ દેશમાંથી હિંસાનો બહિષ્કાર  કરાવ્યો. તેમજ વિદેહ અને અંગદેશમાં અહિંસાનું સામ્રાજ્ય સ્થપાવ્યું.  22 વર્ષે દીક્ષા લઇ 64 વર્ષ સુધી ઉત્તમ ચારિત્ર પાળી 86 વર્ષે આ શ્રુતકેવલી દેવલોકે ગયા.

(6)(1) શ્રી સંભૂતિવિજય :- શ્રી યશોભદ્રસૂરીની પાટે બે મહાપુરુષ આવ્યા. જેમાં શ્રી સંભૂતિવિજય સમર્થ ઉપદેશક અને શ્રુતકેવલી હતા. સ્થૂલીભદ્ર સ્વામી આદિ 40 શિષ્યોના તે ગુરુ  હતા. 42 વર્ષે દીક્ષા લીધી અને 48 વર્ષ દીક્ષા પાળી વીર સં. 156માં 90 વર્ષની ઉંમરે કાળધર્મ પામ્યા. 8 વર્ષ તેમનો યુગપ્રધાનનો પર્યાય હતો.

   (2) શ્રી ભદ્રબાહુ સ્વામી :- તેઓ બ્રાહ્મણ હતા. દક્ષિણ ભારતના પ્રતિષ્ઠાનપુરમાં તેમનો જન્મ થયો હતો. ભાઈ વરાહમિહિરની સાથે તેમણે 45 વર્ષે જૈન દીક્ષા અંગીકાર કરી હતી. મહા પ્રભાવક ઉવસગ્ગહરં સ્તોત્રની રચના તેમણે કરી હતી. ધરણેન્દ્ર યક્ષ તેમનો સેવક હતો. આવશ્યક, દશ વૈકાલીક જેવા શાસ્ત્રો પર તેમણે નિર્યુક્તિ રચેલી. વર્તમાનમાં સુપ્રસિદ્ધ કલ્પસુત્રને દશાશ્રુતસ્કંધમાંથી તેમણે છુટું પાડેલું. રાજા ચંદ્રગુપ્ત અને મંત્રી ચાણક્ય તેમના પરમ ભક્ત હતા. એમના સમયમાં પાટલીપુત્રમાં શ્રમણ સંઘમાં પ્રથમ આગમ વાચના થઇ હતી. તેઓ મહાપ્રાણધ્યાનના સાધક હતા. દ્વાદશાંગી અને 14 પુર્વોના સમર્થ જ્ઞાતા હતા. 31 વર્ષનું સંયમ જીવન પાળી શ્રુતકેવલી શ્રી ભદ્રબાહુ સ્વામી 76 વર્ષની વયે કાળધર્મ પામ્યા.

(7) શ્રી સ્થુલીભદ્ર સ્વામી :- શક્ટાલ મંત્રીના તેઓ પુત્ર હતા. પિતાનું મૃત્યુ થતા ચીરપરિચિત કોશાવેશ્યાનો ત્યાગ કરી સંયમ સ્વીકાર્યું. યક્ષા, યક્ષદત્તા આદી સાત બહેનોએ પણ દીક્ષા અંગીકાર કરેલી. આ મહાપુરુષે ચરિત્ર ગ્રહણ કર્યા પછી કોશાવેશ્યાને ત્યાં ચાતુર્માસ કરેલ. વેશ્યા પૂર્વ પરિચિત હોવા  છતાં એમના ચરિત્રની ચાદરને નાનો શો ડાઘ લાગવા નહોતો દીધો. એથી જ તેમનું નામ 84 ચોવીસી સુધી અમર થઇ ગયું. તેઓ અર્થથી દસ પૂર્વ અને સૂત્રથી ચૌદ પૂર્વના જ્ઞાતા બન્યા. આ અવસર્પીણીના તેઓ છેલ્લા શ્રુત કેવલી બન્યા. 69 વર્ષનો દીક્ષા પર્યાય પાળી 99 વર્ષે વૈભારગિરી પર 15 દિવસનું અનશન પાળી સ્વર્ગે ગયા.

(8)(1) આર્ય મહાગીરીજી :- સ્થુલીભદ્રજીની પાટે બે આચાર્યો  થયા. બન્નેને આર્યા યક્ષા સાધ્વીએ બાળપણમાં માની જેમ તૈયાર કર્યા હતા, કેળવ્યા હતા. માટે તેમના નામની આગળ આર્ય શબ્દ જોડાયો. બંને 11 અંગ અને 10 પૂર્વના ધારક હતા. જેમાં આર્ય મહાગીરીજી 30 વર્ષ સુધી યુગપ્રધાન રહ્યા અને આર્ય સુહસ્તીસૂરીજી 46 વર્ષ સુધી યુગ પ્રધાન  ધરાતલ પર વિચર્યા. 100 વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી બંને સ્વર્ગે સિધાવ્યા. શ્રી મહાગીરીજી મહાન સાધક હતા. જિનકલ્પના વિચ્છેદ પછી પણ તેઓ કર્મ નિર્જરાર્થે જિનકલ્પની તુલના કરતા હતા. અંતે ગજેન્દ્ર પર્વત પર અનશન કરી તેઓ સ્વર્ગે સિધાવ્યા.

   (2) આર્ય સુહસ્તીસૂરિજી :- તેઓ આર્ય મહાગીરીજીને ગુરુતુલ્ય માનતા હતા. સમ્રાટ સંપ્રતિ એમના દર્શનથી જાતિસ્મરણ જ્ઞાન  પામી પ્રતિબુદ્ધ થયેલ. એમની પ્રેરણાથી સાત ક્ષેત્રના અનેક સુકૃતો સંપ્રતિએ  કરેલા. એમની નિશ્રામાં અવંતીસુકુમાલે ચારિત્ર લીધેલું. અનશન કરી અંતે નીલગુલ્મ વિમનમાં દેવ બન્યા. આર્ય સુહસ્તીસૂરી ઉજ્જૈનમાં અનશન કરી વીર નિર્વાણ પછી 291 વર્ષે દેવલોકમાં  પધાર્યા.

(9)(1) શ્રી સુસ્થિતસૂરિજી, (2) શ્રી સુપ્રતિબદ્ધસૂરિજી :- આ બંને ગુરુભાઈઓ હતા અને તેઓ કાકંદીના વતની હતા. આ બંને આચાર્યોએ ઉગ્ર તપશ્ચર્યાપૂર્વક કુમારગિરી ઉપર સૂરીમંત્રના એક કરોડ જાપ કર્યા હતા. તેથી નિર્ગ્રંથ ગચ્છનું બીજું નામ કોટિ ગચ્છ પડ્યું. એમના સમયમાં તત્વાર્થ સુત્રના રચયિતા ઉમાસ્વાતિ, પન્નવણા સુત્રના રચયિતા શ્યામાચાર્યજી થયા હતા. તેમજ મહાપ્રતાપી રાજા ખારવેલ પણ આ જ સમયે થયેલ જેણે બીજી આગમવાચનાનું આયોજન કરેલ. આચાર્ય સુસ્થિતસૂરિજી 31 વર્ષે દીક્ષા લઇ 96 વર્ષની ઉંમરે સ્વર્ગે સંચર્યા. વર્તમાનમાં મુમુક્ષુની દીક્ષા વખતે નામ પાડતા સમયે કોટિગણ બોલાય છે જે આ કોટિગચ્છની યાદમાં બોલાય છે.

(10) શ્રી ઇન્દ્રદીન્નસૂરિજી :- તેઓ અત્યંત પ્રભાવશાળી હતા.એમના સમયમાં કલિકાચાર્ય (બીજા) થયા. જેમણે રાજાની સમાધિ ખાતર ભાદરવા સુદ પાંચમની સંવત્સરી સુદ ચોથની .કરાવી હતી. તેમજ રાજા ગર્દભિલના પંજામાંથી સાધ્વી સરસ્વતિને છોડાવી તેના શીલની રક્ષા કરી હતી.

(11) શ્રી આર્યદીન્નસૂરિજી :-  આ મહાપુરુષે આ જીવન નિવી તપનું પચ્ચકખાણ કર્યું. વૃદ્ધાદીસૂરિ રાજા વિક્રમ ના પ્રતિબોધક શ્રી સિદ્ધસેનદિવાકરજી, શ્રી પાદલીપ્તસૂરિજી એમના સમકાલીન હતા. એમના સમયથી સાધુઓના મૃતદેહને શ્રાવકો સાથે ભળાવવાનું શરુ થયું. શ્રાવકો દ્વારા તેમના અગ્નિસંસ્કારનો રિવાજ પડ્યો. ભગવાન મહાવીરના નિર્વાણથી 470 વર્ષે વિક્રમ સંવત ચાલુ થયો.

(12) શ્રી આર્યસિંહગીરી  :-  તેઓ જાતિસ્મરણ જ્ઞાન વાળા હતા. આર્યધનગિરી (વજ્રસ્વામીના પિતા), આર્યસમિતસૂરિ (વજ્રસ્વામીના મામા) આદિ તેમના શિષ્યો હતા. એમના સમયમાં રોહગુપ્ત  છઠ્ઠો નિન્હવ થ્યો. જેને ત્રિરાશિક મતની સ્થાપના  કરી. ક્રિશ્ચિયન ધર્મના સ્થાપક ઈશુખ્રિસ્ત આર્યસિંહગીરીના સમયમાં ભારત આવેલા. તેઓ જૈન ધર્મથી અત્યંત પ્રભાવીત  થયેલા.વીર સં 540 માં શ્રી સિંહગીરીનું સ્વર્ગગમન થયું.

(13) શ્રી વજ્રસ્વામી  :-  બાલ્ય વયમાં જાતિસ્મરણ જ્ઞાન થતા દીક્ષાના ભાવ થયા. ત્રણ વર્ષની વયે સાધ્વીજીના મુખેથી અગિયાર અંગ પારણામાં સુતા સુતા સાંભળીને કંઠસ્થ કરી લીધા. આઠ વર્ષની વયે ચરિત્ર જીવન સ્વીકાર્યું. દેવમાયામાં ના ફસાતા દેવોએ ખુશ થઈને વૈક્રિય લબ્ધિ અને આકાશ ગામિની વિદ્યા આપી. આ. શ્રી ભદ્રગુપ્તસૂરીજી પાસે 10 પૂર્વનું જ્ઞાન મેળવ્યું. આ અવસર્પીણીના છેલ્લા દસ પૂર્વ ધારી બન્યા. દુષ્કાળ સમયે આકાશ ગામિની વિદ્યા દ્વારા સકળ સંઘની રક્ષા માટે સંઘને મોટા પટમાં બેસાડી અન્યત્ર લઇ ગયા. ત્યાં જૈનેતર રાજાને પ્રભુ શાસનથી પ્રભાવિત કર્યો. જાવડશાહ પાસે ગિરીરાજનો જીર્ણોદ્ધાર  કરાવ્યો. જુના કપર્દી યક્ષને હટાવી નવા કપર્દી યક્ષની સ્થાપના કરી. બાર વર્ષનો દુષ્કાળ પડતા રથાવર્તગીરી પર અણશણ કરી સ્વર્ગે પધાર્યા. ત્યારે ઇન્દ્ર મહારાજાએ રથ સહિત એ ગિરીને પ્રદક્ષિણા આપતા એ ગિરીનું નામ રથાવર્તગિરી  પડયું. શ્રી વજ્રસ્વામીના સ્વર્ગે ગયા પછી 4 સંઘયણ અને દસમું પૂર્વ વિચ્છેદ પામ્યું. વજ્ર સ્વામીથી શરુ થયેલી વજ્ર શાખા હજુ પણ ચાલે છે. વર્તમાનના શ્રમણો વજીશાખાના છે. શ્રી વજ્રસ્વામી 80 વર્ષનું સયમ જીવન પાળીને 88 વર્ષે કાળધર્મ  પામ્યા.

(14) શ્રી વજ્રસેનસૂરિ  :-  તેઓ વજ્ર સ્વામી કરતા દીક્ષા માં અને ઉંમરમાં મોટા હતા. આર્ય વજ્રસ્વામીજીની સાથે જ દુષ્કાળ સમયે અણસણ કરવા તૈયાર થયેલા પરંતુ પોતાની પાટ પરંપરાને સાચવવા યોગ્ય હોઈ વજ્રસ્વામીજીએ તેમને અણસણ કરતા અટકાવેલા. વજ્રસ્વામીના 'લાખ સુવર્ણની ભિક્ષા મળે તેના બીજા દિવસે સુકાળ થશે' - કહેવા મુજબ સોપારક નગરમાં જિનદત્ત શેઠને ત્યાં તેવી દીક્ષા મળતા સહુને આપઘાત  કરતા અટકાવ્યા. બીજા દિવસે સુકાળ થતા જિનદત્ત શેઠે ચારેય પુત્રો સાથે આચાર્ય શ્રી પાસે દીક્ષા અંગીકાર કરી. એમના સમયમાં મંદસૌરમાં ત્રીજી આગમ વાચના થઇ. આર્યરક્ષિતસુરીજી કે જેમને વજ્રસ્વમીજી પાસે  9।। પૂર્વનું અધ્યયન કરેલ તેમણે આગમોને ચાર અનુયોગમાં (દ્રવ્યાનુયોગ, ચરણકરણાનુયોગ, ગણીતાનુયોગ, ધર્મકથાનુ યોગ) વિભક્ત કર્યા. ગોષ્ઠા માહિલ નામનો સાતમો નિહ્નવ તેમજ દિગંબર મતની ઉત્પત્તિ આજ સમયમાં થઇ. શ્રી દુર્બલિકાપુષ્પમિત્ર આદિ ધુરંધર આચાર્યો આ સમયમાં થયા. પ્રભુ નિર્વાણથી 620 વર્ષે શ્રી વજ્રસેનસૂરી દેવલોક થયા.

(15) શ્રી ચન્દ્રસૂરિ (ચાન્દ્ર ગચ્છ)  :-  જીનદત્ત શેઠના ચાર પુત્રના નામ અનુક્રમે નાગેન્દ્ર, ચંદ્ર, નિવૃત્તિ અને વિદ્યાધર  હતા. આ ચારેયના નામથી ચાર કુળ નીકળ્યા. શ્રી ચંદ્ર સૂરી અંત્યંત પુન્યશાળી હોઈ આચાર્ય વજ્રસેનસૂરીની પાટે તેઓ પધાર્યા. કાંઇક ન્યૂન દશપૂર્વના તેઓ જ્ઞાતા હતા. ચાર કુળમાં ચંદ્રકુળ અનેક ગણ અને શાખાથી વિશાળ બનતા ગચ્છનું ત્રીજું નામ ચાન્દ્ર ગચ્છ પડયું. વર્તમાન કાળે શ્રમણોના દિગ્ગબંધ (નામકરણ ) વખતે ચાન્દ્ર કુળનો ઉલ્લેખ કરવામાં આવે  છે. કારણકે વિદ્યમાન દરેક ગચ્છો ચાન્દ્ર કુળની પરંપરાના જ છે. એ સિવાય વાદીવેતાલ શાંતિસૂરી, નવાંગીનિવૃતકાર શ્રી અભયદેવસૂરી જેવા અનેક દિગ્ગજ આચાર્યો આ ગચ્છની  પરંપરામાં થયા છે. 37 વર્ષે દીક્ષા લઇ 30 વર્ષનું ચારિત્ર પાળી શ્રી ચન્દ્રસૂરી સ્વર્ગે  સિધાવ્યા.

(16) શ્રી સમંતભદ્રસૂરિ (વનવાસી ગચ્છ)  :-  તેઓ પૂર્વે દિગંબર સાધુ હતા. પછી શ્રી ચન્દ્રસૂરી પાસે દીક્ષા લઇ તેઓના પટ્ટધર  બન્યા. તેઓ મહાન ત્યાગી અને તપસ્વી હતા. શાસ્ત્રોક્ત શુદ્ધ ક્રિયાકારક હતા. તેઓ મોટેભાગે વનમાં, ગામ બહાર યક્ષ મંદિરમાં રહેતા હોઈ એમનો શિષ્ય પરિવાર વનવાસી ગચ્છ તરીકે ઓળખાતા નિર્ગ્રંથ ગચ્છનું ચોથું નામ વનવાસી ગચ્છ પડ્યું. તેઓ મહાન વિદ્વાન હતા. પુર્વગત શ્રુતના તેઓ જાણકાર હતા. અનેક ગ્રંથોની તેમણે રચના કરેલ. હેમચંદ્રાચાર્યજીએ તેઓને મહાન સ્તુતિકાર તરીકે પોતાના ગ્રંથોમાં બિરદાવ્યા છે.

(17) શ્રી વૃદ્ધદેવસૂરિ :-  આ સૂરિજી પૂર્વે ભગવાન પાર્શ્વનાથની પરંપરાના સાધુ હતા. વર્ષો સુધી તેઓ રાજસ્થાન - કોરટામાં રહેતા. ધીરે ધીરે શિથિલ થઇ ગયા. આચાર્ય સમંતભદ્રસૂરી વિહાર કરતાં કોરટા પધાર્યા. દેવચંદ્રજીને વૈરાગ્યનો ઉપદેશ આપી ચૈત્યની મમતા છોડાવી, શિથિલતા દુર કરાવી, શુદ્ધ સાધુ માર્ગમાં સ્થાપ્યા. આગળ જતાં આચાર્ય પદ આપી પોતાની પાટે સ્થાપ્યા. એમનું નામ દેવસૂરી રાખ્યું. તેમની ઉંમર ઘણી મોટી હોઈ તેઓ વૃદ્ધદેવસૂરી તરીકે પ્રસિદ્ધ થયા. સૂરીજીએ નાહડ મંત્રી દ્વારા દેવી ચંડીકાને અપાતું પાડાનું બલિદાન અટકાવી તેને ધર્મનિષ્ઠ  બનાવ્યો. આગળ જતા નાહડે 72 જિનાલયો બંધાવ્યા તેમજ વી.સં. 125 માં કોરટાનું જિનાલય મોટું બનાવી સૂરીજીના હસ્તે પ્રભુજીની પ્રતિષ્ઠા કરાવેલી.

(18) શ્રી પ્રદ્યોતનસૂરિ  :-  આ આચાર્ય ભગવંતે અજમેરમાં ભગવાન ઋષભદેવની પ્રતિષ્ઠા કરેલ. તેમજ સ્વર્ણગીરી(જાલોર) પર દોશી ધનપતિએ બંધાવેલ યશવસહી દેરાસરમાં વીર સં. 680 માં ભગવાન મહાવીર સ્વામીની પ્રતિષ્ઠા કરેલી. તેઓ વીર સં.698, વિક્રમ સં. 288 માં સ્વર્ગે ગયા.

(19) શ્રી માનદેવસૂરિ  :- મારવાડના નાડોલ ગામમાં તેમનો જન્મ થયો હતો. પિતાનું નામ ધનેશ્વર અને માતાનું નામ ધારિણી હતું. શ્રી પ્રદ્યોતનસૂરીનો ઉપદેશ સાંભળી ચરિત્ર લઇ 11 અંગ તેમજ છેદ સુત્રના વિષદ જ્ઞાતા બન્યા. એમની યોગ્યતા જાણી ગુરુજીએ આચાર્ય પદવી  આપી.પદ પ્રદાન સમયે તેમના ખભા પર લક્ષ્મી અને સરસ્વતીને સાક્ષાત જોઈ ગુરુ ચિંતિતિ થયા. ગુરુની ચિંતા દુર કરવા બે અભિગ્રહ લીધા. (1) આજથી હું ભક્તજનોને ત્યાંથી આહાર નહિ વહોરું. (2) હંમેશ માટે વિગઈનો ત્યાગ કરીશ. સૂરીજીએ આ દ્રઢ પ્રતિજ્ઞાઓ જીવંત પર્યંત પાળી હતી. એમના તપ, જ્ઞાન અને નિર્મળ બ્રહ્મચર્યથી આકર્ષાયેલા  જયા, વિજયા, અપરાજિતા અને પદ્માવતી એમના સાંનિધ્યમાં રહેતી. 500 સાધુઓનો તેમનો પરિવાર હતો. એક વાર તક્ષશીલા નગરીમાં મહામારીનો રોગ ફેલાતાં હજારો માણસો ટપોટપ મરવા લાગ્યા. શ્રાવકોએ શાસનદેવની આરાધના કરતા શાસનદેવીએ કહ્યું : શ્રી માનદેવસૂરીના ચરણોનું જળ છાંટવાથી ઉપદ્રવ શાંત થઇ જશે. સૂરીજીએ મંત્રાધિરાજ ગર્ભિત શાંતિસ્તવ (લઘુ શાંતિ) નામનું સ્તોત્ર બનાવી આપ્યું અને સાથે કહ્યું આ સ્તોત્રનો પાઠ કરી, પાણી છાંટવાથી મરકીના ઉપદ્રવની શાંતિ થશે.( આજે પણ આ સ્તોત્ર સાંજના પ્રતિક્રમણના અંતે બોલાય છે. ) શ્રી સંઘે તેમ કરતા ઉપદ્રવ શાંત થઇ ગયો.આ સિવાય એક વ્યંતરનો ઉપદ્રવ નિવારવા વિજયપહુત્ત સ્તોત્રની રચના કરેલ. (જેની ગણના નવ સ્મરણમાં ચોથા સ્મરણ તરીકે થાય છે. ) અનેક રાજપૂતોને તેમણે જૈન  બનાવ્યા.વી.સં. 731માં ગીરનાર તીર્થ પર અણસણ કરી તેઓ સ્વર્ગે ગયા.

(20)શ્રી માનતુંગસૂરિ :- પૂર્વે દિગંબર સંપ્રદાયમાં દીક્ષા લીધી. પછી સંસારી બહેનની પ્રેરણાથી શ્વેતાંબર સાધુ બન્યા. ભણીગણીને આચાર્ય થયા. રાજા ભોજે પરીક્ષા કરવા પગથી માથા સુધી બેડીથી બાંધી અંધારા ઓરડામાં પૂરી દીધા. ભક્તામર સ્તોત્રની રચનાના પ્રભાવે તમામ બેડીઓ તૂટી ગઈ. દરવાજા ખુલી ગયા અને રાજા ભોજ પ્રભાવિત થઇ ગયો. આજે પણ આ સ્તોત્ર જૈન સંઘમાં અત્યંત પ્રચલિત છે. પૂર્વ કર્મના ઉદયે એક વાર સૂરીજીને માનસિક રોગ થયો. અણસણના વિચારોથી ધરણેન્દ્રનું સ્મરણ કર્યું. આયુષ્ય બાકી હોઈ ધરણેન્દ્રએ અણસણની ના પાડી. ધરણેન્દ્રએ અઢાર અક્ષરનો ચિંતામણી મંત્ર સૂરીજીને  આપ્યો. પ્રભાવક અક્ષરોના પ્રભાવે તેઓશ્રીએ ભયહર (નમિઉણ) સ્તોત્રની રચના કરી. તેના પ્રભાવે તેમનો રોગ ચાલ્યો ગયો. આ સૂરીજીએ બીજા પણ અનેક સ્તોત્રોની રચના કરી છે.

(21)શ્રી વીરસૂરિ :- આ મહાપુરુષે નાગપુરમાં ભગવાન નેમિનાથ જિનાલયમાં પ્રતિષ્ઠા કરાવેલ. તેમજ સાંચોરમાં ભગવાન મહાવીરસ્વામીની પ્રતિષ્ઠા કરી હતી. વીર સં. 793માં સ્વર્ગે સંચર્યા.

(22)શ્રી જયદેવસૂરિ  :- આ સૂરિજીએ રણથંભોરની પહાડી પર ભગવાન પદ્મપ્રભસ્વામીની પ્રતિષ્ઠા કરેલ. તેમજ પદ્માવતીની સ્થાપના કરેલ. મારવાડના થળી પ્રદેશમાં વિચરી ભાટી રાજપૂતોને ઉપદેશ આપી તેમને જૈન બનાવ્યા  હતા. અંતે વી. સં. 833માં તેમનો સ્વર્ગવાસ થયો હતો.

(23)શ્રી દેવાનંદસૂરિ :- તેઓ મહા પ્રભાવક હતા. કચ્છ - સુથરીમાં શાસ્ત્રાર્થ કરી શૈવોને તેમણે હરાવ્યા હતા. તાર્કિક શિરોમણી આચાર્ય મલ્લવાદીજી જેવા અનેક આચાર્ય ભગવંતો તેમના સમયમાં થયા. મથુરા અને વલ્લભીમાં ચોથી આગમ વાચના તેમના સમયમાં થઇ. મથુરાની વાચના મથુરી વાચના અને વલ્લભીની વલ્લભી વાચના તરીકે પ્રસિદ્ધ થઇ.

(24)શ્રી વિક્રમસૂરિ :- ધાંધાર દેશના ગાલા નગરમાં પરમાર ક્ષત્રિયોને ઉપદેશ આપી તેમણે જૈન ધર્મી બનાવેલા. આચાર્ય શ્રી શિવશર્મસૂરી, શ્રી ચંદ્રર્ષી મહત્તર, શ્રી સંઘદાસગણી મહત્તર, શ્રી જિનદાસ ગણી મહત્તર જેવા સમર્થ શાસ્ત્રકારો આ સમયમાં થયા છે.

(25)શ્રી નરસિંહસૂરિ  :- તેઓ સર્વ સિદ્ધાંતના જ્ઞાતા હતા. નરસિંહપુરમાં યક્ષ ને પ્રતીબુદ્ધ કરી તેને માંસભક્ષણનો ત્યાગી બનાવેલ. ઉપરકોટ તથા તેની આસપાસના નગરોમાં નવરાત્રીની આઠમે અપાતું પાડાનું બલિદાન તેમણે બંધ કરાવેલ. મેવાડના ખુમાલ કુળના સૂર્યવંશી રાજપૂતોને પ્રતીબોધીને જૈન બનાવ્યા હતા. તેમાના અનેક રાજપૂત કુમારોને દીક્ષા પણ આપી હતી.

(26)શ્રી સમુદ્રસૂરિ  :- ખુમાણ રાજાના કુળમાં એમનો જન્મ થયો હતો. આ રાજાના વંશજો શીસોદીયા તરીકે પ્રસિદ્ધ પામ્યા  હતા. આચાર્ય સમુદ્રસુરીજી સૂર્યવંશી ક્ષત્રિય, મહા પ્રતાપી, તપસ્વી, વિદ્વાન અને વાદી  હતા. ચિતોડનો રાણો તેમનો કુટુંબી હોવાથી તેઓને બહુ માનતો હતો. નાગહ્યદ (નાગદા)તીર્થમાં દિગમ્બરોને જીતીને તેમણે તીર્થની રક્ષા કરી હતી. તેમજ વૈરાટનગરમાં પણ દિગંબરોને હરાવી શ્વેતાંબર ધર્મનો ફેલાવો કરેલ. આગમો તેમજ શાસ્ત્રોને પુસ્ત્કારુઢ કરનાર શ્રી દેવર્ધિગણી ક્ષમાશ્રમણ આ અરસામાં થયા છે. એ સિવાય વલ્લભી પુરની પંચમી આગમ વાચના તેમજ વડનગરમાં સંઘ સમક્ષ કલ્પસૂત્રનું વાંચન પણ આ અરસામાં થયું  હતું.

(27)શ્રી માનદેવસૂરિ (બીજા) :- વીર નિર્વાણથી આશરે 1000 વર્ષ પછી તેઓનો જન્મ થયો હતો. તેમની યોગ્યતા જોઈને શ્રી સમુદ્રસૂરિએ વીર સં. 582માં તેમને આચાર્ય બનાવ્યા. દુષ્કાળ આદિના કારણે એક વાર તેઓ સૂરિ મંત્ર ભૂલી ગયા. તેને પાછો મેળવવા તેઓએ ગિરનાર પર્વત પર જઈને દીર્ઘ ઉપવાસની તપસ્યા કરી અંબિકા દેવીની આરાધના કરી. અંબીકાજીએ ભગવાન સીમંધર સ્વામી પાસેથી સૂરી મંત્ર લાવી આપ્યો. ત્યારથી સૂરિમંત્ર અંબિકા મંત્ર તરીકે પ્રસિદ્ધ થયો. શ્રી પદ્માવતી દેવી પણ શ્રી માનદેવસૂરિજીને સહાય કરતા  હતા. 1444 ગ્રંથના રચયિતા શ્રી હરિભદ્રસૂરિ મહારાજ આચાર્યશ્રીના પરમ મિત્ર હતા. શ્રી હરિભદ્રસૂરિ મહારાજ વીર સં. 1055 (વિ. સં. 585) માં સ્વર્ગે સિધાવ્યા. તેમણે મહાનિશિથ સૂત્રનું વ્યવસ્થિત સંકલન કર્યું હતું. (મતાંતરે પાંચમની ચોથ કરનારા શ્રી કાલિકસૂરિ મહારાજ પણ આ સમયમાં થયા હતા.) પ્રભુવીરથી 1000 વર્ષે પૂર્વગ્રંથનો વિચ્છેદ થયો. એટલે દ્વાદશાંગી માંથી 11 અંગ બચ્યા. બારમું દ્રષ્ટિવાદ સંપૂર્ણપણે નષ્ટ  થયું.

(28)શ્રી વિબુધપ્રભસૂરી :- એમના જીવનનો વિશેષ વૃતાંત મળતો નથી. એમના સમયમાં વિશેષાવશ્યકભાષ્ય જેવા મહાન ગ્રંથોના રચયિતા શ્રી જિનભદ્રસૂરિ ક્ષમાશ્રમણ થયા હતા. તેમજ કુલપાકજી તીર્થની સ્થાપના થઈ હતી.

(29)શ્રી જયાનંદસૂરિ :-  તેઓ મહાન ઉપદેશક હતા. તેઓશ્રીની પ્રેરણાથી પ્રાગવાટ વંશીય સામંતનામના મંત્રીએ સંપ્રતિ મહારાજાએ બનાવેલ 900 જિનાલયોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. જેમાં હમીરગઢ, વિજાપુર, વરમાણ, નાંદિયા, બામણવાડા આદિ મુખ્ય હતા. આ મહાપુરુષે શાસ્ત્રોની રક્ષાર્થે જ્ઞાનભંડારોની ગોઠવણ  કરેલ. એમના સમયમાં દિગંબર આચાર્ય અકલંકદેવ વગેરે થયેલ.

(30)શ્રી રવિપ્રભસૂરિ :- આ સૂરિભગવંતે વીર સં. 1170 (વી. સં. 700) માં નાડોલમાં શ્રી નેમિનાથ ભગવાનના જિનાલયની પ્રતિષ્ઠા  કરેલ. એમના સમયમાં તત્વાર્થ સૂત્રના ટીકાકાર શ્રી સિદ્ધસેન ગણી તેમજ નંદીસૂત્ર, અનુયોગદ્વાર સૂત્રની ચૂર્ણીના રચયિતા શ્રી જિનદાસ ગણી મહત્તર થયા  છે.

(31)શ્રી યશોદેવસૂરિ :- તેઓ નાગર બ્રાહ્મણ હતા. વિક્રમના આઠમા સૈકાના ઉત્તરાર્ધના તેઓ સમર્થ આચાર્ય હતા. આ.શ્રી યશોદેવસૂરીજી મહાન વિદ્વાન હતા. તેમને સરસ્વતી કંઠાભરણનું બિરુદ મળેલું. એમના સમયમાં  વનરાજ ચાવડાએ ગુજરાતની રાજધાની તરીકે પાટણની સ્થાપના કરી (વીર સં. 1272 - વી. સં. 802) અને પંચાસરા પાર્શ્વનાથ ભગવાનની પ્રતિસ્થા થઈ. તેમજ આમરાજા પ્રતિબોધક બપ્પભટ્ટીસૂરી મહારાજ (જન્મ: વીર સં. - 1270 - દેવલોક : 1365) પણ આ સમયમાં થયા. જેમણે દિગંબરોને હરાવી ગિરનાર તીર્થને શ્વેતાંબર તીર્થ તરીકે જાહેર કરાવેલ.

(32)શ્રી પ્રદ્યુમ્નરિ :- તેઓએ પૂર્વ દેશમાં ખુબજ વિચરણ કરેલું. એમની પ્રેરણાથી નવા સત્તર જિનાલયો બન્યા. તેમણે અલગ અલગ 11 જગ્યાએ જ્ઞાન ભંડારની સ્થાપના કરેલ. તેઓશ્રીએ સાત વખત શ્રી શિખરજીની જાત્રા કરેલી. એમના સમયમાં અદ્વૈતમ પ્રવર્તક શંકરાચાર્યના અનુયાયીઓ દ્વારા જૈનોને ખુબજ સહન કરવું પડયુ  હતું. જૈનોએ  દેશમાંથી હિજરત કરીને અન્ય પ્રદેશમાં ચાલ્યું જવું પડયું હતું. જેઓ ત્યાં રહ્યા તેમણે જૈન ધર્મ છોડી દેવો પડયો  હતો. તેઓ આજે પણ સરાક તરીકે એ પ્રદેશમાં પ્રસિદ્ધ  છે. જૈનોના ચાલ્યા જવાથી ત્યાંના જિનાલયો અને શાસ્ત્રોને ઘણું નુકશાન  થયું. બદ્રીપાર્શ્વનાથ, જગન્નાથપુરી, કુમારગિરિ, ભુવનેશ્વર જેવા અનેક જૈન તીર્થો જૈનોના તાબામાંથી ચાલ્યા ગયા. આ અરસામાં કુવયમાલા ગ્રંથના રચયિતા શ્રી ઉદ્યોતનસૂરી મહારાજ, શત્રુંજય માહાત્મ્યના રચયિતા શ્રી ધનેશ્વરસૂરી મહારાજ તેમજ એક વર્ષમાં વધુમાં વધુ 34 પારણા અને બાકીના ઉપવાસ કરનારા ભીષ્મ તપસ્વી - લબ્ધીધારી શ્રી કૃષ્ણર્ષિ  જેવા મહાપુરુષો થયા.

(33)શ્રી માનદેવસૂરિ (ત્રીજા) :- આ મહાપુરુષનું વિશેષ જીવનચરિત્ર મળતું નથી. તેમણે શ્રાવક - શ્રાવિકા  માટે ઉપધાનવિધિ ગ્રંથની રચના કરી હતી. વિક્રમના નવમાં સૈકાના ઉત્તરાર્ધ માં તેઓ થયા હતા.

(34)શ્રી વિમલચંદ્રસૂરી :- માતા પદ્માવતી દેવીની સહાયથી ચિતોડગઢ પર તેમણે સુવર્ણસિદ્ધિ પ્રાપ્ત કરી હતી. ગ્વાલિયરની રાજસભામાં વાદમાં વિજય મેળવતાં રાજા મિહિરભોજે તેમણે ખૂબ સન્માન  આપેલ.ચિતોડનો અલ્લટરાજ પણ તેમનો પરમ ભક્ત હતો. તેઓશ્રીએ પોતાના શિષ્ય પરિવાર સાથે મથુરા,સમ્મેતશિખરજી વગેરે તીર્થોની અનેકવાર યાત્રાઓ કરી હતી. પોતાના શિષ્ય શ્રી વીરમુનિને 'અંગવીજજા' ગ્રંથની વાચના આપી હતી. 100 વર્ષની ઉંમરે ગિરિરાજ ઉપર અણસણ કરી વી.સં.980માં તેઓ સ્વર્ગવાસી  થયા. એમના સમયમાં આચારાંગ આદિ સુત્રોના ટીકાકાર શ્રી શિલાંકાચાર્ય, જગપ્રસિદ્ધ ગ્રંથશ્રી ઉપમિતિભવપ્રપંચા કથાના રચયિતા શ્રી સિદ્ધર્ષિગણી જેવા મહાન શ્રુતધરો થયા. એ સિવાય અનેક જૈન રાજાઓ, જૈન સ્તૂપો, જૈન તીર્થોની સ્થાપના પણ થઈ છે.

પ્રભુ મહાવીર સ્વામીની પાટપરંપરામાં 77 જેટલા જૈનાચાર્યોનો સમાવેશ થયેલ છે. પૂ. પં. મહાબોધિજી ગણિવર્ય લખે છે તેમ 77માં જૈન આચાર્ય એટલે શ્રી વિજય ભુવનભાનુસૂરિજી. 35થી 77માં જૈનાચાર્યોની યાદી નીચે મુજબ છે.

 

35 (વડગચ્છ- 35 થી 43 પાટ) - શ્રી ઉદ્યોતનસૂરિ
36 - શ્રી સર્વદેવસૂરિ
37 - શ્રી દેવસૂરિ
38 - શ્રી સર્વદેવસૂરિ (બીજા)
39 - (1) શ્રી યશોભદ્રસૂરિ (2) શ્રી નેમિચંદ્રસૂરિ
40 - શ્રી મુનિચંદ્રસૂરિ
41 - શ્રી અજિતદેવસૂરિ
42 - શ્રી વિજયસિંહસૂરિ
43 - (1) શ્રી સોમપ્રભસૂરિ  (2) શ્રી મણિરત્નસૂરિ
44 - ( તપાગચ્છ - 44 થી 77 પાટ ) શ્રી જગચ્ચન્દ્રસૂરિ
45 - શ્રી દેવેન્દ્ર સૂરિ
46 - (1) શ્રી વિદ્યાનંદસૂરિ  (2) શ્રી ધર્મઘોષસૂરિ
47 - શ્રી સોમપ્રભસૂરિ (બીજા)
48 -  શ્રી સોમતિલકસૂરિ
49 - શ્રી દેવસુંદરસૂરિ
50 - શ્રી સોમસુંદરસૂરિ
51 - શ્રી મુનિસુંદરસૂરિ
52 - શ્રી રત્નશેખરસૂરિ
53 - શ્રી લક્ષ્મીસાગરસૂરિ
54 - શ્રી સુમતિસાધુસૂરિ
55 - શ્રી હેમવિમલસૂરિ
56 - શ્રી આનંદવિમલસૂરિ
57 - શ્રી વિજયદાનસૂરિ
58 - શ્રી હીરવિજયસૂરિ
59 - શ્રી વિજયસેનસૂરિ
60 - શ્રી વિજયદેવ સૂરિ
61 - (1) શ્રી વિજયસિંહસૂરિ  (2) શ્રી વિજયપ્રભસૂરિ
62 - પં. શ્રી સત્યવિજયગણી
63 - પં. શ્રી કપુરવિજયગણી
64 - પં. શ્રી ક્ષમાવિજયગણી
65 - પં. શ્રી જિનવિજયગણી
66 - પં. શ્રી ઉત્તમવિજય ગણી
67 - પં. શ્રી પદ્મવિજયગણી
68 - પં. શ્રી રૂપવિજયગણી
69 - પં. શ્રી કીર્તિવિજયગણી
70 - પં. શ્રી કસ્તુરવિજયગણી
71 - પં. શ્રી મણિવિજયજી દાદા
72 - શ્રી બુદ્ધિવિજયજી (બુટેરાયજી)
73 - શ્રી આત્મારામજી મહારાજ
74 - શ્રી કમલસૂરિ મહારાજ
75 - શ્રી દાનસૂરિ મહારાજ
76 - શ્રી પ્રેમસૂરિ મહારાજ
77 - શ્રી ભુવનભાનુસૂરિ મહારાજ  : - અમદાવાદની કાળુશીની પોળમાં વિ. સં. 1967ના ચૈત્ર વદ - 6 ના મંગળ દિવસે આ મહાપુરુષનો જન્મ થયો હતો. એમના પિતાનું નામ શ્રી ચીમનભાઈ અને માતાનું નામ શ્રી ભૂરીબાઈ હતું. એમનું નામ કાંતિભાઈ અને એમને પાંચ ભાઈ અને ત્રણ બહેનો હતી. માતા -પિતાના સંસ્કાર અને પૂર્વ સાધનાના યોગે આ મહા પુરુષ જન્મથી દેવ, ગુરુ અને ધર્મના આરાધક હતા. તેર વર્ષની વયે અમદાવાદ વિદ્યાશાળાના ઉપાશ્રયે શ્રી પ્રેમસૂરિ મહારાજનો ( તે વખતે ઉપાધ્યાય ) સમાગમ થયો.પાંચ મિનિટ માં દંડકની પાંચ ગાથા સંભળાવતા ઉપા.શ્રી પ્રેમવિજયજીની દ્રષ્ટિથી કાંતિલાલ નામનો હીરો પરખાઈ ગયો.
     કાંતિલાલ સી.એ. સમકક્ષ જી.ડી.એ.ની પરીક્ષામાં ફર્સ્ટક્લાસ પાસ થયા. એ દરમિયાન ફરી ઉપાધ્યાયજી અમદાવાદ પધારતાં કાંતિલાલને પુનઃ પ્રેરણાના અમૃત મળવાના ચાલુ થયા. માતા - પિતાની અનુમતિ ના મળતાં કાંતિ અને નાના ભાઈ પોપટે અમદાવાદથી ચાણસ્મા જઈ વી.સં. 1991ના પોષ સુદ 12 ના મંગળ દિવસે ચરિત્ર જીવનનો સ્વીકાર કર્યો. કાંતિભાઈ બન્યા મુનિ ભાનુવિજય અને પોપટભાઈ બન્યા ભાનુવિજયના શિષ્ય મુનિ પદ્મવિજય.
     દીક્ષા લીધા પછી ટૂંક સમયમાં આવશ્યક સૂત્રોનો અભ્યાસ કર્યા પછી ન્યાયદર્શનમાં તેમનો પ્રવેશ  થયો. કાશીના પંડિત બદ્રીનાથ શુક્લ પાસે રોજના 6-6 કલાક તેઓ અભ્યાસ કરતા. ગુરુ - શિષ્યની (ભાનુવિજય - પદ્મવિજય) જોડલીએ વૈરાગ્યભર્યા પ્રવચન અને સજઝાયના માધ્યમે હજારોને વૈરાગ્યના રંગે રંગી દીધા. એટલું જ નહિ પરમ ગુરુદેવના આશીર્વાદ સાથે પાંચ વર્ષમાં 30 - 35 યુવાનોને ચરિત્રના માર્ગે ચઢાવ્યા. એમના સંસારી ભાઈ તથા બહેને પણ આગળ જતાં ચરિત્ર જીવન સ્વીકારેલ. જેમના નામ હતા મુનિ શ્રીતરુણવિજય અને સાધ્વી શ્રીહંસકીર્તિશ્રીજી.
     ભૌતિક શિક્ષણનારંગમાં રંગાઈને ધર્મથી વિમુખ થઇ ગયેલા યુવાનોને ધર્મસ્થાનોમાં આવતા કેમ કરવા તેની સતત ચિંતા તેઓને રહેતી. આ ચિંતામાંથી અત્યંત લોકભોગ્ય કહી શકાય તેવી ધાર્મિક શિબિર નામની સંસ્થાનો જન્મ થયો. જેના માધ્યમે હજારો યુવાનો ધર્મ માર્ગે જોડાઈ ગયા.
     વર્ધમાન તપની 108 ઓળીની તેઓએ આરાધના કરેલી. આ જીવન ફ્રૂટ, મીઠાઈ અને ડ્રાયફ્રૂટના તેઓ ત્યાગી હતા. કલકત્તા કે દક્ષિણના લાંબા વિહારોમાં પણ તેઓશ્રી દોષિત ગોચરી વાપરતા ન હતા. જીવનના અંતિમ દિવસ સુધી બંને સમયના પ્રતિક્રમણ ઉપયોગપૂર્વક ઉભા-ઉભા કરતા. તેઓશ્રીએ દિવ્યદર્શનના માધ્યમે 82 જેટલા પુસ્તકોનું આલેખન કર્યું. જેમાં સમરાઇચ્ચ મહાકથાના આધારે લખાયેલા પુસ્તકો આજે પણ ઇન્દ્રિયોના વિષયો પરના રાગને ખતમ કરી નાખવા સમર્થ છે. જૈન જગતમાં સૌથી પહેલું સચિત્ર પુસ્તક (પ્રતિક્રમણ સૂત્ર આલબમ) બહાર પાડવાની પહેલ પણ આ મહાપુરુષે કરી હતી. એ સિવાય પ્રભુ મહાવીરના 27 ભવો, મહાપુરુષોના ચરિત્રોના સચિત્ર પુસ્તકો આજે પણ એટલાજ પ્રખ્યાત છે.
    એમની ગણીપદવી વી.સં. 2012ના ફા.સુ.11ના પૂનામાં અને પન્યાસપદવી વી.સં. 2016 ચૈત્ર સુદ 6ના સુરેન્દ્રનગરમાં થઇ. વી.સ. 2029માં મહા સુદ -2 ના મંગળ દિવસે અમદાવાદમાં તેમની આચાર્ય પદવી થઇ. ત્યારથી તેઓ ભુવનભાનુસૂરિ મહારાજા તરીકે પ્રસિદ્ધ થયા. એમની નિશ્રામાં અનેક ઉપધાન, છ'રી પાળતા સંઘો, અંજનશલાકા - પ્રતિષ્ઠાઓ થયેલ. અમલનેરમાં એક સાથે થયેલી 26 દીક્ષાઓ તેમની જ પ્રેરણાનો પ્રભાવ  હતો. જીવનના અંતિમ 6 દાયકા દક્ષિણ ભારતમાં વિચરી જબરદસ્ત શાસન પ્રભાવના કરી હતી. બેંગ્લોર પાસે થનારા વિરાટકાય કતલખાનાનો વિરોધ કરી હજારો - લાખો જીવોની કતલ થતી અટકાવી. આજ પ્રદેશમાં પૂજ્યશ્રીને વી.સં. 2046માં પોષ સુદ 12ના ઇરોડ મુકામે ગચ્છાધિપતિ પદવી પ્રાપ્ત થઇ.
     જીવનનું અંતિમ ચાતુર્માસ સુરતમાં કરી વી.સં. 2049માં અમદાવાદમાં પધાર્યા. ચૈત્ર વદ 12ના રોજ સ્વાસ્થ્ય બગાડયું. ચૈત્ર વદ 13ના પૂ. પં. શ્રી ચંદ્રશેખરવિજયજીના મુખે નવકારમંત્રનું સ્મરણ કરતા બપોરે એકને પચ્ચીસ મિનિટે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. તેઓશ્રીએ અમદાવાદમાં જ જન્મ લીધો અને અમદાવાદમાં જ કાળધર્મ પામ્યા. એથી વિશેષ યોગનુયોગ 19 એપ્રિલે જન્મ થયો અને 19 એપ્રિલે કાળધર્મ પામ્યા?

                                                                                                          સૌજન્ય:- ગુજરાત સમાચાર.
Share this article :

Post a Comment

Note: only a member of this blog may post a comment.

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2011. જિનભક્તિ - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger