શ્રીપાળ - મયણા

Tuesday 25 December 20120 comments


ગૌતમ ગણધરના શ્રી મુખે સિદ્ધચક્રનો મહિમા :-

શ્રીપાળનું સત્વ- મયાણાંનું તત્વ :-

વીર પ્રભુની આજ્ઞા લઇને ગૌતમસ્વામીજી રાજગૃહી નગરીમાં પધાર્યા. અનંતલબ્ઘિનિઘાન ગૌતમગણઘરની દેશનારૂપી અમૃતનું પાન કરવા રાજગૃહી નરેશ, પ્રભુવીરના પરમ ભકત શ્રેણિકમહારાજા પોતાના અંતઃપુર અને પ્રજાસહીત આવ્યા. પરમવિનયરૂપ પ્રથમ ગણઘર ગૌતમસ્વામીજી મેઘ સમાન ગંભીર વાણીમાં નવપદજીનો મહિમા સમજાવવા લાગ્યાં. દેશનામાં નવપદનો મહિમા સાંભળીને શ્રેણિક રાજાને સહજ જિજ્ઞાસા જાગૃત થઇ ભગવંત પુર્વમાં કોઇ પુણ્યશાળી આત્માએ નવપદજીની વિશિષ્ટ આરાઘના કરેલી છે ખરી?

શ્રેણિક મહારાજાની જિજ્ઞાસાનું સમાઘાન કરતા ગૌતમસ્વામી ફરમાવે છે રાજન, 11 લાખ વર્ષ પૂર્વ 20માં તીર્થકર શ્રી મુનિસુવ્રત સ્વામીનાં શાસનમાં શ્રીપાળ મહારાજા અને મયણાસુંદરી એ નવપદની આરાઘના થી મનવાંછિત ફળની પ્રાપ્તિ કરેલી છે.

કરુણાસાગર કૃપા કરીને એ પુણ્ય શાળીઓનું જીવન જણાવશો? શ્રેણિકે વિનંતી કરી.

ગૌતમસ્વામી અમૃતસમાન મઘુરી વાણીમાં ફરમાવવાં લાગ્યા....

રાજકુંવરીઓની પરિક્ષા :-

સુંદર એવો જંબદ્રીપ છે. રીધ્ધિ-સિધ્ધિથી ભરેલો ભરત નામે ખંડ છે. ત્યાં માલવ નામે દેશ છે. ઇંદ્રની અલ્કાપુરી જેવી ઉજજયની નગરી છે. ઉજજયની નગરીમાં પ્રજાપાલ નામે રાજા રાજ કરે. રાજાને શૈવઘર્મી સૌભાગ્યસુંદરી અને જિનઘર્મી રૂપસુંદરી નામે રુપ રુપના અંબાર જેવી બે રાણીઓ. બન્ને રાણીઓને દેવાંગના જેવી એક-એક પુત્રી. એકનું નામ સુરસુંદરી, બીજીનું નામ મયાણાસુંદરી. જાણે ચાંદ સુરજની જોડ. જાણે લક્ષ્મી અને સરસ્વતીનો સાક્ષાત અવતાર. એકને જોઇએ ને બીજી ને ભુલીએ.

 મોટા-મોટા પંડિતો પાસે બંનેનો અભ્યાસ ચાલે. પંડિતો અડઘું શીખવે ત્યાં એ બન્ને આખાનું ગ્રહણ કરી લે. ભણી- ગણીને બન્ને સ્ત્રીઓની 64 કલાઓમાં નિપુણ થઇ ગઇ. એક દિવસ રાજકુંવરીઓના કુલાચાર્યોએ રાજાને કહ્યું રાજન અમારી વિઘા પૂરી થઇ. હવે કુંવરીઓની પરીક્ષા લઇ આપ એમની કલાને પારખો બીજે દિવસે રાજસભાની વચ્ચે કુંવરીઓની પરીક્ષા લેવાનું નકકી થયું. સભા તો હકડેઠઠ ભરાણી છે. દેશદેશના પંડિતો બેઠા છે.
રાજકુંવરીઓ રુમઝુમ કરતી રાજસભામાં આવી. જાણે રૂપનો ચાંદો આભમાં ઉગ્યો. જાણે સોનાનો સૂરજ સભામાં આવ્યો.
સોલે શણગારે સજેલી કુંવરીઓ રાજા પાસે આવી. કોયલ જેવા કંઠે ટહુકે છે પિતાશ્રી ! વંદન.... ! આજ્ઞા ફરમાવો.....
પ્રજાપાલ મહારાજા બંને દીકરીઓને પાસે બેસાડીને કહે છે “ મારી વહાલી દીકરીઓ !  આજે ભરી સભામાં તમારી કલા-વિધાની પરીક્ષા લેવાની છે. હીરો ઝવેરીને ત્યાં જ મુલવાય.

કહો- જીવવાની નિશાની શી ? કામદેવની પત્ની કોણ છે ? ફૂલોમાં ઉતમ ફૂલ કયું ? કન્યા પરણ્યા પછી કયાં જાય છે ?- પણ ઘ્યાન રાખજો. મારી એક શરત છે. આ ચારે પ્રશ્રોના ઉતર એક જ વાકયમાં આવવો જોઇએ.
સભા તો અચરજ પામી ગઇ. આવા તે કાંઇ સવાલ હોય ? અને આવા સવાલોનાં તે કાંઇ જવાબ હોતા હશે.
મોટી કુંવરી સુરસુંદરી તરતજ ઉભી થઇને બોલી પિતાશ્રી ! આ બઘા પ્રશ્રોનો એક જ ઉતર છે  ‘સાસરે જાય ‘
પ્રથમ પ્રશ્રનો ઉતર ‘સાસ’ છે. કેમકે જીવવાની નિશાની શ્વાસ છે. બીજો ઉતર કામદેવની પત્નિ ‘રતિ’ છે. એને પ્રાકૃત ભાષામાં રઇ કહેવાય. (રઇ=રે). ત્રીજો પ્રશ્ર ઉતમ ફૂલ કયું ? નો જવાબ છે ‘ જાય’ જાઇનું ફૂલ. ચોથા પ્રશ્રનો ઉતર તો સર્વવિદિત છે કે પરણ્યા પછી પુત્રી પિતૃગૃહનો ત્યાગ કરી ‘ સાસરે જાય ‘
સુરસુંદરી નો આ જવાબ સાંભળી રાજા આનંદિત થઇને શાબાશી આપે છે.

 હવે મયણાસુંદરી નો વારો આવ્યો. પિતાએ પ્રશ્ર કર્યો ‘મયણા ! ત્રણ અક્ષરનો એક એવો શબ્દ કહો. જેનો પ્રથમ અક્ષર બાદ કરતાં, બાકીના બે અક્ષરનો અર્થ ‘ જીવાડનાર થાય ‘. વચલો અક્ષર બાદ કરતાં જગતનો સંહારક થાય અને છેલ્લો અક્ષર બાદ કરતાં ‘ સર્વ ને પ્રિય થાય’.
પ્રશ્ર સાંભળી મયણાએ કીધું ‘પિતાશ્રી ! આ સવાલ નો જવાબ તો મારી આંખોમાં જ છે – ‘કાજલ’

બત્રે રાજકુંવરીઓની બુઘ્ઘિમતા જોઇ રાજા ખુબ ખુશ થઇ ગયાં “ હવે હું જે પ્રશ્ર પૂછીશ એનો જવાબ તમારે બન્નેએ આપવાનું રહેશે. કહો પુણ્ય થી શું મળે છે?

રાજાનો પ્રશ્ર સાંભળી ઉતાવળી બની, સુંરસુંદરી બોલી “ધન, યૌવન, હોશિયારી, નિરોગી શરીર અને મનગમતા પાત્રનો મેળાપ આ પાંચ વસ્તુ પુણ્યથી મળે”.
સુરસુંદરી એમ માનતી હતી કે, સંસાર માણવા ધન જોઇએ. ધનને માણવા યૌવન જોઇએ, યૌવનને માણવા નીરોગી શરીર જોઇએ. શરીર નીરોગી હોય પણ હોંશિયારી ન હોય તો એનો ઉપયોગ નથી. સંસાર જે રીતે માણવો જોઇએ તે રીતે માણી શકાય નહિ અને આ બઘું માણવા મનગમતું પાત્ર જોઇએ. આમ આખા સંસારને તેણે સાંકળી લીઘો.

હવે મયણાંનો વારો આવ્યો. મયણાને બોલવાની ઉતાવળ ન હતી. બાપે કહ્યું બોલ બેટા ! પુણ્યથી શું મળે ?.
મયણા પરમ શાંત અને દાંત હતી. તે જિનવચનમાં રત હતી. કારણ કે, તે સમ્યગદૃષ્ટિ પણ હતી અને સમ્યગ્જ્ઞાની પણ હતી. સભાને શું લાગશે તેની ચિંતા ન કરવાનું કૌવત તેણે કેળવેલું હતું. ‘લોકસંજ્ઞા’ ને તેણે જીતેલી હતી. સત્વની તે સ્વામિની હતી. એટલે પુરી સ્વસ્થતા સાથે જવાબ આપતા કહું કે-
વિનય, વિવેક, ચિત્તની પ્રસન્નતા, શીલસંપન્ન શરીર અને મોક્ષમાર્ગનો મેળાપ. આ પાંચ વસ્તુ પુણ્યથી મળે છે.

તમારા આત્માને પુછી જુઓ તમે મયણાસુંદરીના વારસદાર છો કે સુરસુંદરીના ?
જેને સાચું જ્ઞાન મળ્યું હોય તેને તો એમ જ હોય કે, ધન આવેકે જાય મારે વિનય જોઇએ. યૌવન રહે કે જાય, મારે વિવેક જોઇએ. હોંશિયારી મળે કે ન મળે, મારે ચિતની પ્રસન્નતા જોઇએ. શરીર નીરોગી હોય કે ન હોય, પણ શીલસંપન્નતા જોઇએ. મનગમતાં પાત્રનો મેળાપ થાય કે ન થાય પણ મોક્ષનો મેળાપ જોઇએ. મનગમતાં પાત્ર વગર ચલાવીશ પણ મોક્ષમાર્ગ ભૂલાય એવું પાત્ર તો ન જ જોઇએ.
આજે તમારી બઘાની પરીક્ષા છે. ધન વગેરે મળે અને સાથે વિનય વગેરે પણ મળે તો પ્રશ્ર નથી પણ ધન આવે ને વિનય ચાલ્યો જતો હોય તો શું કરો ?
હોંશિયારી મારે જોઇએ છે, મુર્ખ રહેવું મને પાલવતું નથી. પણ ચિતની પ્રસન્નતા નંદવાની હોય તેવી હોંશિયારી મને ન જોઇએ. કેટલાયને લપેટમાં લઉં અને તેના સંકલ્પ વિકલ્પ મને ચાલ્યા જ કરે તેવી હોશિયારી ન જ જોઇએ.
રોગ સહન થાય તેમ નથી તેથી નીરોગી શરીર તો જોઇએ જ છે, પણ તેવું તો ન જ જોઇએ કે જે શીલને લૂંટી લે અને અશીલના માર્ગ લઇ જાય.
મનગમતું પાત્ર જોઇએ છે. હજી મારી શકિત નથી કે, હું “વોકર” વિના ચાલી શકું. એટલે વોકર તરીકે મનગમતું પાત્ર જોઇએ છે પણ તે મોક્ષમાર્ગમાં અવરોધ ન કરે તેવું જ જોઇએ છે.
એક વોકર એવું હોય કે દેખાવમાં સુંદર, રૂપાળું હોય પણ ટેકો લેવા જતાં તો વોકર પોતે જ ભાંગી જાય અને ટેકો લેનારને પાડે, જયારે બીજું વોકર દેખાવમાં સુંદર ન હોય, પણ મજબુત એવું હોય કે ચાલવામાં સહાયક બને તો કયું વપરાય ? તેમ પાત્ર જોઇએ તો પણ એવું જ જોઇએ કે, જે મોક્ષમાર્ગમાં સહાયક બને. ભલે કદાય રૂપ ઓછું હોય, સ્વભાવ અનુકુળ ન હોય તે બને. કાળજી કદાચ ઓછી રાખે. કદાચ તે ઘર્મમાં સાથે આવે તેમ ન હોય તો પણ છેવટે તે ધર્મ કરવામાં અવરોધ ન કરે તેવું તો એ પાત્ર હોવું જ જોઇએ આટલું પણ ખરું ?

સુરસુંદરીને વરદાન :-
બન્ને પુત્રીના જવાબ સાંભળી ગર્વિષ્ઠ થયેલા રાજાએ કહું “ હે પુત્રીઓ ! હું પ્રસન્ન થયો છું. તમારે જે જોઇએ તે માંગો. મારી કૃપાથી ભિખારી ધનવાન બને છે અને પ્રજા સુખી બને છે. હું પ્રસન્ન બનું તો સુખી બને અને ગુસ્સે થાઉં તો દુઃખીબને"
સુરસુંદરી બોલીઃ પિતાજી ! એમાં શંકા જ ક્યાં છે ? કારણ કે જગતને જીવાડનાર રાજા અને વરસાદ બે જ છે. પ્રજા પણ સાચુ છે, સાચુ છે એમ કહેવા લાગી. રાજાએ સુરસુંદરીને કહ્યું તું ઇચ્છિત વસ્તુને માંગ.
તે અવસરે શંખપુરી નગરીના રાજા અરિદમને જોઇને સુરસુંદરીને તેની ઉપર સ્નેહદષ્ટિવાળી જાણીને તેને પુત્રી આપી.

મયણાનું તત્વ :-
આ પ્રસંગ જોઇ મયણાસુંદરી મસ્તકને ધુણાવવા લાગી. તે જોઇને રાજાએ કહું: પુત્રી ! શું મારી તાકાતમાં તને શંકા છે ?
મયણાસુંદરી બોલી : હે પિતાજી ! ખોટુ અભિમાન ન કરો. ખરેખર આ સઘળી ઋધ્ધિ સમુદ્રના મોજાં જેવી અસ્થિર છે. આ સંસારમાં સહું કોઇ સુખ અને દું:ખને કર્મના પ્રતાપથી જ ભોગવે છે તેમાં કોઇનાથી વઘારે કે ઓછું કરી શકાતું નથી.
તે સાંભળીને રાજા ક્રોઘથી લાલચોળ થઇ ધમધમતો બોલ્યો કે- પુત્રી ! તે મારી અવગણના  કરી છે તેથી વ્હાલી હોવા છતાં દુશ્મન જેવી થઇ છે. તું હીરાના દાગીના તથા રેશમી કપડા વગેરે પહેરે છે તે સર્વ મારી મહેરબાની છે.
તે સાંભળી મચણા કહે છે કે, હે પિતાજી ! તે સર્વ બાબતોના ઊંડા રહસ્યનો વિચાર કરો, પરંતુ મનમાં ક્રોધ કરો નહીં. હું કંઇ તમારા કુળમાં આવવા માટે જોષ જોવા ગઇ ન હતી. મારા કર્મે જ મને તમારા કુળમાં જન્મ આપ્યો છે અને વિવિઘ વસ્ત્રાદિ ભોગવું છું"
ત્યારે રાજા કહે છે કે પુત્રી ! જો તને એકાંતે કર્મ ઉપર જ હઠવાદ હોય કે “ કર્મથી જ બઘું થાય છે" તો કર્મે લાવી મૂકેલ પતિ જ તને પરણાવીશ.
તે વખતે સમયને ઓળખીને રાજાના ક્રોધને શાંત કરવા માટે પ્રઘાને અરજ કરી કે, હે રાજન! ફરવાનો સમય થયો છે. માટે પઘારો.

કોઢિયાઓનું આગમન :-
રાજા સૈન્ય સહિત ફરવા નિકળે છે ત્યારે રસ્તામાં સામે દુર દુર ઘણી જ ધુળ ઉડતી જોઇ રાજાએ મંત્રીને પૂછયું- કોણ આવે છે તેની તપાસ કરો.
તરત થોડા સૈનિકો તપાસ કરીને કહે છે કે રાજન ! એ સાતસો કોઢિયા લોકો છે. તેઓએ ભેગા થઇ એક રાજા સ્થાપ્યો છે, અને ગામે ગામે તેમના રાજાને માટે રાજકન્યાની માંગણી કરે છે.
હવે રાજા જયારે તે માર્ગ છોડીને બીજે રસ્તે જવા નીકળે છે. તે સમયે ગળી ગયેલ આંગળીઓવાળો કોઢિયાઓનો દૂત આવીને રાજાને મળે છે. તેણે રાજાને કહ્યું તમારી કીર્તિ જાણી અમે માંગવા આવ્યા છીએ અને આપ રાજમાર્ગ છોડી બીજે રસ્તે ચાલ્યા જાઓ છો ?
ત્યારે પ્રજાપાળ રાજા કહેવા લાગ્યા કે – તમારે શેની જરુર છે ?.
ત્યારે દૂતે કહું. અમારા રાજાને કોઇ સારા કુળની કન્યા મળી જાય અને તેની રાણી થાય. એવી જ અમારા બઘાની ઇચ્છા છે.
આ સાંભળી રાજા મનમાં વિચારવા લાગ્યો કે – મયણાંસુંદરીને આ કોઢિયાઓના રાજાને આપી દઉં. વારંવાર “કર્મ કર્મ “ કર્યા કરતી હતી. તે વચનો હજી પણ મારા હૈયામાં ઘણાં ખટકે છે.


કર્મ કરે તે થાય :-
મનમાં અભિમાનના શિખરે ચડેલો રાજા રાજસભામાં આવી સિંહાસને બેઠો. પછી મયણાસુંદરીને બોલાવીને કહેવા લાગ્યો કે- હે પુત્રી ! હજી પણ કહું છું કે “કર્મ કરે તે થાય” તે પક્ષ છોડી દે, અને મારી કૃપાથી “ જે હું કરું તે થાય “ એ પક્ષ સ્વીકારી લે, કે જેથી તારી બઘી જ ઇચ્છાઓ પૂર્ણ કરું.
ત્યારે અચલ સિધ્ધાંત વાળી મયણાસુંદરી બોલી, હે પિતાજી ! જગતમાં જે કંઇ સુખ દુઃખ પ્રાપ્ત થાય છે તે સર્વ પોતાના કર્મનો જ પ્રતાપ છે. આ સાંભળી રાજાને ગુસ્સો આવે છે. તે સમયે કોઢિયાઓ આવે છે.
પ્રજાપાળ મયણાસુંદરીને કહે છે કે- મયણા ! આ તારા કર્મે લાવેલ તારો પતિ આવી ગયો છે, એની સાથે લગ્ન કરીને સર્વ સુખોને ભોગવો.
ત્યારે રાજાનાં આવાં વચનો સાંભળીને મયણાસુંદરીની મુખાકૃતિ જરા પણ બદલાતી નથી, અને તે મનમાં લેશ માત્ર ખેદને ઘારણ કરતી નથી. પરંતુ વિચારે છે કે જ્ઞાની ભગવંતે જોયું હોય તે જ થાય છે. તેમાં કંઇ ફેરફાર થતો નથી.
પછી પોતાના પિતાને પ્રણામ કરીને અને વચનને માન્ય કરી નિર્મળ વચનવાળી અને ઉજજવલ મુખવાળી મયણાસુંદરી ઉંબરરાણાની ડાબી બાજુ આવીને ઊભી રહે છે.
ત્યારે ઉંબરરાણો આ પ્રમાણે કહેવા લાગ્યો કે – હે રાજન ! આ અયોગ્ય થાય છે. કારણ કે કાગડાને કંઠે મોતીની માળા શોભે નહી.
તે સાંભળી રાજા બાલ્યો કે આ અયોગ્ય સંબંઘ માટે “કન્યાના કર્મે જોર કર્યુ છે” મેં તો એને ઘણું કહ્યું હતું. પરંતુ તેણીએ તે માન્યું નહી, માટે એમાં કોઇ વાંક નથી.

લોકોના જુદા-જુદા અભિપ્રાયો :- 
આ સર્વ અઘટિત બનાવ જોઇને કેટલાક લોકો કહેવા લાગ્યા કે – રાજાને ઘિકકાર છે કે પોતાના સંતાન ઉપર આટલો બઘો ક્રોઘ કરે છે. વળી કેટલાક એમ કહેવા લાગ્યા કે – આ સર્વ વાંક તો કન્યાનો જ છે.
કોઢિયા લોકોએ પોતાની શકિત પ્રમાણે ઉત્સવપુર્વક ઉંબર-રાણાનું મયણાસુંદરી સાથે વિઘિપૂર્વક લગ્ન કર્યું. ત્યારબાદ મયણાસુંદરી અને ઉંબરરાણો પોતાના આવાસમાં આવ્યા.
ત્યારે ઉંબરરાણો મનમાં ચિંતવવા લાગ્યો કે- ધિકકાર થાઓ મારા અવતારને ! આવી સુંદર નારીનું રૂપસોદર્ય અને કાન્તિ આ મારા દેહના સ્પર્શથી નષ્ટ થઇ જશે. પછી મયણાસુંદરીને કહેવા લાગ્યા કે- હે સુંદરી ! સોના જેવી તારી કાયા મારા સંગથી નાશ પામશે. વળી તું રૂપમાં દેવાંગના જેવી છે તેથી આ કોઢિયાની સાથે તને સ્નેહ શેનો હોય ?
માટે હે સુંદરી ! અહીં મનમાં શરમ રાખવાની જરુર નથી. લાજ રાખવાથી કામ બગડે છે. તેથી તારી માતાના ચરણોમાં જઇ સુંદર રાજકુંવર જેવા વરની માંગણી કર અને રાજયલક્ષ્મીને ભોગવ.
ઉંબરરાણાનાં આવા વચનો સાંભળીને મયણાનાં હૃદયમાં દુઃખ સમાતું નથી, આંખમાંથી દડ દડ આંસુઓ પડે છે અને પતિના ચરણોમાં પાડીને વિનંતી કરે છે કે- વહાલેશ્વર પ્રાણનાથ ! તમે આ શું બોલો છો ? તમે તો ચતુર હોંશિયાર અને સમજુ છો. માટે જે કંઇ બોલો તે વિચારીને બોલો.

પુણ્યના પ્રભાવે :-
વાતો વાતોમાં પ્રભાત થતાં મયણાસુંદરી પોતાના પતિને કહેવા લાગી કે- હે સ્વામિનાથ ! ચાલો આપણે ઋષભદેવ ભગવાનના મંદિરે જઇ યુગાદિદેવનાં દર્શન કરીએ, કારણ કે આદીશ્વર ભગવાનનું મુખ જોતાં દુઃખ અને કલેશ નાશ પામે છે.
જિનમંદિર ગયા તે વખતે ભગવંતના પોતાના કંઠમાંથી ફૂલની માળા તથા હાથમાંથી બિજોરુ (ફળ) જિનેશ્વર ભગવાનનાં પ્રતાપથી શાસનદેવે ઉંબરરાણાને સર્વ લોકો જોતાં આપ્યું અને તે બન્ને વસ્તુઓ તેણે હર્ષથી લીઘી.
ત્યાંથી બન્ને જણા ઉપાશ્રયમાં આવ્યાં, અને ગુરુ મહારાજના ચરણોમાં વિઘિ પૂર્વક વંદના કરી પોતાને યોગ્ય એવા બેસવાના સ્થાને બેઠા.
તે વખતે ગુરુ મહારાજે ઘર્મલાભના આશીર્વાદ આપ્યા.
પછી કહું: હે મયણાસુંદરી ! તું તો રાજાની પુત્રી છે અને અભ્યાસ કરતાં તને સંશય પડે ત્યારે મોટા સૈન્ય તથા પરિવાર સાથે અમને અર્થનું રહસ્ય પૂછવા તું ઉપાશ્રયે આવતી હતી.
પણ આજે તું આમ એકલી કેમ છે ? આ કોણ નર રત્ન તારી સાથે છે ? એ પ્રમાણે ગુરુના વચનો સાંભળી મયણાસુંદરીએ મનને સ્થિર કરી શરુઆતથી સર્વ વાત ગુરુને કહી સંભળાવી.
વળી વિશેષમાં મયણાસુંદરીએ કહ્યું કે – પુજય ગુરુદેવ ! બીજું કોઇ પણ દુઃખ મનમાં યાદ આવતું નથી, પરંતુ અજ્ઞાની લોકો જૈનશાસનની જેમ ફાવે તેમ નિંદા કરે છે, તે દુઃખ મનમાં ખટકે છે.
ત્યારે ગુરુમહારાજે કહ્યું કે- મયણાસુંદરી ! મનમાં જરા પણ દુઃખ કે ઓછું લાવીશ નહી, કારણ કે ધર્મના જ પ્રતાપથી તારા હાથમાં આ ચિંતામણિ રત્ન આવ્યું છે.
આ નરરત્ન વર એટલે શ્રેષ્ઠ પુરુષ (ઉતમ ક્ષત્રિય) છે, અર્થાત મહાભાગ્યશાળી છે. વળી આ પુરુષનો એવો ચડતો કાળ આવશે કે તે રાજાઓનો પણ રાજા થશે તથા જૈનશાસનની શોભા વઘારશે, અને જગત આખુંય તેના ચરણોમાં નમસ્કાર કરશે.


રોગનિવારણ :-
ત્યારે મયણાસુંદરીએ ગુરુને વિનંતી કરી કે – હે પૂજય ગુરદેવ ! આગમને વિષે ઉપયોગ મૂકીને કોઇ પણ ઉપાય કરી તમારા આ શ્રાવકના શરીરનો કોઢ રોગ દૂર કરો.
ત્યારે આચાર્ય મહારાજે કહ્યું કે- યંત્ર, તંત્ર, જડી બુટૃ્, મણિ મંત્ર, ઔષધ તથા બીજા ઉપચારો કહેવા તે જૈન મુનિઓનો આચાર નથી.
પરંતુ આ મહાપુરુષ છે અને એનાથી ધર્મનો ઉઘોત થનાર છે તેથી એક મંત્ર બતાવું છું કે – જે મંત્રનો જગતમાં જાગતી જયોત ભર્યો યશ છે (એટલે કે સદા ઝળહળતા પ્રભાવવાળો એક મંત્ર બતાવીશ)
પછી શ્રી મુનિચંદ્રસૂરીશ્વરજી મહારાજે જેમ દહીં વલોવીને માખણ કાઢવામાં આવે છે તેમ આગમના ગ્રંથોને વલોવીને એટલે જોઇ જોઇને તેમાંથી શ્રી સિદ્ધચક્રજીનું યંત્ર તૈયાર કયું અને તે મયણાને બતાવ્યું.
આ તપ આસો સુદ સાતમથી શરુ કરી નિર્મળ એવાં નવ આયંબિલ કરી ગુણોના મંદિર સરખા આ નવપદની આરાઘના કરવી.
પછી ચૈત્ર સુદ સાતમથી ચૈત્ર સુદ પુનમ સુઘી નવ આયંબિલના નિયમવાળી આ ઓળીનું આરાઘન કરવું.
આ પ્રમાણે આ તપ પૂર્ણ થયે પોતાની શકિત અનુસાર ઉઘાપન મહોત્સવ પણ કરવો. આ તપના પ્રભાવથી આ ભવ અને પરભવમાં અનેક સુખો ભોગવીને આત્મા સંસારના પારને પામે છે.
ગુરુ ભગવંતનાં વચનો સાંભળી આદર સત્કારપૂર્વક ત્યાં બેઠેલો શ્રદ્રાળુ શ્રાવક તે બંનેને પોતાના ઘરે લઇ ગયો,  અને ચિત્તમાં ઉલ્લાસ લાવીને વિવિઘ પ્રકારે તેમની ભકિત કરવા લાગ્યો.
હવે શુભ ભાવપૂર્વક આસો સુદ સાતમથી બંને જણે આયંબિલની ઓળી શરુ કરી, તથા પ્રભુની અષ્ટ પ્રકારી પૂજા કરવા પુર્વક મનને સંયમમાં રાખી આયંબિલ કરવા શરુ કર્યા.
ત્યાં પહેલાં આયંબિલે જ મનને અનુકૂળ થાય તેમ રોગનું મુળ નાશ પામ્યું. જેથી અંતરનો દાર (અંતરની બળતરા-પીડા) સર્વ શાંત થયા અને તેથી શ્રી સિદ્ધચક્રજીનો મહિમા મનમાં રમવા લાગ્યો એટલે વારંવાર યાદ આવવા લાગ્યો.
શ્રદ્ધા સહિત પવિત્ર ભાવ વડે શ્રી સિદ્ધચક્રજીનો જાપ જપવાથી બહારની ચામડી પણ નિર્મળ થઇ. પછી દિવસે દિવસે શરીરની કાન્તિ વઘવા લાગી. તેથી શરીર સુવર્ણ જેવું થયું.
વળી નવમાં આયંબિલના દિવસે શ્રી સિદ્ધચક્રજીના યંત્રના ન્હવણ જળને શરીરે લગાડવાથી શરીર રોગ વિનાનું થયું. તેથી હે પ્રાણીઓ ! સિદ્ધચક્રજીનો પ્રભાવ તો જુઓ ! આ પ્રભાવને જોઇને સર્વ લોકોને મનમાં અચંબો થયો.
ત્યારે લોકો કહેવા લાગ્યા કે – ધન્ય છે આવા જ્ઞાની ગુરુને ! અને ધન્ય છે આ ધર્મને તે વખતે જૈનધર્મ ની સૌ કોઇ પ્રશંસા કરવા લાગ્યા, અને ઘણા જીવો બોઘિબીજ (સમ્યકત્વ) પામ્યા.
વળી જે સાતસો કોઢિયા હતા તે બઘાના પણ રોગો સિદ્ધચક્રજી યંત્રના ન્હવણને શરીરે લગાડવાથી નાશ પામ્યા. તેથી તે સર્વ સુખી થયા, અને પોતપોતાના સ્થાનકે જતા રહ્યા.

માતા અને પુત્રનું મિલન :-
હવે એક દિવસ જિનેશ્વરદેવનાં દર્શન- પૂજા કરીને પાછા આવતી વખતે ઉંબરરાણાએ પોતાની માતાને જોઇ, મનમાં હર્ષ લાવીને ચરણોમાં પ્રણામ કર્યા. તે વખતે મયણાસુંદરી પણ પગે પડી.
ત્યારે કુંવર કહેવા લાગ્યો કે- હે માતાજી ! આ શરીરનો સઘળો રોગ નાશ પામ્યો, તથા આ રૂપ વઘ્યું અને જૈન ધર્મની પ્રાપ્તિ થઇ – આ બઘોય પ્રતાપ તમારી વહુનો છે.
પછી માતા પોતાના પુત્રને સર્વ હકીકત કહેવા લાગી કે- હે પુત્ર ! સાંભળ, હું તારા ઔષધની શોઘ માટે એક ગામથી બીજે ગામ જતી હતી. ત્યાં રસ્તામાં મને જ્ઞાની ગુરુ મહારાજ મળ્યાં.
ત્યારે મે ગુરુમહારાજના ચરણોમાં નમસ્કાર કરી પુછયું – કે ગુરુદેવ ! આપ જ્ઞાની છો. હું આપના ચરણોની રજ સમાન છું. આપ કૃપા કરીને મને કહો કે મારા પુત્રનો રોગ જશે  કે પાપના ઉદયથી નહી જાય.
ત્યાકે ગુણવાન જ્ઞાની ગુરુ મહારાજે કહ્યું કે – તું ખેદ ન કર, અને તારા પુત્રની વાત સાંભળ, તારા પુત્રને કોઢિયા લોકોએ રાજાને સ્થાને ગ્રહણ કર્યા છે, અને તેનું ઉંબરરાણો એવું નામ સ્થાપન કરીને યશ મેળવ્યો છે. વળી તારો પુત્ર માલવદેશના રાજાની પુત્રીને પરણ્યો છે, અને તેનો લગ્ન મહોત્સવ કોઢિયા લોકોએ કર્યા છે. પછી પત્નીના વચનથી તેણે તપ કરી શ્રી સિદ્ધચક્રજીની આરાધના કરી છે. તે તપના પ્રભાવથી તારો પુત્ર રોગ રહિત થયો છે, કારણ કે તેનું પુણ્ય કર્મ હવે પ્રગટ થયું છે. વળી નવપદજીના પ્રભાવથી તેની ઘણી શોભા વઘશે, અને ઘણા રાજ્યોને જીતીને ભોગવશે.
ઉપર પ્રમાણેના ગુરુના વચનથી હું આજે અહીં આવી છું. તમને જોવાથી મારા સઘળા મનોરથો સફળ થયા છે. હવે તે ત્રણ જણ સાઘર્મિકના ઘેર સુખપૂર્વક રહે છે, અને ધર્મઘ્યાન કરે છે.
હવે એક દિવસ જિનેશ્વર ભગવંતની પુજા કરી શ્રીપાળકુંવર એક ધ્યાનથી મધુર સ્વરે ચૈત્યવંદન કરતા હતાં અને સાસુ અને વહુ બંને સાંભળતા હતા.
ત્યારે મયણાંસુદરીની માતાએ અણસાર ઉપરથી ત્યાં ચૈત્યવંદન કરતી પોતાની પુત્રીને ઓળખી લીઘી અને તેની આગળ કોઢિયાને બદલે યુવાવસ્થા અને રૂપથી સુશોભિત એવો બીજો કોઇ પુરુષ બેઠેલો જોયો.

ભ્રમ ભાંગ્યો :-
તેથી મયણાસુંદરીની માતા વિચારવા લાગી કે- હે દૈવ ! કુળનો નાશ કરનાર એવી આવી કુંવરી તેં મને કેમ આપી ? કે જેણીએ કોઢિયા વરનો ત્યાગ કરીને બીજો પતિ કર્યો. આવા વિચારો કરીને અત્યંત રૂદન કરવા લાગી.
ત્યારે મયણા બોલી – હે માતા, તમે હર્ષના સ્થાનમાં દુઃખ કેમ લાવો છો ? અમારા દુઃખો અને દૌભાગ્ય તો શ્રી જિનેશ્વરદેવના ઘર્મના પ્રતાપથી નાશ પામ્યા છે. વળી આપણે જિનેશ્વર ભગવાનના દેરાસરમાં નિસીહિ કહીને આવ્યા છીએ. તેથી સંસારની વાતો કરવાથી આશાતના થાય છે.
ત્યારે જિનમંદિરે દર્શન કરી પછી ચતુર એવા તે ચારે જણા ત્યાંથી સાધર્મિક બંઘુના આવાસે જઇ બેઠા. ખરેખર તે દિવસ અને તે ઘડી ધન્ય છે, કે જે દિવસે સ્વજનનો મેળાપ થાય છે. પછી મયણાના મુખથી તે હકીકત સાંભળી રૂપસુંદરી અત્યંત હર્ષિત થઇ ગઇ.

કુળ પરિચય :-
રૂપસુંદરી કહેવા લાગી- અમે પુણ્યવાન, ચિતામણિ રત્ન સરખા, સુંદર દેહની કાન્તિવાળા અને સ્નેહાળુ આ જમાઇને ભાગ્યના યોગથી પામ્યા છીએ. વળી, તેથી અમને તેમના કુળ, ઘર, વંશ વગેરે હકીકતો જાણવાની ઘણી ઉત્કંઠા છે, તે તમે પ્રેમથી કહો, જે સાંભળી અમારો આત્મા અત્યંત ઉલ્લાસ પામે.
તે વખતે કમળપ્રભા રાણી કહેવા લાગી કે – હે રૂપસુંદરી વેવાણ ! સાંભળો. અનુપમ એવો એક અંગ નામનો દેશ છે. તે દેશમાં અત્યંત સુશોભિત ચંપા નામની નગરી છે. તેના રાજાનું સિંહરથ નામ હતું. તેની હું રાણી હતી. ઘણા સમય પછી અમને  પુત્ર થયો. તે વખતે નગરના સર્વ માણસો આનંદ પામ્યા. દરેક ઘરે તોરણો બંઘાયા અને ઘર તથા દુકાનને શણગારી સુશોભિત બનાવાયાં. તેમજ તે સમયે પુત્ર માટે અનેક ભેટણાં- રૂમાલ, ઝભલાં, ટોપી વગેરે આવવાં લાગ્યાં. પછી રાજાએ કહ્યું કે – પુણ્યના યોગે મેળવેલો આ બાળક અમારા રાજયની લક્ષ્મીને પાળશે, તેથી તે વખતે સ્વજનો અને ફોઇ વગેરેએ મળીને તેનું નામ શ્રીપાળકુંવર એ પ્રમાણે નકકી કર્યું.
હવે જયારે આ બાળક શ્રીપાળ પાંચ વર્ષની વયવાળો થયો, ત્યારે તેના પિતા સિંહરથ રાજા તીવ્ર શુળરોગની વેદનાથી અકાળ મૃત્યુ પામ્યા. ત્યારે હું ખુબ રડતી અત્યંત વિલાપ કરવા લાગી. તે વખતે મતિસાગર મંત્રી મને સમજાવવા લાગ્યા. હે રાજમાતા, હવે હૃદયને મજબુત કરી સર્વ કાર્ય સંભાળો, કેમ કે તમારો કુંવર હજી નાનો છે, અને આ રીતે રડવાથી કાંઇ રાજય રહેશે નહી. તે વખતે મે મંત્રીને કહ્યું કે હવે તમે અમારા આઘાર રૂપ છો. માટે શ્રીપાળ કુંવરને રાજય આપીને તમે તમારો અઘિકાર સફળ કરો.
પછી શ્રીપાળ કુંવરને રાજા તરીકે સ્થાપન કરી તેની આજ્ઞા સર્વ ઠેકાણે પ્રવર્તાવી અને અત્યંત બુદ્ધી ના નિધાનસમાન મંત્રી રાજનાં સર્વ કાર્ય ચલાવવા લાગ્યો. એવા સમયે મતિથી મૂઢ બનેલો શ્રીપાળકુંવર નો પિતરાઇ કાકો અજિતસેન સર્વ પરિવારના માણસો, મંત્રી, સામન્ત, નોકર, ચાકર, સેના વગેરેને ફોડી શ્રીપાળ કુંવરને મારવા માટે અને ચંપાનગરીનું રાજય લેવા તૈયાર થયો.
હવે મતિસાગર મંત્રીએ તે વૈરીની વાત કોઇક રીતે ચરપુરુષો દ્વારા જાણી લીધી. તેથી તે મારી પાસે આવીને કહેવા લાગ્યો કે- હે માતા ! બાળકને લઇ મઘ્યરાત્રિએ કોઇ પણ સ્થાને નાસી જાઓ, બીજો કોઇ જીવવાનો ઉપાય નથી. કુંવર ને જિવાડવા માટે જો આપ ભાગી જશો, તો જ તમે અને કુંવર જીવતા રહેશો. અને કુંવર જો કુશળ એટલે જીવતો હશે તો ફરી પણ ભવિષ્યમાં રાજય ભોગવશે. એ પ્રમાણે મંત્રીનાં વચનો સાંભળી હું પુત્રને કેડમાં બેસાડી એકલી જંગલમાં ચાલી નીકળી.

કર્મની કઠિનાઇ :-
તેવામાં ત્યાં એક કોઢિયાઓની સેના સામે મળી, તે સેનામાં સાતસો કોઢરોગવાળા કોઢિયા લોકો ભેગાં થઇ આનંદ કરતા આગળ ચાલતા હતા. તે વખતે કોઢિયાઓએ મને રસ્તામાં એકલી જતી જોઇને તેનું કારણ પુછ્યું ત્યારે મેં સર્વ હકીકત સંભળાવી. તે વખતે કોઢિયાઓએ કહ્યું કે – હે માતા !હવે તમે જરા પણ ખેદ ન કરો. તમે હવે અમારી પાસે આવ્યાં છો. માટે ચિત્તમાં શાંતિ રાખો. હવે અમે જીવતા હોઇશું ત્યાં સુઘી કોઇ પણ માણસ તમારું નામ નહીં લઇ શકે. પછી કોઢિયાઓએ મને બેસવા માટે ખચ્ચર આપ્યું અને બાળકનું સંપુર્ણ શરીર કપડાથી ઢાંકી દીઘું, પછી શ્રીપાલને ખોળામાં લઇ હું ખચ્ચર ઉપર બેઠી. એટલામાં શત્રુના સવારો શોઘતા શોઘતા ત્યાં આવ્યાં અને કોઇ સ્ત્રી અહીં જોઇ છે ? એમ વારંવાર પૂછપરછ કરવા લાગ્યા. ત્યારે કોઢિયાઓએ કહ્રુ કે- અહી કોઇ આવ્યું નથી. જો અમારા વચનનો વિશ્વાસ ન હોય તો તમે જાતે અમારા ટોળામાં ફરીને જોઇ લો. પરંતુ જો અમારા ટોળામાં જોવા જશો તો અસાઘ્ય એવો આ કોઢ રોગ તમારા શરીરે લાગશે. એમ સાંભળી તે માણસો બિચારા ભય પામતા નાસી ગયા. કારણ કે કદાચ ચેપી રોગ વળગી જાય તો.
પછી શ્રીપાળને કોઢિયાઓની  સોબતથી ઉંબર જાતિનો કોઢ રોગ થયો. તે વખતે મને મનમાં ઘણી જ ચિંતા થવા લાગી અને વિચારવા લાગી કે – આ પણ મારા આકરા કર્માનો ભાગ છે. ત્યારે પછી હું શ્રીપાળને કોઢિયાઓને સોંપી વૈધને અને ઔષધને જોવા માટે અનેક પ્રકારનાં કષ્ટોને સહન કરતી પરદેશમાં ગઇ. એવામાં જ્ઞાની ભગવંતના વચનોથી મારી સર્વ ઇચ્છાઓ પુર્ણ થઇ છે અને અહીં આવેલી આ તમારી પાસે બેઠી છું. આ પ્રમાણે જમાઇના ઉતમ કુળને સાંભળીને રૂપસુંદરીના હૃદયમાં હર્ષ ઊભરાઇ આવ્યો.
પોતાના પિયર જઇ પોતાના ભાઇ પુણ્યપાળ રાજાને તે વાત કહી સંભળાવી, ત્યારે તે સાંભળી તે પણ હર્ષિત થયો. પછી સર્વ સામગ્રી તૈયાર કરી પુણ્યવાન એવા પુણ્યપાળ રાજા શ્રીપાળને પોતાને મહેલે લઇ જવા માટે જલ્દી આવ્યા.

જિનધર્મનો પ્રભાવ :-
હવે એક દિવસ મયણાસુંદરી અને શ્રીપાળકુંવર હવેલીના ઝરૂખે બેઠા હતાં અને ત્યાં તેમની આગળ જુદા જુદા છંદો તથા મૃદંગો, ભુગળો અને તાલ વાગતા હતા. તે અવસરે રચવાડીએ ગયેલો પ્રજાપાળ રાજા પોતાના મહેલ તરફ પાછો વળતો હતો, ત્યારે ત્યાં રસ્તામાં ગીતનો સુંદર અવાજ સાંભળી, તે સાંભળવા માટે તે સ્થાને સવારી સહિત ઊભો રહયો. તુરત જ તેણે મયણાસુંદરીને ઓળખી લીઘી તેથી રાજાને મનમાં દુઃખ થયું, કેમ કે મયણાસુંદરીને જેની સાથે પરણાવી હતી તેના વિના બીજો પુરુષ તેણીની સાથે બેઠેલો જોયો. તેથી તે મનમાં ચિંતવવા લાગ્યા કે- હાય ! હાય ! અંતે પાપ પ્રગટયું, ઉઘાડું થયું. અરે ! આ કુંવરી પણ કુળને કલંક લગાડનારી થઇ. વળી તેણીએ મારા કુળમાં ઘુળ નાંખી અને પરણાવેલા પતિને છોડી દઇને બીજો પતિ કર્યો. એ પ્રમાણે ઊભા ઝૂરતા એવા રાજાને જયારે પુણ્યવાળે જોયો.
ત્યારે અવસર જોઇ રાજાના ચરણોંમાં પ્રણામ કર્યો અને વિનંતી કરી કે- હે રાજન ! મારા મહેલે પઘારો, અને જમાઇનું રુપ તો જુઓ, પ્રગટ પ્રભાવી શ્રી સિદ્ધચક્રજીની સેવા ફલીભૂત થઇ છે, એમ કહી ટુંકામાં સઘળી હકીકત રાજાને પુણ્યપાલે કહી સંભળાવી . તે વખતે પ્રજાપાળ રાજાએ મુખના ચહેરા અને ઇંગિત આકારથી પોતાના જમાઇને ઓળખ્યા, અને જૈનધર્મનો અચિંત્ય પ્રભાવ જોઇ મનમાં ચિંતવવા લાગ્યો કે- જૈનઘર્મ મહિમાવંત અને જગતમાં સારરૂપ છે.
જો કે મેં તો મયણાને દુઃખ આપવા માટે આ સર્વ ઉપાયો કર્યો હતા, એટલે તો કોઢિયા જોડે પરણાવી હતી, છતાં પણ તારુ દુઃખ ટળ્યું અને સુખ પ્રાપ્ત થયું તે સઘળો તારા પુણ્યનો જ પ્રતાપ છે.
તે વખતે પિતાનાં વચન સાંભળી મયણાસુંદરી કહેવા લાગી કે- હે પિતાજી ! અહીં તમારો વાંક નથી કારણ કે સર્વ જીવો કર્મને વશ છે. ખરેખર ! રાજા અને રંક બઘાય પોતાના કર્મને અનુસરીને સુખ દુઃખ ભોગવે છે.
મહાન ઉત્સવપૂર્વક રાજા જમાઇ શ્રીપાળકુંવરને પોતાના મહેલે તેડી ગયો. ત્યાં તે દંપતી શ્રી સિદ્ધચક્રજીના પ્રતાપે અનેક  જાતનાં સંપૂર્ણ સુખો ભોગવવા લાગ્યાં. તે વખતે સારાયે શહેરમાં માણસોના મુખથી એક જ વાત પ્રગટ થઇ કે “ જૈન શાસનની ઉન્નતિ થઇ અને મયણાસુંદરીએ કર્મવાદની પ્રસિદ્ધી કરી “

સ્વાભિમાન – ઓળખાણ કોના નામે ?
એક વાર રૂપથી  મનોહર એવો શ્રીપાળકુંવર મોટા સૈન્ય સાથે નીકળ્યો. તે સમયે એક ભોળી એવી બાલિકા પોતાની માતાને પૂછતા લાગી કે – હે માતાજી ! આ મનોહર  પુરુષ કોણ છે ? શું તે ઇન્દ્ર છે ? ચકવર્તી છે ? કૃષ્ણ છે ? રામ છે ? કે કામદેવ છે ?
ત્યારે માતા ઊંચા અવાજે કહેવા લાગી કે – હે પુત્રી ! તું બીજું – ખોટું આળપંપાળરૂપ વચન ન બોલ. એ તો રાજાનો જમાઇ શ્રીપાળ કુંવર ક્રીડા કરવા જાય છે. વૃદ્ધાના આ વચન સાંભળી શ્રીપાળકુંવરને મનમાં ચોંટ લાગી, અને વિચારવા લાગ્યો, ઘિકકાર છે કે મને લોકો સસરાના નામે ઓળખાવે છે. પછી શ્રીપાળકુંવર મહેલમાં આવ્યા. તેનું મન ઉત્સાહ વિનાનું જોઇને પ્રજાપાળ રાજા તેમને કહેવા લાગ્યો.
હે રાજકુંવર ! આજે તમને કોણે રીસવ્યા છે ? અથવા તમારી આજ્ઞા કોણે માની નથી ? તે કહો ! કારણ કે આજે તમે કંઇક ઉદાસ મનવાળા દેખાઓ છો. જો તમારા મનમાં તમારા પિતાનું રાજય લેવાની ચાહના હોય તો મોટું સૈન્ય લઇ સજજ થઇ ચંપાનગરીનું રાજય લેવા માટે યુદ્ધની નોબતો વગડાવી પ્રયાણ કરીએ. ત્યારે કુંવર કહેવા લાગ્યો કે – સસરાના બળથી રાજય લેવું તે યોગ્ય નથી. કારણ કે જયાં પોતાનું પરાક્રમ ન હોય ત્યાં પારકું શું કામ આવે ? તેથી હવે હું અહીંથી જઇશ અને દેશ પરદેશમાં ફરીને ભુજાના બળે લક્ષ્મી મેળવી ધારેલા કાર્યો કરીશ.

વિદેશ ગમન :-
તે વાત જયારે માતાએ સાંભળી, ત્યારે આવીને કહેવા લાગી કે- હે પુત્ર ! હું તારી સાથે જ આવીશ. તને એક ક્ષણ પણ એકલો મૂકીશ નહી.
ત્યારે કુંવર કહેવા લાગ્યો કે- હે માતાજી ! પરદેશમાં પગ બંઘાણી પોષાય નહી. માટે તમે અહીં રહો, અને મહેરબાની કરીને મને આશીર્વાદ આપો.
ત્યારે માતા કહેવા લાગી કે- હે વત્સ ! તમે પરદેશમાં કુશલ- રહેશો, ઉતમ કાર્યો કરજો અને વિદેશમાં સંકટ અને દુઃખ આવી પડે ત્યારે પ્રગટ પ્રભાવી શ્રી નવપદજીનું ધ્યાન કરજો.
એવામાં હવે મયણાસુંદરી આવીને પતિને વિનંતી કરવા લાગી કે – હે પ્રાણનાથ ! તમારી સાથે મારે અચલ સ્નેહ છે. તેથી હું તમારાથી એક ક્ષણવાર પણ જુદી રહીશ નહી. જેમ દેહ અને છાયા જુદાં પડતાં નથી તેમ છાયા સરખી હું જયાં આપ ત્યાં જ રહીશ.
ત્યારે કુંવરે કહ્યું કે- હે સુંદરી ! તું સાંભળ, તું તારી સાસુ એટલે મારી માતાના ચરણોની સેવા કર, મારુ કાર્ય કરીને હું જલ્દી પાછો આવું છું.
ત્યારે મયણાંસુદરી મન ન હોવા છતાં પણ કહેવા લાગી કે – હે સ્વામી ! આપનું વચન પ્રમાણ છે, પરન્તુ આ મારુ શરીરરૂપી પાંજરુ જીવરુપી પાક્ષી વિના ખાલી છે. કારણ કે મારો જીવ આપની સાથે જ છે એમ માનજો. હે પ્રાણનાથ ! આજથી તમે અહીં નહી આવો ત્યાં સુઘી હું હંમેશા એકાસણું કરીશ, સચિત દ્રવ્યનો ત્યાગ કરીશ,
જમીન ઉપર જ શયન કરીશ, અને સ્નાન અને શૃંગારનો ત્યાગ કરીશ.

વિદ્યા, સિઘ્ધિ, ઔષધિ પ્રાપ્તિ :-
શ્રીપાળકુંવર માર્ગમાં જતાં જતાં વચમાં નવા નવા દેશ, નવાં નવાં ગામ અને નવાં નવાં કૌતુકના રંગને જોતો સિહંની જેમ એકલો નીડરપણે મોજથી ચાલતો ચાલતો એક પર્વના શિખર ઉપર ચડયો. ત્યાં એક સ્થાને સુંદર શીતળ અને ગહન વનની ઘટામાં એક ચંપક વૃક્ષના છાંયડે પોતાના હાથ ઉંચા કરી જાપ કરતા એક માણસને જોયો. ત્યારે યોગી કહેવા લાગ્યો કે – હે સજજન પુરુષ ! ગુરુએ મારા ઉપર ઘણો જ ઉપકાર કરી મને એક વિધા આપી છે. તેને સિદ્ધ કરવા માટે મેં ઘણા પ્રયત્ન કર્યા પણ કાર્ય સિદ્ધ થતું નથી.
ત્યારે કુંવર કહેવા લાગ્યો – હે યોગી ! તમે તમારુ મન સ્થિર કરીને સુખપૂર્વક વિદ્યાની સાઘના કરો. કારણ કે ઉત્તમ સાઘક બનતાં તમને કોઇ ક્ષોભ પમાડશે નહી. હવે તે જ ક્ષણે કુંવરની મદદથી તે યોગીની વિદ્યા સિદ્ધ થઇ. કારણ કે ઉત્તમ પુરુષો જે કાર્ય શરુ કરે ત્યાં નવ નિઘિ પ્રગટે છે. પછી તે યોગીએ કુંવરને બે ઔષધિઓ આપી. એક પાણીમાં તરવાની “ જલતરણી” અને બીજી કોઇ પણ શસ્ત્ર લાગે નહી તેવી “શસ્ત્રહરણી” હવે કુંવર અને વિધાઘર યોગી બંને તે પર્વત ઉપર આગળ ચાલવા લાગ્યા. ત્યાં તેઓએ એક વૃક્ષની છાયામાં સુવર્ણરસની સિદ્ધિ કરતા ધાતુરવાદી પુરુષોને જોયા. તે ધાતુરવાદી પુરુષો વિદ્યાઘર યોગીને કહેવા લાગ્યા કે- હે યોગીરાજ ! તમે અમને જે વિધિ બતાવી હતી તે વિધિ પ્રમાણે અમે સુવર્ણસિદ્ધી માટે બહુ પ્રયત્ન કર્યો, પણ કાર્ય સિદ્ધ થયું નથી.
તે સમયે કુંવરને કહ્યું – મારા દેખતાં ફરી વિઘિ કરો. તે વખતે કુંવરની દૃષ્ટિના પ્રભાવથી કાર્યની સિદ્ધિ  થઇ. ત્યારે તે ધાતુરવાદી કહેવા લાગ્યો કે- હે કુંવર ! તમારા પ્રભાવથી આ સુવર્ણ સિદ્ધ થયું છે. માટે હે સ્વામી ! આપને મનમાં જેટલું રુચે તેટલું આમાંથી સોનું ગ્રહણ કરો. ત્યારે કુંવરે કહ્યું – મારે આની જરૂર નથી. ફોગટ આ ભાર કોણ ઉપાડે?
પણ તેઓએ ઘણી આજીજી કરી, અને કુંવરના વસ્ત્રના છેડે થોડું સોનું બાંઘી આપ્યું. પછી ત્યાંથી ચાલતો ચાલતો તે શ્રીપાળકુંવર ભરૂચનગરમાં આવ્યો. ત્યાં સોનું વેંચી મોંઘા વસ્ત્ર અને હથિયાર વગેરે લીઘાં. અને તે બંને ઔષઘિઓને સોનાના માદળિયામાં મઢાવી તેને પોતાના હાથે બાંઘી લીઘી. પછી અનેક પ્રકારના કૌતુકને જોતા તે ભરૂચનગરમાં ફરવા લાગ્યો.

બુધ્ધિ યસ્ય બલં તસ્ય :-
હવે તે સમયે કૌશાંબી નામની નગરીમાં ધનવાન ધવળ નામનો શેઠ રહેતો હતો. તેની પાસે અઢળક ધન હતું. તેથી લોકો તેને કુબેર કહેતા હતા. એક વખત તે ધવળશેઠ ગાડા, ઊંટ અને ગુણોને ભરીને તેમાં ઘણી જાતના કરિયાણાં લઇને વેપાર કરવા ભરૂચ આવ્યો. ત્યાંથી મુસાફરી કરવા માટે વહાણ વગેરે ભરવા માટે મોટી તૈયારી કરી.
તેણે વિશેષ પ્રકારની વસ્તુઓથી પાંચસો વહાણ ભર્યા. તે વહાણાંમાં લડવાની શકિતવાળા દશ હજાર લડવૈયાઓ હતા. તેઓ હાથમાં વિવિઘ પ્રકારનાં હથિયારો લઇ ચારે બાજુ મોરચા ઉપર બેઠા છે. હવે જયારે વહાણોને લંગર ઉપાડવા અત્યંત બળ બકોર થયો. તે સાંભળી ધવળશેઠ ઝાંખો થઇ ગયો, તેના મનમાં ચિંતા સમાતી નથી, તેથી તે શીકોતર દેવીને પૂછવા માટે ગયો અને કહ્યું કે- હે શેઠ!  સાંભળો, આ વહાણો દેવીએ થંભાવ્યા છે. તે દેવી જયારે બત્રીશ લક્ષણવાળા પુરુષનું બલીદાન લેશે ત્યારે વહાણોને છોડશે. હવે ઘવળશેઠ અમૂલ્ય વસ્તુઓનું ભેટણું લઇને રાજાની પાસે આવ્યો, અને કહેવા લાગ્યો કે – હે રાજન ! મને એક બત્રીશ લક્ષણવાળો પુરુષ આપો. જેથી દેવીને બલિદાન બાકળા વગેરે આપી શકાય. ત્યારે રાજાએ કહ્યું - હે શેઠ ! આ નગરમાં જે માણસને કોઇ સગું ન હોય અને જે પરદેશી હોય તે માણસ તમને આપવામાં આવે છે. તો તેવા પુરુષને પકડીને લઇને બલિદાન કરજો. ત્યાર પછી શેઠના નોકરો ચારે દિશામાં બત્રીશ લક્ષણા પરદેશી શ્રીપાળકુંવરને દેખી હર્ષ પામતા થકા આવીને શેઠને વાત કરે છે. ત્યારે ધવળશેઠ કહેવા લાગ્યા કે – તે પુરુષને અહીં પકડીને લાવો, એક ઘડીનો પણ વિલંબ ન કરો. દેવીને બલીદાન આપીને આપણે ચાલતા થઇએ. આ પ્રમાણે શેઠના હુકમથી એકી સાથે દશ હજાર સુભટો કુંવરની પાસે આવ્યા અને શ્રીપાળને પકડવા લાગ્યા. ત્યારે અતુલ પરાકમવાળો એવો શ્રીપાળ એકલો સૈન્યની સાથે યુદ્ધ કરવા લાગ્યો. તે વખતે સૈનિકો ભાલાં – તીર અને તલવારના  જે જે ઘા કુંવરને મારે છે, તે તે ઘા ઔષઘિના પ્રભાવથી કુંવરના શરીરમાં લાગતા નથી. તેમજ શ્રીપાળકુંવર તાકીને જેને જેને લાકડી અને લોઢાથી મારે છે, તે બિચારા લડથડિયાં ખાતા લાંબા થઇને ભુમિ ઉપર સુઇ જાય છે. ત્યારે ઘવળશેઠ ત્યાં આવી તે બઘું જોઇ કુંવરને પગે લાગવા માંડયો, અને કહેવા લાગ્યો કે – હે કુંવર ! તમે દેવની જેવા સ્વરૂપવાળા દેખાઓ છો, તો અમારા ઉપર મહેરબાની કરો. અમારાં વહાણો થંભ્યા છે તેને ચલાવો, અને દુઃખમાંથી અમને પાર ઉતારો. તે વખતે કુંવરે કહ્યું કે – શેઠ ! આ કામ કરવાનું અમને તમે શું મહેનતાણું આપશો ? ત્યારે ઘવળશેઠે કહ્યું  કે- જો અમારાં વહાણ ખુંચી ગયાં છે. તે કાઢી આપો તો એક લાખ સોનામહોર આપીશ.
તે વાત સ્વીકારી શ્રીપાળકુંવરે સિદ્ધચક્રજીને ચિત્તમાં ઘારણ કરી અને નવપદજીનો જાપ ચુક્યા વિના મોટા વહાણ ઉપર ચડી સિંહ જેવો અવાજ કર્યો, તે સમયે વહાણને થંભાવનારી જે દુષ્ટ દેવી હતી, તે નવપદજીના પ્રભાવથી દૂર જતી રહી, અને વહાણ તરવા લાગ્યાં, તેથી શેઠના સર્વ કાર્યો સિદ્ધ થયાં, પછી માંગલિક વાંજિત્રો વાગવા લાગ્યાં. ઘવળશેઠે કુંવરને એક લાખ સોનામહોર આપી પગે લાગ્યો અને હાથ જોડીને વિનંતી કરવા લાગ્યો કે – હે બંઘુ ! મારી એક વાત સાંભળો. દરેક વર્ષ એક એક જણને એક એક હજાર સોનામહોર આપું છું. તેવા બળવાન દશ હજાર યોદ્ધાઓ મારી સેવા કરે છે. પરંતુ જો તમે અમારી સાથે આવો તો તમને મોઢે માંગ્યા પૈસા આપું.
ત્યારે કુંવર કહેવા લાગ્યો કે – હું એકલો સર્વનો પગાર લઇશ, અને હું એકલો અડગપણે આ સર્વનું કામ કરીશ. તે સર્વના પગારનો હિસાબ કરી પછી શેઠ હાથ જોડીને કહેવા લાગ્યો કે – અમે વાણિયા છીએ. તેથી એક જ માણસને કોડ સોનૈયા કેવી રીતે આપીએ ? ત્યારે કુંવર કહેવા લાગ્યો કે – હે શેઠજી ! હું નોકર થઇ તમારો પૈસો હાથમાં લઇશ નહી, પરંતુ પરદેશ જોવા માટે મારી ઇચ્છા છે, તેથી તમારી સાથે આવીશ. તો મને ભાડું લઇને વહાણમાં બેસવાનું સ્થાન આપો. એ પ્રમાણે કહી એક મહિનાનું એકસો સોનામહોર ભાડું નકકી કર્યુ. હવે શ્રીપાળકુંવર મોટા વહાણના ઝરૂખામાં બેસીને ચારે બાજુ સમુદ્રના તરંગોના કૌતુકોને જુએ છે. એ પ્રમાણે સમુદ્રમાં જતાં જતાં પવનને જાણનારા લોકો કહેવા લાગ્યા કે- આજે પવન અનુકુળ છે .માટે જો પાણી લાકડાં વગેરે જોઇતાં હોય તો બબ્બરકોટ બંદર નજીક આવ્યુ છે. બંદરમાં લોકો ઊતરીને મીઠું પાણી તથા લાકડાં વગેરે લેવા લાગ્યાં, અને ઘવળશેઠ દરિયાકિનારે રહ્યા. સાથે ઘણા સુભટો પણ હતા.

યુધ્ધમાં વિજય :-
એવામાં ત્યાં લોકોનો કોલાહલ સાંભળી મહાકાળ રાજાના દાણ (જકાત) લેનારાઓ અત્યંત ઉતાવળા ત્યાં આવ્યા અને બંદરનું દાણ માંગવા લાગ્યા. ત્યારે મુર્ખ ઘવળશેઠે સુભટોના ગૌરવપણાથી દાણ આપ્યું નહી. તેથી ત્યાં સુભટો અને દાણીઓ પરસ્પર લડવા લાગ્યો. તે યુદ્ધમાં શેઠના સુભટોએ હાણવાથી દાણીઓ નાસીને રાજા પાસે ગયા અને રાજા ત્યાં આવ્યો. રાજા ત્યાં આવવાથી શેઠના સુભટો રાજતેજ સહન કરી શકયા નહી અને તેથી પૂંઠ બતાવી નાસવા લાગ્યાં. અભિમાની શેઠને જીવતો પકડીને વૃક્ષની ડાળીએ ઊંધો લટકાવ્યો. પછી મહાકાળરાજા ત્યાં કોટવાળને મૂકીને પાછો ફર્યો. તે સમયે શ્રીપાળકુંવર દયા લાવીને શેઠને કહેવા લાગ્યાં.
હે શેઠ ! તમારા બઘા સુભટો કયાં ગયા ? કે જેથી આમ મુશ્કેટાટ બંઘાઇ ગયા ? વળી જો મને એક કોડ સોનામહોર આપત તો આટલું દુઃખ તમે દેખત નહી.
ત્યારે શેઠ કહેવા લાગ્યો કે – તમે દાઝ્યા ઉપર મીઠું કાં નાખો છો ? ત્યારે કુંવર કહેવા લાગ્યો કે – તમારા શત્રુએ જે ધન લઇ લીઘું છે , તે ધન જો હું પાછું અપાવું તો તમે મને શું આપશો ? તે વાત તમે ચિત્તને સ્થિર કરીને કહો. ત્યારે શેઠે કહ્યું કે – સાહેબજી !  સાંભળો – જો આ મારું કાર્ય સાઘી આપો, તો પાંચસો વહાણ વહેંચી તેનો અર્ઘા ભાગ લઇ લેજો. ત્યારે કુંવરે ચોખવટ કરી, તે વાતની સાક્ષી રાખી, લેખિત કરાર કરાવી પછી મહાકાળ રાજાને રાડ દીઘી. એટલું જ નહી, પરંતુ હાથમાં ધનુષ્ય અને તીરનું ભાથું લઇને અત્યંત તેજસ્વી તે કુંવર રાજસૈન્યની પાછળ ચાલ્યો.
મહાકાળ રાજાએ પાછું ફરીને જોયું તો સારા લક્ષણવાળો અને રૂપના ભંડાર સમાન એક યુવાન પુરુષ દેખાયો. ત્યારે મહાકાળ રાજા કહેવા લાગ્યો કે – અરે ! તું સુંદર તથા મનોહર અને યુવાન દેખાય છે, આયુષ્ય પૂર્ણ થયા વિના શા માટે મરવાની તૈયારી કરે છે. તે પ્રમાણે મહાકાળ રાજાનું કહેવું સાંભળીને કુંવર કહેવા લાગ્યો કે – યુદ્ધમાં વચનનો વેપાર શા માટે કરવો ? કારણ કે જયાં લડવૈયા પરસ્પર મળ્યા હોય ત્યાં શસ્ત્રોથી વ્યાપાર યોગ્ય છે. તે વખતે કુંવર ઉપર તીક્ષ્ણ બાણની પંકિતઓ પડવા લાગી, તથા ઘણાં ગોળાઓનો વરસાદ વરસવા લાગ્યો.  તો પણ ઔષઘિના પ્રભાવથી કુંવરના એકેય અંગે સળી જેટલું પણ સ્પશ્યુનહી તથા શ્રીપાળકુંવર જે જે દિશામાં ખેંચીને બાણ છોડે છે ત્યારે તે સમયે એકી સાથે દશ વીશના પ્રાણો મુકાવે છે.
આ પ્રમાણે થવાથી મહાકાળ રાજાનું સઘળું સૈન્ય દશે દિશાઓમાં નાસી ગયું. અને શ્રીપાળકુંવરે એકલાએ રાજાને ગાઢ બંઘનથી બાંઘી લીઘો. પછી મહાકાળને બાંઘીને પોતાની સાથે જયાં ઘવળશેઠને બાંઘ્યા હતા ત્યાં લઇને આવ્યો. અને તે વખતે ઘવળશેઠનાં બંઘન છોડી નાંખ્યા. તે સમયે ઘવળશેઠ તલવાર લઇને મહાકાળ રાજાને મારવા માટે દોડયો, ત્યાં કુંવરે કહ્યું કે – હે શેઠ ! હવે તમે બેસી રહો ! તમારું બળ અમે પહેલેથી જ જોઇ લીઘું છે. પછી તરત જ શ્રીપાળકુંવરે મહાકાળરાજાનાં પણ બંઘન છોડાવ્યાં અને આભુષણો અને વસ્ત્રોની ઘણી પહેરામણી કરી, તથા અત્યંત સત્કાર કર્યા. શ્રીપાળકુંવરની ભુજાના બળનું તેજ જઇને મહાકાળ રાજા હદયમાં સ્નેહ લાવીને આ પ્રમાણે વિનંતી કરવા લાગ્યો. હે મહારાજા ! અમારી ઉપર કૃપા કરીને અમારા નગરમાં આવીને અમારુ આંગણું પવિત્ર કરો. ખરેખર ! પૂર્વ ભવમાં કરેલાં અમારા પુણ્ય આજે પ્રગટ થયા છે.

પરાક્રમનું તેજ :-
શ્રીપાળકુંવર રાજાની વિનંતિને સ્વીકારીને નગરમાં પઘારે છે અને બબ્બરકોટના રાજાનું મહત્વ વઘારે છે. વળી શ્રીપાળકુંવર મોટા ભાગ્યવાળો અને પ્રતાપવંત હોવાથી પગલે પગલે તેને જોવા માટેની લોકોની ઉત્કંઠા વઘી. રાજાએ કહ્યું – હે કુંવર ! અમે આપને બહુ માન આપીને કન્યાનું દાન આપીએ છીએ. તો આપ કન્યાને પરણીને અમારા વંશનું તેજ વઘારો. ત્યારે કુંવર કહેવા લાગ્યો કે – હે રાજન ! ફૂલ વગેરે જાણ્યા વિના ફકત ચિતની સાક્ષીએ જ દીકરી કેમ પરણાવાય ? ત્યારે રાજાએ કહ્રુ કે –પક્ષીઓમાં મુકુટ સમાન હંસ છાનો રહે નહી, તેમ તમારા ગુણોથી તમારો વંશ ઉત્તમ છે એમ અમે જાણ્યું છે. જે હીરાને નજરે જુએ છે, તે સહુ જાણે છે કે ખાણ વિના હીરો હોય નહી. એ પ્રમાણે કહીને લગ્ન મહોત્સવ શરુ કરાવે છે . તે વખતે સર્વ સાજન લોકો આવે છે, તથા રાજા ધવલ ગીત ગવરાવે છે. રુપે કરીને અપ્સરા જેવી અને જેના ગુણોનો પાર નથી એવી મદનસેના કન્યાને પરણાવી. વળી દાયજામાં નવ પ્રકારનાં નાટક આપ્યાં. સેવા કરવા માટે ઘણા દાસ દાસીઓ આપ્યા. ત્યાંથી જતા વહાણમાં સાતમાં માળે બેસીને સોનાના સોગઠાથી રમે છે.

ઇર્ષ્યાંની આગ :-
ઘવળશેઠ શ્રીપાળકુંવરની આ સર્વ ઋદ્ધિસિદ્ધિ જોઇ મનમાં વિચારવા લાગ્યો કે – મેં તો જાણે બઘી વેઠ કરી છે અને આ કુંવરને પહેલેથી જ સમુદ્ર ફલીભૂત થયો. કારણ કે જે મારી સાથે ખાલી હાથે આવ્યો હતો તે આજે તો ઘનથી પરિપૂર્ણ થયો છે.
સર્વ વહાણો કુશલક્ષેમ રત્નદ્રીપે પહોંચી ગયાં, પછી ત્યાં વહાણોનાં લંગર પાણીમાં મૂકયા , અને સઢનાં દોરડા સંકેલી લીઘાં તથા લોકો ઘીમે ઘીમે ત્યાં ઊતરવા લાગ્યાં. તે વખતે એક પુરુષ કુંવરને વિનંતી કરી કહેવા લાગ્યો કે – હે સ્વામિન ! હું આપને જે વાત કહું , તે આપ શાન્તિથી ઘ્યાન દઇને સાંભળજો. આ રત્નદ્રીપ નામનો દ્રીપ છે . ત્યાં અત્યંત ઊંચો ગોળાકાર અને રત્નના શિખરવાળો રત્નસાનું નામનો પર્વત છે. વળી તે પર્વત ઉપર રત્નસંચયો નામની નગરી છે, અને તે નગરીમાં વિધાઘર મનુષ્યોનો સ્વામી કનકકેતુ રાજા રાજય કરે છે.

આકાશવાણી :-
તે રાજાને ચાર પુત્રો ઉપર ઇચ્છાનુસાર ગુણના સ્થાન સરખી એક પુત્રી થઇ, રૂપ અને કલાની અપેક્ષાએ કામદેવની પત્ની રતિથી પણ અઘિક એવી તે પુત્રીનું મદનમંજૂષા નામ છે. તે રાજકુંવરી જિનેશ્વર ભગવાનના સોહામણા મુખને જોતી જોતી અને પાછા પગે પાછી વળતી ગભારાની બહાર આવી. તરત જ ગભારાનાં બન્ને બારણાં એકદમ બંઘ થઇ ગયા, તે બારણાં એવા તો બંઘ થયા કે ગમે તેટલાં હલાવવા છતાં જરા પણ હાલતા નથી, અને જરા પણ ખસતા નથી. ત્યારે રાજકુંવરીને ખૂબ દુઃખ થયું. તેણે કહ્યું કે જયાં સુઘી આ જિનમંદિરના દરવાજા ઊઘડે નહી, ત્યાં સુઘી હું અહીંથી મહેલે જઇશ નહી. આ પ્રમાણે નિર્ઘાર કર્યા પછી ત્યાં પરિવાર સાથે રહેલા રાજાને ત્રણ ઉપવાસ થયા. પછી ત્રીજા દિવસે રાત્રિના પાછલા પહોરને વિષે આકાશવાણી થઇ કે અહીં કોઇનો પણ દોષ નથી. માટે તમે શા માટે ખેદ કરો છો ? જે મહાપુરુષની દૃષ્ટિ પડતાં જ આ મંદિરનાં દ્રાર ખુલશે, તે જ મનુષ્ય આ મદનમંજૂષાનો પતિ થશે. તે વાત જણાવવા આ મંદિરનાં દ્રાર બંઘ થયાં છે. આ જે બોલી રહી છું તે હું ઋષભ દેવ ભગવાનની દાસી ચકેશ્વરી દેવી છું. હવે હું એક જ મહિનામાં તેણીના વરને લઇ આવું છું. તે પ્રમાણે દેવીની આકાશવાણી થયો.
પછી રાજાએ અને સર્વ લોકોએ પારણું કર્યુ, તથા દુઃખના સમૂહો દૂર જતા રહયા. હવે તે મહિંનામાં દિવસો ગણતાં ગણતાં આજે એક જ દિવસ બાકી છે. તેથી સર્વ લોકો વાટ જોઇ રહયા છે અને અનેક વિકલ્પો કરે છે. હે કુંવર ! હું આ જ નગરના જિનદેવ નામના શેઠનો પુત્ર જિનદાસ નામનો શ્રાવક છું. વળી અહી વહાણ આવ્યાં છે, એમ સાંભળી ઉલ્લાસપૂર્વક અહી આવ્યો છું. હું માનું છું કે નિશ્વે ચકેશ્વરી દેવી જ તમને અમારી પાસે લાવ્યા છે. તેથી આપનાથી જિનમંદિરનાં બારણાં ઊઘડશે, અને અમારી સર્વની આશા ફલીભૂત થશે. તેથી આપ ઋષભદેવ પ્રભુના મંદિરે પઘારો, અને ત્રણ ભુવનના નાથ શ્રી જિનેશ્વર દેવને નમસ્કાર કરો, જેથી તે દરવાજા જરૂર ઊઘડી જશે. હવે જયારે શ્રીપાળકુંવર ત્યાં જવાને ઘોડા ઉપર અસવાર થયા, ત્યારે તેજવંત ઘોડો શુકન સૂચક હણહણાટ અવાજ કરવા લાગ્યો. પછી શ્રીપાળકુંવર, શ્રી ઋષભદેવ પ્રભુના દરબારમાં આવ્યાં.

જય જયકાર :-
જયાં શ્રીપાળકુંવરે ગભારા ઉપર નજર કરી કે તરત બન્ને દ્વાર ઊઘડી ગયાં અને દેવોએ ત્યાં પુષ્પની વૃષ્ટિ કરી, જય જયકાર થયો. પછી તરત જ રાજા પાસે વઘામણી ગઇ કે – હે રાજન ! આજનો દિવસ સફળ થયો છે. કારણ કે દેવીએ આપેલા વરરાજા અહીં આવી પહોંચેલ છે, જે તેજથી ઝળહળતા સૂર્ય સમાન છે. ત્યારે રાજાએ દેરાસરમાં શ્રીપાળકુંવરને કેશર, ચંદન અને પુષ્પ વગેરેથી પૂજા કરતો જોયો. ત્યારબાદ કુંવર મનના ઉલ્લાસથી ચૈત્યવંદન કરે છે, કુંવર જયારે બહાર આવ્યા ત્યારે સ્વજન મનુષ્યોથી પરિવરેલા રાજા પ્રણામ કરીને બેઠા. રાજા કુંવરની પ્રશંસા કરતાં કહેવા લાગ્યો કે – હે કુંવર ! તમે જિનમંદિરના બારણાં ઉઘાડી સર્વને આશ્વર્ય ઉત્પન્ન કર્યુ છે. વળી  આપ દેવ જેવા દેખાઓ છો. ત્યાં વિઘાચારણ મુનિ આવ્યા. તેઓની સાથે ઘણા દેવો હતા.
તે સર્વએ ગભારા આગળ જઇને જિનેશ્વર ભગવંતને વંદન કર્યુ, અને જગતના નાથ એવા શ્રી ઋષભદેવ પ્રભુની સ્તુતિ કરી. પછી વિઘાચારણ મુનિ દેવતાઓએ રચેલા ઉત્તમ સિંહાસન ઉપર બેઠા અને ભવ્ય જીવોને સુખ ઉત્પન્ન કરનારી મધુર અવાજે દેશના આપવા લાગ્યા “ આ નવપદજીની આરાઘનાથી શ્રીપાળકુંવરની જેમ જગતમાં સર્વ પ્રકારનાં દુઃખ અને દોર્ભાગ્ય શાંત થાય છે, અને પગલે પગલે મનોહર ઋદ્ધી પ્રાપ્ત થાય છે. તે જ શ્રીપાળકુંવર તમારા પુણ્યથી અહીં આવેલ છે. વળી તેની દૃષ્ટિથી જ આ દેરાસરનાં દ્વાર ખુલ્યાં છે “ તે સર્વ વાત સાંભળી રાજા હર્ષ પામ્યો, અને સર્વ પરિવાર પણ આંનદ પામ્યો.  એ પ્રમાણે કહીને મુનિ ભગવંત તો આકાશ માર્ગ ઊડીને જતા  રહ્યા.
પછી કુંવરને તિલક કરી, ચોખાથી વઘાવી, શ્રીફળ અને પાન આપીને સર્વ સજજન મનુષ્યોની સાક્ષીએ હર્ષપૂર્વક મદનમંજુષા પુત્રી આપી. શ્રીપાળકુંવર આ પ્રમાણે મદનમંજૂષા સ્ત્રીને પ્રેમપુર્વક પરણ્યા, પછી બન્ને સ્ત્રીઓ સાથે સસરાના ઘરમાં સુખ ભોગવે છે. એવામાં ચૈત્ર માસ આવતા સુખના ઘરરૂપ એવી ઉત્તમ આયંબિલની ઓળી શરૂ કરે છે તથા પ્રગટ પ્રભાવી શ્રી સિદ્ધચક્રજીની શ્રેષ્ઠ એવી લાખેણી પૂજા કરે છે. વળી નવ દિવસ સુઘી અમારી પ્રવર્તાવી મહાન અઠ્ઠાઇ મહોત્સવ કર્યા. આ પ્રમાણે શ્રીપાળકુંવર પોતાના જન્મને સફળ કરે છે, અને લક્ષ્મીનો લહાવો લે છે.
એક વખત રાજસભામાં શ્રીપાળ કુંવર બેઠેલા છે, ત્યારે સિપાઇયોએ ચોરને હાજર કર્યા, ત્યારે આ ઘવળશેઠ છે એમ ઓળખી રાજાને સમજાવી, ઘવળશેઠનાં બંઘન છોડાવી,પોતાની પાસે બેસાડયો. પછી કુંવરે રાજાને પોતાના દેશ તરફ જવાની ઇચ્છા જણાવી, ત્યારે રાજાને મનમાં અત્યંત અસંતોષ પેદા થયો. શ્રીપાળકુંવર પોતાની બે પત્નીઓ સાથે વહાણમાં બેઠેલા છે. તે જાણે કામદેવ અને તેની સ્ત્રી રતિ અને પ્રીતિ એ ત્રણે ભેગાં થઇને બેઠા ન હોય ? તેમ શોભે છે. હવે શ્રીપાળકુંવરની ઋદ્ધી-સિદ્ધી જોઇને ઘવળશેઠ અત્યંત ઝૂરવા લાગ્યો , કે અરે રે ! આ કુંવર તો એકલો જ ખાલી હાથે આવ્યો હતો. પણ હાય ! તેણે મારાં અઢીસો વહાણ પડાવી લીઘાં છે, હું જોંઉ છું કે – તે આટલી બઘી ઋદ્ધી લઇને એને ઘેર કેવી રીતે જાય છે ! આ કુંવર એક જ જીવ છે. એટલે તેને જ હું દરિયામાં નાખી દઉં. પછી આ સ્ત્રી, આ વૈભવ અને આ પરિવાર એ સર્વ મારું જ છે. આમ કામદેવના વશથી ઘવળશેઠને હવે અહીંનાપાણી ભાવતાં નથી. નિંદ્રા આવતી નથી, આકુળ-વ્યાકુળ થાય છે. એક ઘડી પણ ચેન પડતું નથી, વળી મુખેથી વારંવાર નિઃસાસા મૂકે છે. દિનપ્રતિદિન દુબળો થતો જાય છે, તથા મનમાં બહુ અસહનશીલતાથી રાત દિવસ મહામુશ્કેલીથી પણ ખુટતા નથી.

મુખ મેં રામ બગલ મેં છુરી :-
હવે ઘવળશેઠ કુંવરની પાસે બેસી તેનો અત્યંત વિનય કરે છે, તેમજ મુખેથી મીઠું મીઠું બોલે છે કે હે સ્વામી ! તમે જ મારા જીવનના- આઘાર છો, વળી પૂર્વના પુણ્યના ઉદયથી આપની સેવા મને મળી છે અને આપની સેવાથી પગલે પગલે અમારી આશાઓ ફલીભુત થઇ છે. પછી ઘવળશેઠે વહાણના કિનારે એક માંચડો બાંઘ્યો, અને દોરડાં વડે તેને વહાણની સાથે સાંઘી નાખ્યો. પછી તે માંચડા ઉપર બેસી શેઠ કુંવરને કહેવા લાગ્યો કે – હે સાહેબ ! એક અલૌકિક આશ્વર્ય જોઇને મારું મન ઉત્સાહિત થયું છે. તે આશ્વર્ય એવું છે કે મગર એક છે, પણ તેને આઠ મુખ છે. વળી, તે મુખ દરેક જુદી જુદી જાતનાં છે. આવા રુપ અને સ્વરુપવાળા મગર થશે નહી, અને થયા નથી . તો હે સાહેબ ! જો આપ જોવાને ઇચ્છતા હો, તો અહીં જલદી આવો, નહી તો પછી મારો વાંક કાઢશો કે અમને કેમ કંઇ કહ્યું નહી ? ત્યારે શ્રીપાળકુંવર કૌતુક જોવા માટે માંચડા ઉપર ચડયો અને તે જ વખતે શેઠ મનમાં કપટને ઘારણ કરીને માંચડા ઉપરથી નીચે ઊતરી ગયો, અને શેઠ તથા મિત્ર એ બન્ને જણાએ માંચડાની બન્ને બાજુના દોરડાં કાપી નાખ્યાં. ખરેખર પાપી મનુષ્યો આવાં કામો કરતાં ડરતા નથી. દરિયામાં પડતાં પડતાં શ્રીપાળકુંવર મનમાં નવપદજીનું ઘ્યાન કરે છે.

કોંકણને કાંઠે :-
તે જ વખતે પ્રગટ પ્રભાવી શ્રી સિદ્ધચક્રજી (ના અઘિષ્ઠાયક દેવ) પ્રત્યક્ષપણે સર્વ સંકટોનો નાશ કરે છે. શ્રીપાળકુંવર તો એક મગરની પીઠ ઉપર સ્થિર થઇને બેસી ગયો, અને વહાણની જેમ સમુદ્ર પાર કરી કોંકણ દેશના કાંઠે ઊતર્યો, અને એક વનમાં ગયો. ત્યાં ચંપકવૃક્ષની છાયામાં થાકેલો તે નીંદ્રા કરવા લાગ્યો. જાગ્યા ત્યારે સૈનિકો કહે છે “ અહીં અલકાપુરી નગરીમાં વસુપાલ નામે રાજા રાજય કરે છે, કોંકણદેશના તે રાજાનો મહિમાં આખા જગતમાં ગાજે છે”.
“ એક દિવસ નિમિત્ત શાસ્ત્રનો જાણકાર એક જોષી રાજાની સભામાં આવ્યો , તે જોષી ભવિષ્યના પ્રશ્ર પૂછવા માટે રાજાને મનમાં પસંદ પડયો. પછી રાજાએ પૂછયું કે- હે જોષીજી ! ગુણની ભંડાર એવી અમારી મદનમંજરી નામની પુત્રી છે, તો કયો સારો એવો રાજકુમાર તેણીનો પતિ થશે ? તે સાંભળી જોષી કહેવા લાગ્યો હે રાજન ! વૈશાખ સુદી દશમીના દિવસે, અઢી પહોર દિવસ વ્યતીત થયે તે સમયે સમુદ્રના કિનારા પાસે જઇને જોજો. ત્યાં નંદનવનમાં ચંપકવૃક્ષની નીચે એક પુરુષ સુતો હશે, તે પુરુષ મદનમંજરીનો પતિ થશે અને તેની નિશાની એ છે કે – ગમે તેટલો સૂર્ય ફરે તો પણ તે વૃક્ષની છાયા તેના ઉપરથી ખસશે નહી. એ પ્રમાણે જોષીની વાત રાજાએ માની નહીં અને કહેવા લાગ્યો કે – શું ! આ કાંઇ કેવલજ્ઞાની છે ? પરંતુ આજે તે દિવસ આવી પહોચ્યો છે. તેથી તે વાતની ખાતરી કરવા અમને અહીં મોકલ્યા છે. અને તે દરેક વાત સાચી મળી આવી છે “
હવે તે સમયે કોઇ એક અસવારે આગળ જઇને રાજાને વઘામણી આપી, ત્યારે રાજા ઋદ્ધિ લઇને સામૈયા સાથે કુંવરની સામે આવ્યો. આ પ્રમાણે મોટા આડંબર પૂર્વક કુંવરનો પ્રવેશ મહોત્સવ કર્યો, અને સકલગુણના જાણકાર વસુપાલ રાજાએ શ્રીપાળકુંવરને પોતાના આવાસે પઘરાવ્યા. તે પછી રાજાએ વિદ્વાન જોષીઓને બોલાવ્યા, અને લગ્નનું મુહૂર્ત જોવરાવ્યું, તો તે જ દિવસે લગ્ન આવ્યું તેથી રાજાએ તેઓને ઘણા પ્રકારે દાન આપીને તે લગ્નને વઘાવી લીઘું. ત્યારે રાજાએ તે જ રાત્રિએ પુત્રી મદનમંજરીનો વિવાહ કર્યો. તે સમયે સર્વ સગાં સંબંઘીઓને પણ મનમાં ઘણો જ ઉત્સાહ વર્તતો હતો. શ્રીપાળકુંવર સમુદ્રમાં પડયા ત્યારે બસ એક જ રાત્રિ દુઃખમાં ગઇ. અને બીજી રાત્રે તો જુઓ ! આ પ્રમાણે રાજકુંવરીને પરણ્યા ! ત્યાર પછી રાજાએ તેમને રહેવા માટે મહેલ આપ્યો. તેમાં તે દંપતિ પૂર્ણ સુખપૂર્વક ક્રીડા કરે છે. હવે શ્રીપાળકુંવર સમુદ્રમાં પડયા પછી આ બાજુ વહાણમાં શુ થયું ? તે વાત.

ઘવળની કપટ લીલા :-
ઘવળશેઠ રોમરોમથી હર્ષ પામ્યો. વળી ઘવળશેઠ મનમાં વિચારવા લાગ્યો કે – મારા ભાગ્યના ઉદયથી આજે મને મહાન શાન્તિ થઇ અને ઔષધ વિના જ એક પલવારમાં વિષમ ઉપાઘિ જતી રહી. વળી મારો પરમેશ્વર પ્રસન્ન હોવાથી આ ધન, આ બન્ને સ્ત્રીઓ અને આ સાહેલીઓનો સમૂહ તે બઘું પોતાના હાથે મને આપ્યું. હવે હું ખોટી માયાજાળ કેળવી તે બન્ને નારીઓને ખુશ કરું. પછી તેમના મનને આકર્ષીને મારા સંસારને સફળ બનાવું. લોકો શેઠને પૂછવા લાગ્યા ત્યારે શેઠે કહ્યું કે – અરેરે ! શું કહું ? આ કુંવર કૌતુક જોવા માટે વહાણના કિનારે માંચડા ઉપર ચડયા, અને એકદમ આ જુના દોરડાં તૂટી ગયાં.  અરે અરે હે દેવ ! આ શું થઇ ગયું ? વળી જયારે આ વાત બન્ને સ્ત્રીઓના સાંભળવામાં આવી ત્યારે જાણે વજ્રનો ઘા થયો ન હોય ! તેમ તેમના હદયમાં એકદમ મોટો ધ્રાસકો પડયો. તે સમયે ઘવળશેઠ પણ તે સ્ત્રીઓની પાસે આવ્યો, અને  ખોટા વિલાપ કરવા લાગ્યો. તે બન્ને સુંદરીઓ વિચારવા લાગી કે -  પતિને મારવાનું આ કામ આ દુષ્ટે જ કર્યુ છે. આના જેવો બીજો કોઇ વૈરી નથી. હવે આ આપણા શીલનો ભંગ કરશે. આપણું શીલ કેવી રીતે રક્ષીશું ? માટે સ્વામીની જેમ આપણે પણ સમુદ્રમાં ઝંઝાપાત કરીએ.

સતીત્વનો પ્રભાવ :-
એવામાં  આગળ ડમડમ ડમરુ વગાડતા અને મુખમાંથી હુંકાર અવાજ કરતા ક્ષેત્રપાલ દેવ હાથમાં તલવાર લઇને ત્યાં આવ્યા. તેમની પાછળ સિંહના વાહન ઉપર બેઠેલી, હાથમાં ચકને ભમાડતી, ઘણા દેવ દેવીની સાથે ચકેશ્વરી દેવી આવ્યાં. તેમને જોઇ શેઠ ઘણો ભય પામ્યો, અને સુંદરીઓના શરણે પેસી ગયો. ત્યારે દેવીએ કહ્યું કે – હે ઘવળ ! શિયળવતી સુંદરીઓનું તેં શરણ લીઘું છે એટલે જા, અત્યારે તને જીવતો મુકું છું. પરંતુ જો હવે મનમાં અન્યાય અને દુષ્ટ બુદ્ધિ ઘારણ કરીશ તો જીવથી જઇશ, એમ માનજે.
પછી તે ચકેશ્વરી દેવી સતી સુંદરીઓને પ્રેમપૂર્વક બોલાવી દિલાસો આપવા લાગી કે – હે સુંદરીઓ ! તમે ચિંતા શા માટે કરો છો ? તમારા પતિ તો ક્ષેમકુશળ છે. તમારા પતિ એક મહિનામાં તમને મળશે. હાલમાં તે સસરા વસુપાલ રાજાને ત્યાં રાજકન્યા અને રાજઋદ્ધિ ભોગવે છે. પછી તે વખતે ચકેશ્વરી દેવી તે બન્ને સ્ત્રીઓનાં ગળામાં અમુલ્ય એવી ફૂલની માળા પહેરાવીને કહેવા લાગ્યાં કે – આ માળાનો  અત્યંત મનોહર મહિમાં સાંભળો. આ માળાથી શીલવ્રતનું રક્ષણ થશે, તથા દિવસે દિવસે તે સુંદર સુંગઘ આપશે. તથા જે મનુષ્ય ખરાબ દષ્ટિથી તમને જોશે, તે મનુષ્ય આંઘળો થઇ જશે. એ પ્રમાણે કહીને ચકેશ્વરી દેવી આકાશમાં અદશ્ય થયાં.

પાપનો ઘડો ફુટયો :-
શેઠે કોંકણ સિવાયના બીજા દેશમાં જવા માટે ઘણાં ઉપાયો કર્યો. પણ દૈવના યોગે પવને વહાણોને કોંકણદેશના કિનારે લાવી મૂકયાં. પછી ઘવળશેઠ કોંકણદેશના રાજાની પાસે આવ્યો અને રાજાના ચરણોમાં મનોહર ભેટણાં ધર્યા. તે વખતે શ્રીપાળકુંવર પોતાને અનેક પ્રકારે દુઃખ આપનારા એવા ઘવળશેઠને  પોતાની પાસે મિત્રની જેમ બેસાડે છે, અને પૂર્વની જેમ જ મનની પ્રીતિ પાળે છે. પરંતુ દુર્જનની કુલ રીતને તે ધવળશેઠ મનથી જરા પણ ત્યજતો નથી. કારણ કે તે આત્મા એવા પ્રકારનો વિચાર કરે છે કે આ કુંવરની લક્ષ્મી વગેરે હું ભોગવી શકયો નહીં, તો આ કુંવર પણ ભોગવી ન શકે તેમ કરું, તેથી  આ કુંવરને હું મારા હાથે મારી નાખું, એવો નિશ્વય કર્યો. આમ વિચારી પછી જયાં શ્રીપાળકુંવર સૂતેલો છે ત્યાં સાતમાં માળે શેઠ પોતે હાથમાં ચપ્પુ લઇને ઉપર ચડવા લાગ્યો. તેવામાં સીડી ઉપરથી પગ લપસી ગયો અને નીચે ભૂમિ ઉપર પડયો. ખરેખર પોતાનું પાપ પણ ઘણું એકઠું થયું હતું. તેથી પોતાના હાથમાં રહેલું ચપ્પુ પોતાને લાગવાથી મરીને સાતમી નરકમાં ઉત્પન્ન થયો.
હવે શ્રીપાળકુંવર મનને વિષે શોક કરતાં થકાં ધવળશેઠનાં મુત્યુ સંબંઘી સર્વ કાર્યો કરવા લાગ્યા અને એના ગુણોને વારંવાર યાદ કરવા લાગ્યા. કારણ કે જેમ સુવર્ણ અગ્નિના સંયોગથી અત્યંત તપાવવા છતાં પોતાના મૂળ રંગને છોડતું નથી, તેમ સજજન મનુષ્ય પોતાને દુઃખ આપનાર દુર્જનના પણ ગુણો જ જુએ છે અને પોતાના સજજનતાના સ્વભાવને છોડતા નથી. હવે એક દિવસ શ્રીપાળકુંવર રમવા માટે રાજવાટિકાએ જવા નીકળી પડયો. ત્યાં નગરની બહાર ઘણી ઋદ્ધિ સહિત એક સાર્થ આવ્યો હતો તેને જોયો. સાર્થવાહને પૂછયું કે તમોએ મુસાફરીમાં કોઇ વિશેષ આશ્વર્ય જોયું છે ?

વીણાવાદન :-
ત્યારે સાર્થવાહે કહ્યું કે – મહારાજ ! અમે એક આશ્વર્ય જોયું છે તે સાંભળો. અહીંથી ચારસો ગાઉ દૂર એક કુંડલપુર નામનું નગર છે. તે નગરમાં મકરકેતુ નામનો રાજા છે. તેને કપૂરતિલકા નામની રાણી છે, તેઓને બે પુત્રો ઉપર એક ગુણવાન પુત્રી થઇ છે. તે પુત્રીનું ગુણસુંદરી નામ  છે, તે રૂપમાં અપ્સરા જેવી છે. એટલું જ નહી, પરંતુ ગુણ અને રૂપથી જગતમાં તેના જેવી કોઇ વસ્તુ નથી. તે કન્યા ચોસઠ કલાઓનો ખજાનો છે. તેણે વિચાર્યુ કે પરીક્ષા કર્યા વિના પરણવામાં આવે અને કદાચ મૂર્ખ પતિ મળે તો આખો જન્મારો ઝૂરતાં ઝૂરતાં પૂરો થાય. હે કુંવર ! આ પ્રમાણે ગુણસુંદરીનું માનવું હોવાથી તેણીએ એક શ્રેષ્ઠ પ્રતિજ્ઞા કરી છે કે જે મને વીણાના વાદમાં જીતશે તે જ મારો સ્વામી થશે. આ પ્રમાણે સાર્થવાહે કુંવરને કહ્યું.તે નગરમાં રાજકુમારો જ વીણા શીખે છે, એટલું જ નહીં ! પરંતુ સર્વ વ્યાપારી લોકો પણ વીણા બજાવે છે, અને રાજકુંવરીને પરણવાની હોંશવાળા તેઓ વ્યાપાર પણ કરતા નથી. આમ હોવાથી અઢારે વર્ણના ઘર ઘરના આંગણે મેડીએ અને માળે એમ સર્વ ઠેકાણે વીણા જ રણજણે છે.
વળી  જંગલમાં ગાયોને ચરાવતા ગોવાળિયાઓ પણ રાજકુંવરીને પરણવાના મનોરથની ભાવના ભાવતા ફરતા ફરતા વીણા બજાવે છે, તેમજ ખેડૂતો પણ હૈયામાં રાજકુંવરીને પરણવાની અત્યંત હોંશથી પોતાના ખેતરોને સૂના મૂકીને ભેગા થઇને વીણા બજાવે છે.
આ સંભાળી શ્રીપાળકુંવર પોતાના આવાસે આવ્યો અને વિચારવા લાગ્યો કે – તે નગર તો અહીંથી ઘણું દૂર છે તો ત્યાં કેવી રીતે જાઉ ? જો દૈવે માણસને પાંખ આપી હોત તો માણસો સારા સુખી થાત, કેમકે પોપટની જેમ દેશ-વિદેશમા ફરી ફરીને કૌતુક જોઇ શકત. પરંતુ મારો આ મનોરથ તો સિદ્ધચક્ર મહારાજ પૂરશે અને તે જ મને આઘારરૂપ હોવાથી મારાં સર્વ વિઘ્નોને દૂર કરશે. એમ વિચારી મન, વચન અને કાયાને સ્થિર કરીને શ્રી સિદ્રચકજીના ઘ્યાનમાં લીન રહ્યો અને તે સિદ્ધચક્રજીના ઘ્યાન દ્વારા તેનું ચિત્ત તદાકાર થયું.

વિમલેશ્વર દેવ હાર આપે છે. :-
તે ઘ્યાનના બળથી સૌધર્મ દેવલોકનો રહેવાસી વિમલેશ્વર દેવ મનોહર મણિઓનો હાર લઇને ત્યાં આવ્યો અને અત્યંત પ્રસન્ન થઇને તે હાર શ્રીપાળકુંવરરના કંઠમાં પહેરાવ્યો, અને હાથ જોડીને તે હારનો મહિમા વર્ણવવા લાગ્યો. આ હારના પ્રભાવથી જેવું રૂપ કરવાની ઇચ્છા હોય તેવું રૂપ તે જ ક્ષણે બનાવી શકાય છે અને ઇચ્છિત સ્થાને તે જ ક્ષણે આકાશ માર્ગે જઇ શકાય છે. વળી મનમાં જે કળા શીખવાની ભાવના હોય તે કળા વગર અભ્યાસે પણ આવડી જાય, અને ભયંકર ઝેરના વિકારો પણ આ હારના ન્હવણજળથી નાશ પામે છે.
હું શ્રી સિદ્ધચક્રજીનો સેવક દેવ છું . મેં સિદ્ધચક્રજીના કેટલાય સેવકોને દુઃખમાંથી પાર પાડયા છે. માટે હું કહું છું, કે તમો પણ એ જ શ્રી સિદ્ધચક્રજીની અત્યંત ભકિતને ઘારણ કરજો અને કંઇ પણ કામ પડે ત્યારે મને યાદ કરજો. આ પ્રમાણે કહીને દેવ પોતાને સ્થાને ગયો, અને કુંવર નિશ્વિંત મનવાળો થઇને સુખશચ્યામાં સૂતો અને જયારે પ્રભાત થયું અને જાગ્યો ત્યારે મનમાં ચિતવ્યું કે હું કુંડલપુર નગરમાં જઇને બેસું. આમ વિચારી ક્ષણવારમાં આંખ ખોલીને જોયું તો તે કુંડલપુર નગરની બહાર ભાગોળે પોતાને બેઠેલો જોયો અને ત્યાં પહેરેગીરને પણ વીણા વગાડતા અને રાજકુંવરીના રુપ કળા અને ગુણની પ્રશસાં કરતા જોયા.

વિચિત્રરૂપ :-
ત્યાર પછી કુંવરે મનમાં વિચાર્યુ કે “ મને કૂબડાનું રૂપ થાઓ “ એમ ચિંતવતાંની સાથે જ તેવું રૂપ થયું કે- મસ્તક અને લલાટ ઊંચા દેખાવવાળાં, મુખ તૂબંડા જેવું પાણી ઝરતી ચૂંચરી આંખો, અને દાંત બઘા જ મોકળા- છૂટા તેમજ વાંકા અને લાંબા હોઠ તે એક બીજા ભેગા ન થાય તેવા પહોળા થયા.
હવે જયારે પરીક્ષા માટે મોટી સભા ભેગી થઇ, ત્યારે ત્યાં સગીતના વિષયમાં વિદ્વાન અને વિચક્ષણ પુરુષો મનના આનંદે કરી બેઠા છે. તે વખતે રાજકુંવરી ગુણસુંદરી કલા અને ગુણની વૃષ્ટિ કરતી ત્યાં સભામાં આવી. તેના એક હાથમાં વીણા અને બીજા હાથમાં પુસ્તક છે. તેથી જાણે સાક્ષાત સરસ્વતી હોય નહી ? તેવી શોભે છે. તે સભામાં પ્રવેશ કરતાં દ્વારપાળે કુબડાને ખરાબ રૂપવાળો હોવાથી રોકયો. તે વખતે તેણે રત્નનું આભૂષણ તેને આપ્યું, એટલે અંદર જતાં અટકાવ્યો નહી. તે પછી ઇચ્છા પ્રમાણે રૂપ કરવામાં શ્રેષ્ઠ તે વામન કુંવરીની પાસે આવ્યો. ત્યારે રાજકુંવરી કુંવરનું મુળરુપ જુએ છે, અને બીજા સર્વ લોકો તેને કૂબડો જુએ છે. કુંવરને જોઇને તે રાજકુમારી વિચારવા લાગી કે – જો આ પુરુષ મારી પ્રતિજ્ઞાને પૂરશે તો હું મારો જન્મ સફળ માનીશ.

કુબડો વર :-
હવે જયારે ગુરુનો આદેશ થયો ત્યારે કાર્તિક કુમાર વગેરે રાજકુમારો વીણાની કળા બતાવવા લાગ્યા. પછી રાજકુંવરીએ પણ પોતાની વીણાના ગુણની ચતુરાઇ બતાવી. તે સાંભળી સભાના લોકોએ કહ્યું કે – રાજકુંવરીની કળાની આગળ તે રાજકુમારોની કળા સૂર્યની આગળ ચંદ્રની જેમ નિસ્તેજ દેખાય છે આ પ્રમાણે લોકોની પ્રશસાં સાંભળી કૂબડો ત્યાં પાસે આવ્યો, ત્યારે લોકો મશ્કરીમાં કહેવા લાગ્યા કે – આ કૂબડો કુંડલપુરના રહેવાસીઓને ભલો પસંદ પડયો છે ! પછી જાણે કુંવરીએ પહેલેથી જ તેની સાથે સંકેત કર્યા હોય તેમ વીણા તેના હાથમાં આપી. ત્યારે શ્રીપાળકુંવરે તેને હાથમાં લેતાં જ એવી વીણા વગાડી કે લોકો મૂર્છાવંત બની ગયા. આ જોઇને રાજાએ પોતાની પુત્રીને મોટા ઓચ્છવ પૂર્વક પરણાવી તથા ઘોડા, હાથી, ધન અને સુવર્ણ આપીને કુંવરના આવાસને ભરપુર કર્યા.
 પુણ્યવાન અને વિશાળ ભુજાવાળા શ્રીપાળકુંવર ત્યાં આનંદ કરે છે અને ગુણસુંદરીની સાથે સુખને ભોગવે છે. હવે એક દિવસ અદભુત સ્થાનની એક આશ્વર્યકારી વાત કહેવા લાગ્યો કે – હે સ્વામિન ! અહીંથી ત્રણસો યોજન દૂર કંચનપુર નામનું નગર છે, ત્યાં અત્યંત મનોહર કૌતુક છે. તે કૌતુક આપને જોવા યોગ્ય છે. તે નગરમાં વજસેન નામનો રાજા છે, તેની રાણીને ચાર પુત્રોની ઉપર ત્રૈલોકયસુંદરી નામની પુત્રી છે. તે ત્રૈલોકયસુંદરીને યોગ્ય પતિ શોઘવા માટે તેના પિતાએ સ્વયંવર મંડપ બનાવ્યો છે, અને તે મંડપના મુળ થાંભલે એક રત્નજિત સુવર્ણમય સુશોભિત પૂતળી સ્થાપન કરી છે. અષાઢ માસના શુકલ પક્ષની બીજના દિવસે તેનું વરવાનું મુહૂર્ત છે માટે હે કુલોત્તમ કુમાર ! તે બીજ આવતી કાલે છે. માટે આપ આ કાર્ય સિદ્ધ કરો. એ પ્રમાણે તે પુરુષનું કહેવું સાંભળીને તેની ખુશાલીમાં તેને સોનાનું સાંકળું આપ્યું અને તે જ વખતે શ્રીપાળકુંવર ઘેર જઇને હારના પ્રભાવથી કૂબડાનું રુપ બનાવીને કંચનપુર જઇ પહોચ્યો.

વામનનું વરણ :-
તે કુંબડાના દાંત ગધેડાના જેવા છે. નાક નાનું છે, હોઠ લાંબા લાંબા છે, પીઠનો ભાગ ઊંચો છે, આંખો પીળી માંજરી છે, વાળ કાબરચીતરા છે, એવો તે કુબડો સ્વયંવર મંડપમાં જઇને ઊભો રહ્યો. તે વખતે મોતીની માળાથી શોભતી તે રાજકુંવરી હાથમાં વરમાલા લઇને મુખ્ય મંડપમાં આવી અને મુખ્ય મંડપ તરફ જોવા લાગી ત્યાં અકસ્માત પવિત્ર રૂપ વાળા કુંવરને મૂળરૂપે જોયો. જેમ અનુભવ યોગી પુરુષ વિભાવ દશામાં હોવા છતે પણ સ્વભાવ દશામાં સ્વ-રૂપને દેખે છે, તે દૃષ્ટાન્તે કુંવરી પણ કૂબડાના સ્વરૂપવાળા શ્રીપાળકુંવરને મૂળ સ્વરૂપમાં જુવે છે. ત્યાં જ સુવર્ણમય પૂતળીમાં સિઘ્ઘચકનો અઘિષ્ઠાયક વિમલેશ્વરદેવ સંકર્મીને કહેવા લાગ્યો કે – હે કુંવરી ! જો ગુણ ગ્રહણ કરવામાં ચતુર હો તો આ વામન વરને જલદીથી વર. એ પ્રમાણે પૂતળીનું કહેવું સાંભળી કુંવરી તે વામનને વરી.
તે વખતે શ્રીપાળકુંવર પોતાનું અત્યંત કુરુપ દેખાડવા લાગ્યો. તેવા પ્રકારનું રુપ જોઇને ક્રોઘાયમાન થયેલા સર્વ રાજાઓ તે કુબડાનો તિરસ્કાર કરતા કહેવા લાગ્યા- ભોળી એવી આ બાળા ગુણ અવગુણને જાણી શકતી નથી, તેથી બીજા શ્રેષ્ઠ રાજાઓનો ત્યાગ કરીને કૂબડાને વરી છે, પરંતુ જેમ ઉકરડા પાસે ઘૂપ ન હોય તેમ આ કન્યા રત્ન પણ આ કુબ્જને ન હોય. હે કુબડા ! તું અત્યંત વિકરાળ અને કાગડા જેવો છે, અને અમે હંસ જેવા છીએ. માટે તું વરમાળાને ત્યજી દે. જો તું આ વરમાળાને નહી છોડે, તો અમે તારા ગળાની નાળને તલવારથી કાપી નાંખીશું. ત્યારે હસીને કુબ્જ આ પ્રમાણે કહેવા લાગ્યો કે – હે દૌર્ભાગ્યવાનો ! આ રાજકુંવરી તમને વરી નહી, તો મારા ઉપર શા માટે ક્રોઘાયમાન થાઓ છો ? તમારા ભાગ્ય ઉપર કેમ ગુસ્સે થતા નથી ? આ પ્રમાણે કહીને કૂબડાએ એવું પરાક્રમ બતાવ્યું કે તે જોઇને સર્વ રાજકુમારો જીવ લઇને નાઠા. કૌતુક જોવાને આકાશમાં રહેલા દેવોને પણ ચિત્તમાં ચમત્કાર પામ્યો, અને સતત પુષ્પોની વૃષ્ટિ કરી.

સમસ્યાપૂર્તિ :-
હવે એક દિવસ રાજસભામાં એક દૂત આવ્યો અને શ્રીપાળ કુંવરને કહેવા લાગ્યો મારા મનને વિષે જે આશ્વર્ય પસંદ પડયું છે તે હું કહું છું તો આપ કૃપા કરી સાંભળો. દલપત્તન નામના નગરમાં ઘરાપાળ રાજા રાજય કરે છે. તે રાજાને ગુણની ખાણ સરખી ચોરાશી રાણીઓ છે. તેમાં ગુણમાળા નામે પ્રસિદ્ધ પટરાણી છે. એ ગુણમાળાને પાંચ કુંવરો ઉપર ગુણની પેટી રુપ એક શૃંગારસુંદરી નામની પુત્રી છે. કુંવરીની પ્રતિજ્ઞા છે કે જે તેની સમસ્યા પૂરે તેને જ વરીશ. કુંવરીની પ્રતિજ્ઞા સાંભળીને બુદ્ધિથી બળવાન એવા ઘણા પંડિત પુરુષો ભેગા થયા. પરંતુ જેમ વાયુના વેગથી પર્વત ચલાયમાન ન થાય તેમ તેઓની બુદ્ધિનો પ્રચાર તે સમસ્યામાં ચાલ્યો નથી. દૂતની એ વાત સાંભળીને ચિત્તમાં ચમત્કાર પામેલો કુમાર ઘેર આવ્યો અને કહેવા લાગ્યો કે – જયાં દલપતનગર રાજાની કન્યા છે ત્યાં હું મારા હારના પ્રભાવથી પહોંચુ.
એમ ચિંતવી હારના પ્રભાવથી રાજકન્યા છે ત્યાં જઇ પહોચ્યો. દેદીપ્યમાન દેવ જેવા કુમારને જોઇને ચિત્તમાં આશ્વર્ય પામેલી કુંવરી મન સાખે કહેવા લાગી કે – “ જો આ પુરુષ મારી પ્રતિજ્ઞા પૂરે તો હું ધન્ય છું “ ત્યારે કુંવરે પૂછયું કે તમારી સમસ્યા શું છે ? તે કહો. તે સમયે કુંવરીએ કરી રાખેલ સંકેત પ્રમાણે મુખ્ય સખી પંડિતા સમસ્યા કહે છે. તે વારે કુંવર પાસેના પૂતળાના મસ્તક ઉપર હાથ મૂકે છે. એટલે તે પુતળું જ અઘુરી ન રહે તેવી રીતે સંપૂર્ણપણે સમસ્યા પૂરે છે. આ જોઇ રાજકુંવરી અત્યંત આનંદિત થઇ, અને ત્રણ ભુવનમાં સારભુત, ગુણના ભંડાર સરખા તથા જીવનના આઘારરૂપ એવા તે શ્રીપાળકુંવરને પરણી. આ પ્રમાણે શ્રીપાળકુંવરે પૂતળાના મુખથી સમસ્યા પૂર્ણ કરાવી. તે જોઇ રાજા વગેરે સર્વ મનુષ્યો હર્ષ પામ્યા અને કહેવા લાગ્યો કે – આવું આશ્વર્ય તો કયારેય પણ જોયું નથી. (તેમજ સાંભળ્યું પણ નથી ) વળી આ પ્રસંગ તો એવો છે કે – જેમ જેમ જોઇએ તેમ તેમ વઘારે મીઠો લાગે છે. તે અવસરે અંગભટૃ નામનો પરદેશી બ્રાહણ શ્રીપાળકુંવરનું અદભુત ચરિત્ર જોઇને કહેવા લાગ્યો કે – હે કુમાર ! સારા વિચારવાળું એક મારું વચન સાંભળો.

રાધાવેધ :-
કોલ્લાગપુર નગરનો પુરંદર નામનો રાજા છે. તેને વિજયા નામની રાણી છે. તે રાજારાણીને સાત પુત્રો ઉપર સુંદરી નામની પુત્રી છે. લાવણ્ય અને રૂપ વડે સુશોભિત તે કન્યાને જોઇને રાજા પાઠકને બોલાવી કહેવા લાગ્યો કે – હે પાઠકજી ! આ રાજકુંવરીને યોગ્ય વર કોણ થશે ? તેનું સ્વરૂપ કહો. તે સમયે પાઠકજી કહેવા લાગ્યા કે – હે રાજન ! કુંવરી મારી પાસે વિધાભ્યાસ કરતી હતી, ત્યારે રાધાવેધની કળાનું સ્વરૂપ પૂછયું હતું.
તે વખતે મેં તેને સાઘના માટે યોગ્ય રીતે રાઘાવેધનું સ્વરૂપ કહ્યું હતું. રાઘાવેધની વાત સાંભળી હે રાજન ! તમારી પુત્રીએ આ પ્રમાણે પ્રતિજ્ઞા કરી છે કે – જે મનુષ્ય રાધાવેધને સાધશે તેને હું પરણીશ. બીજાને ન પરણવાની મારે પ્રતિજ્ઞા છે .માટે હે રાજન ! મોટો મંડપ તૈયાર કરાવી તેમાં રાઘાવેધની રચના કરીએ, જેથી જયસુંદરી કુંવરીને પતિ પ્રાપ્ત થાય. આ સંભાળી રાજાએ રાઘાવેઘનો પ્રબંઘ કરાવ્યો. પરંતુ કોઇ રાજકુંવર રાઘાવેધને સાઘી શકતું નથી. પણ આ અનુભવથી હું કહું છું કે – કુમાર ! તમે જરૂર સાઘશો. આ પ્રમાણે અંગભટૃનું કહેવું સાંભળી કુમારે તે ભટૃને બે કુંડલ આપ્યાં અને રાત્રીએ પોતાના આવાસે રહી તે હારના પ્રભાવથી કુમાર કોલ્લાગપુર નગરે જઇ પહોચ્યો અને રાઘાવેધ સાઘ્યો. ત્યારે જયસુંદરી કુંવરીએ તેને વરમાળા પહેરાવી તે સમયે રાજાએ તેનો વિવાહ કર્યો. પછી રાજાએ આપેલા આવાસમાં સારા યશવાળો તે કુંવર ઉત્સાહપુર્વક રહેવા લાગ્યો.

રાજયાભિષેક :-
હવે ઠાણાપુર નગરથી મામા વસુપાલરાજાએ વિનયવંત એવા માણસોને મોકલ્યા અને રાજાની આજ્ઞા બજાવવા તેઓ કોલ્લાગપુર નગરમાં શ્રીપાળકુંવરની પાસે આવ્યા. તે સમયે કુંવરે પણ અત્યંત હેતપુર્વક તે તે સ્થાનોથી પોતાની દરેક સુંદરીઓ ને બોલાવી લીઘી. હાથી, ધોડા, રથ અને સુભટો એમ ચતુરંગી સેના ત્યાં એકત્ર થઇ, પછી તે સૈન્ય સહિત અત્યંત મનોહર કુંવર ઠાણાનગરે આવ્યો. ત્યારે શ્રીપાળકુંવરની લક્ષ્મી અને શ્રેષ્ઠ સુંદરીઓને જોઇ મામા રાજા ખુબ આનંદ પામ્યો અને વિશેષ પ્રકારે વિઘિ વિઘાનપુર્વક રાજયાભિષેક કરીને શ્રીપાળને પોતાની રાજયગાદી ઉપર સ્થાપન કર્યો.
રાજમુગુટ અને શ્રેષ્ઠ હાર વડે સુશોભિત અને સિંહાસન ઉપર બેઠેલો શ્રીપાળકુંવર અત્યંત શોભે છે તથા શ્રેષ્ઠ ચામર અને છત્ર મસ્તક ઉપર ઘારણ કર્યો છે. તેથી તેનું મુખ રૂપી કમળ જાણે હંસો વડે અનુસરાતું કમળ હોય તેમ શોભી રહ્યું છે. સોળ સોળ સામંત રાજાઓ વડે નમસ્કાર કરાતો હાથી, ધોડા, મણિ અને મોતીઓની ભેટોને સ્વીકારતો. ચતુરંગી સેનાથી પરિવરેલો એવો શ્રીપાળકુંવર માતાને નમવા ત્યાંથી ચાલ્યો. સેનાથી પરિવરેલા શ્રીપાળકુંવર સોપારક નગરની સમીપમાં આવાસને વિષે ઊતર્યો અને પ્રઘાન પ્રત્યે કહેવા લાગ્યા કે – સોપારક નગરના રાજા ભેટણાં લઇ સામા આવવું અથવા શસ્ત્ર લઇ સામા આવી યુદ્ધ કરવું તે કેમ કંઇ બતાવતા નથી ?

વિષાપહરણ :-
તે વખતે પ્રઘાન કહેવા લાગ્યો કે – હે ગુણવંત રાજા ! એ રાજાનો કંઇ પણ અપરાઘ નથી. મહસેન નામનો તે રાજા ભલો છે, અને તારામતી રાણીનો મનોવલ્લભ સ્વામી છે. તે રાણીની કુક્ષિથી ઉત્પન્ન થયેલી તિલકસુંદરી નામની પુત્રી છે. તે પુત્રી ત્રણભુવનમાં તિલક સમાન છે. તે કુંવરીને દીર્ઘપૃષ્ઠ જાતિના સર્પે દંશી છે, તેથી મણિ, મંત્ર અને ઔષઘ ઘણા લાવ્યા અને ઘણા પ્રકારે ઉપચારો કર્યો. પણ તેનાથી તે કુંવરીને લેશ માત્ર ફાયદો થયો નથી. આ સાંભળી કુંવર મનમાં ચિંતવતા જ ત્યાં પહોંચી જાય છે. કુંવરે હારના ન્હવણનો અભિષેક કરી કુંવરીને સાજી કરી,  એટલે તે કુંવરી વિવેકને ઘારણ કરીને બેઠી થઇ અને સર્વ લોકોના ચિત્તને વિષે આનંદ થયો. રાજાએ કુંવરી શ્રીપાળકુંવર સાથે પરણાવી.
શ્રીપાળકુંવર ઉજજયિની નગરીથી નીકળીને વિદેશમાં આઠ સ્ત્રીઓ પરણ્યાં. તેઓનાં અનુક્રમે આ પ્રમાણે નામો છે.1. મદનસેના 2.મદનમંજૂષા 3.મદનમંજરી 4.ગુણસુંદરી 5.ત્રૈલોકયસુંદરી 6.શૃંગારસુંદરી 7.જયસુંદરી 8. તિલકસુંદરી . શ્રીપાળકુંવરે ઉજજયિની નગરીની બહાર સર્વ સૈન્યના તંબુઓ તૈયાર કરાવ્યા. પછી રાત્રિનો પ્રથમ પ્રહર થયો ત્યારે શ્રીપાળરાજા હારના પ્રભાવથી પ્રેમ સહિત માતાના ઘરમાં પહોચ્યાં.

પ્રિયમિલન :-
તે વખતે કમલપ્રભામાતા મયણાસુંદરી ને કહે છે કે - મારા મનમાં ઘણું દુઃખ છે કારણ કે દુશ્મન રાજાના સૈન્યએ આ નગરીને ઘેરી છે. તેથી નગરમાં સર્વ માણસો હાહાકાર કરે છે. તો આ સ્થાને આપણું શું થશે ? અરે ! બીજી બઘી વસ્તુઓ ભલે ચાલી જાય ! પણ મારા પુત્રને સુખ થજો. ત્યારે મયણાસુંદરી કહેવા લાગી કે – હે સાસુજી ! જરા પણ ખેદ ન કરો, તથા શત્રુના સૈન્યનો ભય પણ મનમાં ઘારણ કરશો નહી. કારણ કે નવપદજીના ઘ્યાનથી સર્વ પાપો નાશ પામે છે, અને વક્ર ગ્રહોની દુષ્ટ ચાલ પણ રહેતી નથી. આજે સંઘ્યાના સમયે જગતના સ્વામીની પૂજા વખતે કોઇની સાથે ઉપમા ન આપી શકાય તેવો અનુપમ ભાવ ઉત્પન્ન થયો હતો. વળી જે ધર્મક્રિયા કરતા હોઇએ તેમાં જ એકાગ્રતા, શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે કરવી, ભાવની વૃદ્ધિ થાય, ભવનો અત્યંત ભય હોય, તેમજ ક્રિયાના રસથી ચિત્ત વિસ્મય (આશ્વર્ય) પામે, રુવાડાં ઊભાં થાય તેવું રોમાંચિત થવું, અત્યંત હર્ષ ઉત્પન્ન થાય, આ અમૃત કિયાનાં લક્ષણ છે.
આવા પ્રકારનો ઉત્તમોતમ ભાવ હે સાસુજી ! મને આજે પૂજામાં આવ્યો હતો અને તે વખતે મેં સુંદર ઘ્યાન પૂર્વક ભાવના ભાવી હતી. તેથી ક્ષણે ક્ષણે મને કારણ વિના પણ હર્ષ ઉત્પન્ન થાય છે, તેમજ હજુ પણ તે આંનદ મારા હદયમાં સમાતો નથી. વળી ડાબી આંખ અને ડાબું અંગ પણ ફરકે છે. તેથી આજે મારા પતિ મળશે, કેમકે કાર્યની તુરંત સિદ્ધિ બતાવનારી અમૃતકિયા પ્રાપ્ત થઇ છે. તેથી તે તુરંત ફળે છે. તેમાં અંતર હોતું નથી.
તે વખતે પ્રિયાનું વચન સત્ય કરવા માટે જ શ્રીપાળકુંવરે કહ્યું કે – “ દરવાજો ઉઘાડો" તે સાંભળી માતા કમળપ્રભા કહેવા લાગી કે – આ વાણી મારા પુત્રની છે. ત્યારે મયણા કહેવા લાગી કે – શ્રી જિનેશ્વર ભગવાનનો મત કયારેય પણ અસત્ય હોતો નથી. પછી બારણું ઉઘાડયું, એટલે શ્રીપાળકુંવરે આવીને સુખને ઉત્પન્ન કરનાર એવા માતાના ચરણકમળમાં પ્રણામ કર્યા. પછી વિશેષ વિનય વડે મયણાસુંદરીએ પતિને પ્રણામ કર્યા.  ત્યારે શ્રીપાળકુંવરે તેને મનોહર સ્નેહ વચનથી બોલાવી. પછી શ્રીપાળરાજા પોતાની માતાને ખભા ઉપર બેસાડીને અને પત્નીને સ્નેહપુર્વક પોતાના હાથમાં લઇને હારના પ્રભાવથી ઉત્સાહિત વેગવડે તે છાવણીના આવાસમાં પહોચ્યો.

માલવપતિનું ગર્વ ગયું. :-
તે વખતે આઠે પુત્રવઘુઓ પણ પ્રથમ સાસુજી અને પછી મયણાસુંદરીને પ્રણામ કર્યા, અને તેમના આપેલા આશિષ મસ્તકે ચઢાવ્યા. પછી આઠે સ્ત્રીઓએ દેશાન્તરની બનેલી હકીકત મયણાની આગળ કહી. પછી શ્રીપાળરાજાએ મયણાસુંદરીને પુછયું  કે તારા પિતાને અહીં કેવા પ્રકારે બોલાવું ? ત્યારે મયણાસુંદરી કહેવા લાગી કે – જો મારા પિતા ખભે કુહાડાને લઇને આવે, તો ફરી કોઇ પણ માણસ જૈનધર્મની આશાતના કરશે નહી. માટે તેવી રીતે બોલાવો. ત્યાર પછી શ્રીપાળરાજાએ દૂત દ્વારા તે પ્રમાણેનું વચન પ્રજાપાલ રાજાને કહેવરાવ્યું ત્યારે તે સાંભળી માલવદેશનો રાજા અત્યંત કોપાયમાન થયો.
તે વખતે મંત્રીએ કહું કે સ્વામી ! જે બળવાન અને પ્રતાપી મનુષ્ય હોય તેના ઉપર શા માટે ક્રોધ કરવો ? સૂર્યના તાપને રોકવા નાંખેલી ધૂળ પોતાના જ ઉપર પડે, તેમ પ્રતાપી પુરુષ ઉપર ક્રોધ કરવાથી પોતાનું જ નુકસાન થાય.
જેને મોટો બનાવ્યો છે તેમની સામે રીસ કરવાથી ચાલી શકે નહી. માટે આપણી પોતાની શકિત અનુસાર વર્તવું અને તેમને મસ્તક નમાવવું. વળી આ દૂત કહે છે તે પ્રમાણે આપણે કરવું. અનુચિત કામ કરવાથી આપણી જ હલકાઇ થાય છે માટે જેનો સમય બળવાન હોય તેની રક્ષા કરવી એવો ન્યાય માગે છે. એવા પ્રકારનાં પ્રઘાનનાં વચન સાંભળીને પ્રજાપાલ રાજા ખભા ઉપર કુહાડો લઇને શ્રીપાળરાજાની છાવણી પાસે આવ્યો. ત્યારે શ્રીપાળ રાજાએ તેના ખભા ઉપરથી તે કુહાડો નીચે મુકાવ્યો અને આભૂષણ પહેરાવ્યાં અને સભામાં બેસવા માટે ઉત્તમ આસન આપ્યું. તે વખતે મયણાસુંદરી પોતાના પિતા પ્રજાપાલ રાજાને કહેવા લાગી કે – હે પિતાજી ! જે કર્મ કરે તે જ થાય છે એવા મારા જે બોલ હતા અને તે બોલ ઉપર મને જે પતિ આપ્યો હતો, તે આ વરનું તમે ભાગ્ય જુઓ.

નાટકનું નાટક :-
ત્યારે વિસ્મય પામેલ માલવદેશનો પ્રજાપાલ રાજા જમાઇને પ્રણામ કરતો કહેવા લાગ્યો કે – હે સ્વામી ! ઘણા ગુણોવાળા અને મહાન એવા આપને મેં ઓળખ્યાં નહી. તે પ્રમાણે સાંભળી શ્રીપાળ રાજા કહેવા લાગ્યા કે – આવા પ્રકારનો આ બનાવ મારાથી થયેલ નથી. પરંતુ ગુરુ મહારાજે બતાવેલ નવપદજીનો આ મહાપ્રભાવ છે. તે આશ્વર્યને સાંભળીને મહાન વિવેકવાળી એવી સૌભાગ્યસુંદરી અને રૂપસુંદરી વગેરે સર્વ પરિવાર ત્યાં એકત્ર થયો. આ પ્રમાણે સર્વ સ્વજન વર્ગ ભેગો થતાં ત્યાં આંનદ કરવા માટે નૂત્યકારોને આદેશ આપ્યો. હવે તે સમયે નાટકનું પહેલું ટોળું નાચવા માટે પોતાની ઇચ્છાનુસાર ઊભું થયું. પરંતુ તેમાં જે એક મુખ્ય નટી હતી તે ઘણા પ્રકારે કહેવા છતાં પણ ઉઠતી નથી.
ત્યારે તેને ઘણી મહેનતે ઊભી કરી તો પણ તે નટી મનમાં ઉત્સાહ ઘારણ કરતી નથી અને ખેદ સહિત હા હા એ પ્રમાણે બોલીને મુખથી આ પ્રમાણે એક દુહો બોલવા લાગી. “અહો ! કયાં મારો માલવદેશમાં જન્મ ? કયાં શંખપુરના રાજકુંવર સાથે પરણવું ? કયાં બબ્બરકુળમાં મને વેંચવી ? અને નાટક કરતાં શીખવું ? હા ! હા ! ભાગ્યે મારો ગર્વ ગાળી નાંખ્યો અને મને નાચતી કરી “
એટલામાં સુરસુંદરી રડતી રડતી પોતાની માતાના ગળે વળગી પડી ત્યારે રડતી પોતાની પુત્રીને રાજાએ દુઃખી સ્થિતિનું કારણ પુછયું ત્યારે તે સુરસુંદરી સર્વ હકીકત કહેવા લાગી કે – હે પિતાજી ! તમે જે મને સર્વ સંપત્તિ સહિત વિદાય આપી. તે સર્વ ઋદ્ધિ સહિત હું શંખપુરી નગરીની પાસે જઇ પહોંચી પરંતુ સારુ મૂહુર્ત ન હોવાથી પ્રવેશના મુહૂર્ત માટે પતિની સાથે નગરી બહાર ઉદ્યાન ભાગમાં રહી. ત્યારે ત્યાં કેટલાક સુભટો પોતાના ઘેર ગયા અને અમે થોડા સુભટો સાથે રાત્રિએ ત્યાં રહ્યા, તેવામાં ત્યાં ધાડ પડી, એટલે તમારા જમાઇ પોતાનો જીવ બચાવવા નાસી ગયા, અને હું તે ઘાડપાડુઓના હાથમાં પકડાઇ ગઇ. સુભેટોએ નેપાલ દેશમાં મને ધન લઇને વેચી.
ત્યાં એક સાર્થવાહે મને વેચાતી લીઘી. અહો ! જે લાલટમાં લખ્યું હોય તે જ પ્રમાણે બને છે. પછી તે સાર્થવાહે મહાકાલ રાજાના બબ્બરકુલ નગરમાં વેશ્યાની દુકાને વેચી અને વેશ્યાએ મને વેચાતી લઇ નૃત્યકળા શીખવી નટી બનાવી. ત્યાર પછી નાટકના મહાશોખીન મહાકાલ રાજાએ નાટકની મંડળીઓ ખરીદી, તેમાં મને પણ વેચાતી લીઘી. પછી તેણે મારી પાસે અનેક પ્રકારનાં નૃત્યો કરાવ્યાં.  પછી મહાકાલ રાજાએ મદનસેનાના લગ્નમાં મદનસેનાના પતિને દાયજામાં મને નવ નાટકની મંડળીઓમાં આપી.
પછી હે પિતાજી ! તે મદનસેનાના પતિની આગળ નાટક કરતાં ઘણા દિવસો વ્યતીત થયા. પરંતુ આજે આપણું કુટુંબ જોઇને દુઃખ ઉભરાયું અને તેથી તમોને મારા ઉપર દયા આવી. વળી તમે મને પરણાવી હતી ત્યારે મયણાના દુઃખને જોઇને મેં પોતાની મોટાઇના જે ગર્વ કર્યા હતો તે અભિમાનથી આજે મારે મયણાના પતિની દાસી થયું પડયું.

કલ્પવૃક્ષસમ જૈન ધર્મ :-
હવે સુરસુંદરી મયણાની પ્રશસાં કરતાં કહે છે કે – મયણા સુંદરીએ ખરેખર ! સ્વજનવર્ગમાં એક વિજયપતાકા પ્રાપ્ત કરી છે, કારણ કે તેના શિયલવ્રતનો મહિમા કસ્તુરીની જેમ જગતમાં મહેકી રહેલ છે. વળી મયણાસુંદરીએ આરાઘના કરેલ બલવાન એવો જૈન ધર્મ આજે કલ્પવૃક્ષના જેવો ફળ્યો છે તથા મેં સેવેલો મિથ્યાધર્મ આજે મને વિષવૃક્ષના વિષફળોની જેમ ફળ્યો છે. તથા મયણાસુંદરી પોતાની કુલની લાજને  પ્રકાશિત કરવામાં મણિરત્નોની દીપીકા જેવી છે, અને હું કુલને મલિન કરવામાં મેધ સહિત અંઘારી રાત્રિને જીતી લઉં તેવી છું. તેમજ મયણાસુંદરીને જોવાથી સારી સમ્યકત્વની શુદ્ધિ થાય છે, અને મને જોવાથી મિથ્યાત્વની અત્યંત ધૃષ્ટતા થાય છે. અહી સેંકડો સુંદર  નાટક કરવાથી પણ જે આંનદ ન થાય તેવો આંનદ પોતાના દોષ અને મયણાસુંદરીના ગુણગાન કરી જૈનધર્મની પ્રશંસા કરી આ કર્મના નાટકથી પોતાની કથનને કહીને સુરસુંદરીએ ઉત્પન્ન કર્યો છે.

સ્વરાજયપ્રાપ્તિ :-
ત્યાર પછી શ્રીપાળરાજાએ જલદીથી અરિદમન રાજાને પોતાનું સૈન્ય મોકલીને બોલાવ્યા અને તેને સુરસુંદરી આપી ઘણી ઋદ્ધિ સાથે પોતાના દેશ તરફ વિદાય કર્યો. હવે મતિસાગર મંત્રી શ્રીપાળરાજાને કહેવા લાગ્યો કે – બાલ્યાવસ્થામાં પિતાના સ્થાને સ્થાપન કર્યા હતા. તે સ્થાનથી જેણે તમને ઉઠાવ્યા હતા તે તમારો દુશ્મન અત્યંત મદોન્મત થયેલ છે. તમે જો પોતાનું વિશાળ એવું રાજય લેશો નહીં તો તમારુ આ બલ, આ સર્વ ઋદ્ધિ અને મોટા સૈન્યનો પરિવાર એ સર્વનું શું ફળ પ્રાપ્ત થશે આ સાંભળી શ્રીપાળરાજા યુદ્ધ કરવા માટે તૈયાર થયા.
ચારે પ્રકારના સૈન્યને તૈયાર કરી ચંપાનગરી તરફ પ્રયાણ કરી ત્યાં પહોંચી જઇને નદીને કિનારે ઊંચા ભેખડવાળી ભૂમિના ભાગમાં વસ્ત્રોના ઊંચા તબું નાખ્યાં. તે વખતે વિવિઘ પ્રકારના સૈન્ય સહિત અજિતસેન રાજા સન્મુખ આવ્યો, ત્યારે ગર્વ સહિત અત્યંત ઉત્સાહવાળાં બંને સૈન્યો પરસ્પર મળ્યા. યુદ્ધ કરતાં શ્રીપાળરાજાના સુભટોથી પોતાનું સૈન્ય ભાગવા લાગ્યું. એમ જોઇને અજિતસેન રાજા પોતે યુદ્ધ કરવા ઉભો થયો અને પોતાના સુભટોને કહેવા લાગ્યો કે – હે નિર્મલ કુલના તેજથી તેજવંત સુભટો ! ફરી વાર પોતાનું બળ બતાવો અને મારા નામને રાખો, એટલે કે આમ નિર્બલ ન થાઓ પરંતુ પોતાની શકિતને બતાવી મારું અજિતસેન જે નામ છે તે પ્રમાણે શત્રુની જીતીને મારા નામને સાર્થક કરો.
તે અજિતસેનરાજા આ પ્રમાણે પોતાના સુભેટોને જણાવતો અને સૈન્યને તૈયાર કરીને લડતો હતો. તેવામાં સાતસો રાણાઓએ તેને ચારે બાજુથી જલદીથી ઘેરી લીઘો અને કહેવા લાગ્યાં કે – હે રાજન ! તું માનનો ત્યાગ કરી હજું પણ શ્રીપાળરાજાને પ્રણામ કર. કારણ કે તે શ્રીપાળરાજા હિતનો જાણનાર છે, અર્થાત તને અપરાઘમાંથી ક્ષમા આપશે. ત્યારે પછી તે સુભટો રાજાને બાંઘીને શ્રીપાળરાજાના ચરણોમાં લાવ્યા, ત્યારે શ્રીપાળરાજાએ કાકા હોવાથી તેમને બાંઘવા તે ઉચિત નથી એમ જાણી તેમને છોડાવ્યા અને મીઠી વાણીથી કહેવા લાગ્યો કે – હે તાત ! તમે જરા પણ ખેદ કરશો નહી, સુખેથી તમારી ભૂમિના સુખો ભોગવો.

અજિતસેનની દીક્ષા :-
હવે અજિતસેનરાજા આ પ્રમાણે વિચારવા લાગ્યા કે – મારા વૃદ્ધપણાને ઘિક્કાર છે અને એના બાલપણાને ધન્ય છે કે જે હજી સુઘી મને કહે છે કે – ભૂમિ સુખે ભોગવો  અને ખેદ ન કરો. તેમજ પોતાના ગોત્રમાં ઉત્પન્ન થયેલા ગોત્રીયનો દ્રોહ કરનારની જગતમાં કીર્તિ થતી નથી, તથા રાજયદ્રોહ કરનાર શિક્ષાને પાત્ર થાય છે, અને બાળકનોદ્રોહ કરનારની સારી ગતિ થતી નથી. તેથી ગોત્રદ્રોહ, રાજદ્રોહ અને બાળદ્રોહ કરનાર એવા મને ત્રણે પ્રકારના ભય છે. કોઇ હલકો માણસ પણ ન કરે તેવું નિર્દય પાપ અજ્ઞાની એવા મેં કર્યુ છે. તો પણ એવા પ્રકારનાં સર્વ પાપોથી છૂટતા માટે એક જિનેશ્વર ભગવંતે બતાવેલ શુદ્ધ દિક્ષાધર્મ જ શ્રેષ્ઠ છે.
એ પ્રમાણે અજિતસેનરાજા ચારિત્રના ગુણોને ગ્રહણ કરે છે, સંસારરુપી સમુદ્રના દોષોને જુએ છે. તેથી મોહરુપી મહાન અભિમાન નાશ પામ્યો અને સમકિત ઉત્પન્ન કરનારા ભાવની પુષ્ટિ થઇ. અજિતસેનરાજાએ  એ પ્રમાણે ચિંતન કરતા હતા ત્યાં એમના પાપકર્માની ઘણી સ્થિતિ તુટી ગઇ. તેથી કર્મોએ વચમાં માર્ગ આપ્યો. એટલે સમ્યકત્વ પામ્યા. તેના યોગે પૂર્વનો ભવ જોયો, તેથી શુભ ભાવપૂર્વક ચારિત્ર ગ્રહણ કર્યુ.

ચંપાનગરીમાં પ્રવેશ :-
શ્રીપાળરાજાએ અજિતસેન મુનિની સ્તુતિ કરી અને પછી પોતાની ચંપાનગરીમાં પ્રવેશ કર્યો ત્યારે સર્વ લોકોના કલેશોને દૂર કર્યો, તેથી ચંપાનગરી વિશેષ પ્રકારની શોભાવાળી થઇ. તેમજ સર્વ દુકાનોને રેશમી વસ્ત્રો વડે સર્વ બાજુથી ઢાંકીને સુંદર શણગારી નગરના સર્વ સ્ત્રી- પુરુષો શ્રીપાળરાજાનો જય જયકાર કરવા લાગ્યા.
શ્રીપાળરાજાએ પોતાના રાજયમાં અમારીનો પડહ વગડાવ્યો, તેમજ અનેક પ્રકારનાં દાન આપ્યાં અને સર્વ પ્રકારનાં વિવેકને સાચવ્યો, એટલે સુપાત્રદાન, પાત્રદાન, અનુકંપાદાન વગેરે પ્રકારનાં દાન આપી સર્વ જાતનો વિવેક જાળવ્યો અને સમ્યકત્વનું નિશ્વયપણું ટકાવી રાખ્યું. વળી તે શ્રીપાળરાજા ન્યાયમાં રામ જેવા કહેવાયા. તેથી તે સમયે તે રાજહંસ જેવા લાગ્યા અને બીજા રાજાઓ દેડકા જેવા લાગ્યાં.
હવે એવામાં સારા પરિણામવાળા અજિતસેન રાજર્ષિને શુદ્ધ ચારિત્રના અધ્યવસાયથી અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યાર પછી તે અજિતસેન મુનિ તે ચંપાનગરીમાં આવ્યા તેમના આવવાના સમાચાર સાંભળીને રોમાંચિત થયેલ શ્રીપાળરાજા અત્યંત હર્ષ પામ્યા. પછી માતા અને પત્ની સહિત શ્રીપાળરાજા અજિતસેનમુનિને વંદન કરવા આવ્યા અને વંદના કરી પ્રદક્ષિણા દઇને ધર્મ સાંભળવા માટે યથાસ્થાને બેઠા. ધર્મોપદેશનું શ્રવણ અત્યંત દુર્લભ છે.  વળી કદાપિ શ્રુતનું શ્રવણ પામે, તો પણ તત્વની બુદ્ધિ પ્રાપ્ત થવી ઘણી દુર્લભ છે. જેમ બાળકને રમવાની રુચિ સહજ રીતે થાય છે, અને ભણવાની રુચિ કેળવવી પડે છે. જયાં રસ છે ત્યાં રુચિ, તન્મયતા, તદ્રુપતા થતાં વાર લાગતી નથી.

પૂર્વભવનો પરિચય :-
દેશના આપીને જયારે અજિતસેનમુનિ બોલી રહ્યા, ત્યારે શ્રીપાળરાજા અત્યંત વિનયને ઘારણ કરતા આ પ્રમાણે વિનંતી કરવા લાગ્યા. હે ભગવંત ! આપ કહો કે મને બાલ્યાવસ્થામાં કયા કર્મના ઉદયથી ભયંકર રોગ થયો અને વળી ભવાંતરમાં એવા કયા સારાં કર્મો કર્યો હતાં કે જેથી એ રોગ નાશ પણ પામ્યો. તેમજ એવું કયું શુભ કર્મ કર્યુ હતું કે જેના ઉદયે ડગલે ને પગલે જયાં જાઉં ત્યાં ઘણી ઋદ્ધિ મેં પ્રાપ્ત કરી ? વળી કયા દુષ્ટ કર્મના પ્રતાપે મારે સમુદ્રમાં પડવું પડયું ?  તે સર્વ કૃપા કરીને મને કહો.
હવે અજિતસેમુનિ કર્મના વિપાકને કહે છે  જે કંઇ પણ કર્મ બાંઘ્યું હોય તે કર્મ ભોગવ્યા વિના નાશ પામતું નથી. વળી જીવને કર્મના વશથી અધિક કોઇ બળવાન નથી.
આ ભરતક્ષેત્રમાં હિરણ્યપુર નામના નગરને વિષે શ્રીકાન્ત નામનો મોટો રાજા હતો. તે રાજાને શિકાર કરવાનું વ્યસન લાગ્યું. તે કારણથી રાણી રાજાને એકાન્તમાં વારંવાર શિકારથી વારતી હતી. તે શ્રીકાન્તરાજાને સારા ગુણવાળી સમકિત અને શિયળની રેખા સમાન શ્રીમતિ નામની રાણી હતી. અને જૈન ધર્મ ઉપર સારી મતિ હતી અને મનમાં જરા પણ કપટભાવ નહોતો.
તે રાણી રાજાને આ પ્રમાણે વિશેષ પ્રકારની શિખામણ આપતી હતી. હે સ્વામી ! જેની પાછળ નરકનો ભય રહેલો છે, તેવા પ્રકારના શિકાર માટે આપને જવું તે યોગ્ય નથી. વળી  તમે આ જીવહિંસાની જે અનીતી કરવા માંડી છે તે તમારા ખરાબ કૃત્યથી તો આ પૃથ્વી અને હું તમારી પત્ની એમ અમે બંને લજજા પામીએ છીએ. વળી એવા પ્રકારનો ક્ષત્રિયનો સારો વ્યવહાર છે કે જો શત્રુ પણ મુખમાં ઘાસનું તણખલું લે તો તેને જીવતો છોડી મૂકે  છે, તો જે આ મૃગલાં પશુઓ હંમેશા ઘાસનો આહાર કરે છે તેઓને જે શિકારને માટે મારે છે તે તો મુર્ખ જ સમજવા. વળી હિંસાની નિંદા સર્વ દર્શનોમાં સંભળાય છે. માટે કોઇ પણ રીતે હિંસા કરનાર પાપી મનુષ્ય પોતાને દુઃખ ઉત્પન્ન કરે છે અને બીજાને પણ દુઃખ ઉત્પન્ન કરે છે. તેથી હિંસક મનુષ્ય તે પોતાના કુળનો ક્ષય કરનાર છે. આ પ્રકારે ઘણાં ઘણાં વચનો  કહ્યા છતાં પણ રાજાના ચિત્તને વિશેષ કોઇ પ્રકારનો પ્રતિબોધ જાગૃત થયો નહી, કારણ કે જેમ અત્યંત વરસાદ વરસતા છતાં મગશેલીઓ પથ્થર ભીંજાતો નથી. તેમ મુર્ખ માણસને આપેલો ઉપદેશ  ફાયદાકારક ન થતાં ક્રોધ જ ઉત્પન્ન કરે છે.

મુનિવરની આશાતના :-
શિકારનો વ્યસની તે રાજા એક ગહન વનમાં આવ્યો. ત્યાં કાઉસગ્ગ ઘ્યાને ઉભેલા એક મુનિને જોઇને કહેવા લાગ્યો કે – આ કોઇક રોગથી પીડાતો કોઢિયો છે, એને મારો મારો તે સાંભળી ઉલ્લંઠ પુરુષ મોટા ઘાથી મુનિને મારવા લાગ્યા. તે ઉલ્લંઠ પુરુષો જેમ જેમ મુનિને મારે છે તેમ તેમ રાજાને આનંદ આનંદ થાય છે અને મુનિમહારાજ તો મનમાં સમતારસમાં ઝુલે છે.
વળી એક દિવસ રાજા એકલો શિકાર કરવા માટે એક મૃગની પાછળ દોડયો, તેવામાં મૃગલો નદીના કાંઠે રહેલા વનમાં પસી ગયો. ત્યાં જ ભૂલા પડેલા રાજાએ નદીના કિનારે એક મુનિને જોયા, તે જોઇ રાજાએ મુનિને કાનથી પકડીને નદીના પાણીમાં ઝબોળ્યાં. પછી કંઇક દયા આવવાથી રાજાએ મુનિને પાણીમાંથી બહાર કાઢયા. ત્યારબાદ ત્યાંથી ઘેર આવીને રાજાએ સઘળી વાત રાણીને કહી, ત્યારે રાણી કહેવા લાગી કે – બીજા જીવોની હિંસા પણ દુઃખને આપે છે તો ઋષિની હિંસા તો વિશેષ કરી અનંતા ભવો દુઃખને આપનારી છે. ત્યારે રાજા કહેવા લાગ્યા કે – “ હવે ફરીથી આવું કામ કરીશ નહી”
હવે આ વાતને કેટલાક દિવસો વ્યતીત થઇ ગયા. તે વખતે રાણીની શિખામણને ભૂલી ગયેલા એવા રાજાએ ગોખમાંથી એક મુનિને નગરમાં ગોચરી ફરતાં જોયો. રાજા ઉલ્લંઠ પુરુષોને કહેવા લાગ્યો કે – આ ભિક્ષુકે આખી નગરીને વટલાવી દીઘી છે માટે એની ગળચી પકડીને નગરની બહાર કાઢો. ત્યારે રાજાના આદેશથી ઉલ્લંઠ પુરુષો મુનિને નગર બહાર કાઢતા હતા તે ગોખમાં બેઠેલી રાણીએ જોયું. ત્યારે રાણી ક્રોઘાયમાન થઇ રાજાને કહેવા લાગી કે – હે રાજન ! તમે આ શું કરો છો ? તમે તમારા પોતાના બોલેલા વચનને પણ પાળતા નથી ? વળી મુનિને ઉપસર્ગ કરવાથી સ્વર્ગગમન તો અત્યંત દુર્લભ છે, અને તમને તો નરકમાં જવાનું જ મન થયું જણાય છે.

નવપદ આરાઘના :-
એ પ્રમાણેનાં રાણીનાં  વચનો સાંભળી રાજા ઉપશાન્ત થયો અને મુનિને મહેલમાં બોલાવી તેડાવ્યા અને નમસ્કાર કર્યો . પછી રાણીએ મુનિને કહ્યું કે – હે પૂજય ! આ રાજા અજ્ઞાની છે તેથી આપને ઉપસર્ગો કરીને એણે મહાન પાપ બાંઘ્યું છે, માટે તે પાપથી છુટે એવું કંઇક પ્રાયશ્વિત બતાવો. ત્યારે મુનિરાજે કહ્યું કે – હે રાણી ! મહાપાપનું શું પ્રાયશ્વિત હોય ? તો પણ જો એનો ઉલ્લાસવાળો ભાવ હોય તો નવપદજીનો જાપ અને તેમનું સુંદર તપ અને સિદ્ધચક્રજીની આરાઘના કરતાં પાપનો નાશ થાય છે. ત્યાર પછી રાજાએ પૂજા તથા તપની વિઘિને શીખી અને રાણીની સાથે પ્રસિદ્ધ મહિમાવાળા સિદ્ધચક્રજીની આરાઘના કરી ત્યાર બાદ તે તપના ઉઘાપનમાં રાણીની આઠે સખીઓએ અનુમોદના કરી અને સાતસો ઉલ્લંઠ પુરુષોએ પણ રાજાના તપની અનુમોદના કરી.
હવે પછી એક દિવસે રાજા અને સાતસો ઉલ્લંઠ પુરુષો સિંહ રાજાને ગામ ગયાં. ત્યાં ગામને ભાંગીને ત્યાંથી ગાયોના ટોળાને લઇને પાછા ફર્યા. ત્યારે સિંહરાજાએ પાછળથી આવીને તે સાતસો પુરુષોને મારી નાખ્યાં. તેઓ મૃત્યુ પામીને ક્ષત્રિયના કુલમાં ઉત્પન્ન થયા. પરંતુ મુનિને ઉપસર્ગ કરવાથી તે સર્વ કોઢિયા થયા. પુણ્યના પ્રભાવથી તે શ્રીકાંતરાજા મરીને શ્રીપાળ થયો છે અને તારી શ્રીમતિ રાણી તે આ મયણાસુંદરી થઇ છે, તથા કોઢિયાપણું પાણીમાં ડુબવા પણું તમે પામ્યા તે સર્વ મુનિરાજની આશાતનાનાં ગહન ફળ છે. વળી શ્રીમતિ રાણીના વચનોથી તેં સિદ્ધચક્રજીની આરાઘના કરી હતી તેથી આ સર્વ વિશેષ પ્રકારની ઋદ્ધિને પ્રાપ્ત કરી છે તથા આઠ સખીઓએ જે રાણીના તપની અનુમોદના કરી હતી તેથી તેઓ સારા વેષને ઘારણ કરનાર આ તારી નાની પટૃરાણીઓ થઇ છે.

            તારી આઠમી રાણીએ પોતાની શોકયને “તને સાપ ખાઓ” એ પ્રમાણે કહ્યું હતું તેનાથી સર્પ તેને દંશ્યો હતો. ખરેખર ! કરેલું પાપ ભોગવ્યા વિના નાશ પામતું નથી. તથા તે સાતસો ઉલ્લંઠ પુરુષોએ પણ ઘર્મની પ્રશંસા કરી હતી, તેથી તેઓ રાણા થયા છે. વળી જે સિંહરાજાએ સાતસો પુરુષોને માર્યા હતા, તેની હિંસાના પાપથી ભય પામતા એવા તેણે દીક્ષા  લીઘી હતી. પછી એક માસનું અનશન કરીને તે સિંહરાજા ત્યાંથી ચ્યવીને આ હું અજિતસેન રાજા થાય હતો. ગયા ભવમાં તે મારું રાજય લીઘું હતું. વળી પૂર્વ ભવના વૈરથી તે સાતસો રાણાઓએ મને બાંઘીને તારી આગળ લાવીને મૂકયો અને વળી પૂર્વ  ભવના ચારિત્રના અભ્યાસથી મને જાતિ સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું.
ત્યાર પછી જાતિસ્મરણ વડે પૂર્વભવ જોઇ વિચારી મેં સંયમ અંગીકાર કર્યુ અને તે નિરતિચાર ચારિત્રના પાલનથી અવઘિજ્ઞાન પામીને હું અહીં આવ્યો છું. ખરેખર ! જે પ્રાણીએ જેવાં કર્મ કર્યા હોય છે તેને તેવા પ્રકારનાં સુખ દુઃખનાં ફળ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે અજિતસેનમુનિ ની દેશના સાંભળીને શ્રીપાળરાજા મનમાં  ચિંતવવા લાગ્યા કે – અહો ! આશ્વર્ય છે કે સંસારરૂપી નાટકમાં આવા પ્રકારનાં પ્રપંચો પ્રાપ્ત થાય છે. વળી તે વખતે શ્રીપાળરાજા ગુરુ પ્રત્યે કહેવા લાગ્યા કે – હે પુજય ! હમણાં મારામાં ચારિત્ર ગ્રહણ કરવાની શકિત નથી, તો કૃપા કરીને મને ઉચિત ધર્મ બતાવો.
ત્યારે મુનિ ભગવંત પ્રત્યુતર આપવા લાગ્યા કે – હે રાજન ! તું તારી નિશ્વિત ગતિ જો. વળી તારે ભોગકર્મનું ફળ હજુ ઘણું બાકી છે, તેથી આ ભવમાં તને ચરિત્ર ઉદયમાં નથી. પરંતુ નવપદજીની આરાઘના કરવાથી તું નવમાં દેવલોકને પ્રાપ્ત કરીશ. પછી અનુક્રમે મનુષ્ય અને દેવપણાના સુખ અનુભવીને તું નવમાં ભવમાં મોક્ષ પ્રાપ્ત કરીશ.
રાજર્ષિની આ વાત સાંભળી કોને આનંદ ન થાય ? શ્રીપાળ મહારાજાના આનંદનો પણ પાર નથી. આચાર્ય ભગવંતે પછી વિશેષ પ્રકારે ધર્મારાધનાનું માર્ગદર્શન આપ્યું. મયણાએ કહ્યું કે – તે વખતે આપણી પાસે વિશેષ સમૃઘ્ધિ ન હતી. તેથી તે વખતે જે શકિત હતી તે મુજબ આરાઘના કરી હવે નવપદ પ્રભાવે વિપુલ સમૃદ્ધિ મળી છે, તો ઊંચામાં ઊંચી આરાઘના કરી લેવા જેવી છે. આ વાત સાંભળીને શ્રીપાળે એનો આદર પૂર્વક સ્વીકાર કર્યો અને ઉત્તમ પ્રકારે નવપદની આરાઘના અને ઉજમણું કેવું કર્યુ તે ટુંકમાં જોઇએ.

આરાઘના અને ઉજમણું :- 

અરિહંત પદની આરાઘના નિમિતે: દ્રવ્યભકિતઃ નવ નવા જિનમંદિરનું નિર્માણ કર્યુ. નવ નવી પ્રતિમાઓનું નિર્માણ કર્યુ. નવ જિનમંદિરોના જીર્ણોદ્રાર કરાવ્યા. વિવિધ ભકિતના મહોત્સવો કર્યા. આ રીતે અરિહંત પદની દ્રવ્ય ભકિત કરી.
સિદ્ધ ભગવંતની આરાઘના નિમિતે: સિદ્ધ ભગવંતની પ્રતિમાઓનાં નિર્માણ કરાવ્યાં. તેમની ત્રિકાળ પૂજા- ભકિત કરી, તેમના ઘ્યાનમાં લીન બન્યા.
આચાર્યપદની આરાઘના નિમિતે : આચાર્ય ભગવંતની ભકિત, બહુમાન, વૈયાવચ્ચ , જિનવાણીનું શ્રવણ, તેમના દરેક કાર્યમાં ઉઘમશીલ બન્યાં.
ઉપાઘ્યાય પદની આરાઘના નિમિતે : ઉપાઘ્યાય ભગવંતને સ્થાન, આસન, નિર્દોષ વસ્તુનું પ્રદાન કર્યુ. સ્વાઘ્યાય યોગ્ય ભૂમિ મળે તો જ શિષ્યોને ભણાવી શકે. આગમ વાંચવા હોય, વંચાવવા હોય, ચારે બાજુ વસતિ જોવી પડે. ચારે બાજુ સો- સો ડગલાં સુઘી પંચેન્દ્રિય જીવના કલેવર ન હોય. અંતરાયવાળા બહેન ન હોય એ વસતિ શુદ્ધ કહવાય. આવી શુદ્ધ વસતિ વગેરે આપી ભકિત કરી, ઉપાઘ્યાય ભગવંત સાઘુઓને ભણાવી શકે તેવી તમામ સામગ્રી તેમને પુરી પાડી દ્રવ્ય ભાવ ભકિત કરી.
સાઘુ ભગવંતની આરાઘના નિમિતે : સાધુ ભગવંતને વંદના કરવી, નમસ્કાર કરવા, તેમને લેવા જવું , મુકવા જવું. નિર્દોષ વસ્ત્ર – જલ- અત્ર આદિનું પ્રદાન કરે છે.
સમ્યગ્દર્શનની આરાઘના નિમિતે : રથયાત્રા મહોત્સવ, તીર્થયાત્રા મહોત્સવ, સંઘપુજા, શાસન પ્રભાવાના,  દર્શન શુદ્ધિ માટે આ બઘા કાર્યો વિશિષ્ટ રીતે કર્યા.
સમ્યગ્જ્ઞાનની આરાઘના નિમિતે : સિદ્ધાંતો લખવા- લખાવવા, ગ્રંથ – આગમો તૈયાર કરવા, જ્ઞાનની સામગ્રી પૂરી પાડવી. પાંચ પ્રકારનો સ્વાઘ્યાય કરવો. સમ્યગ્જ્ઞાનની આરાઘના માટે આ બઘું કર્યું.
ચારિત્રપદની આરાઘના નિમિતે : શકિત મુજબ વ્રત-નિયમો પાળનારની ઉત્તમ પ્રકારે ભકિત , યતિધર્મનો અનુરાગ દૃઢ બનાવી ચારિત્ર પદની આરાઘના કરી.
તપપદની આરાઘના નિમિતે : છ પ્રકારના બાહ્ય તપ, છ પ્રકારના અભ્યંતર તપ, આશંસા રહિત થઇ કર્યા. ધર્મના પ્રભાવે આ લોકમાં કે પરલોકમાં ભૌતિક સુખ મેળવવાની ભાવના એ આશંસા છે, આ આશસાંથી કરેલો તપ ભવની પરંપરાને વઘારે છે માટે , આશાંસાથી રહિત તપ કર્યો.
ભાવભકિત: સાથો સાથ દ્રવ્ય-ગુણ-પર્યાયોર્થી નવપદોનું ચિંતન કર્યુ. ઘ્યાન ધર્યુ, આમ શ્રીપાળ મયણાએ નવપદોની ભાવભકિત કરી.
તપસ્વીનાં પારણાં – અત્તરપારણાં કરાવ્યાં. ઉલ્લાસ વઘે તેમ સુવિઘા આપી. આ  રીતે દ્રવ્ય- ભાવથી અખંડ સાડા ચાર વર્ષ સુઘી આરાઘના કરી. આરાઘના પૂરી થઇ, સિદ્ધચક યંત્રનું માંડલું બનાવી વિશિષ્ટ પૂજન કર્યા.

આજે તો અરિહંત પદ માટે ચોખાનું , સિદ્ધ પદ માટે ઘઉંનું, આચાર્ય પદ માટે ચણાની દાળનું, ઉપાઘ્યાય પદ માટે મગનું, સાઘુ પદ માટે અડદનું, દર્શન,જ્ઞાન, ચારિત્ર અને તપ પદ માટે ચોખાનું આમ ધાન્યથી નવપદનું માંડલું કરાય છે. પણ શ્રીપાળ મહારાજાએ દરેક પદોની ભકિત માટે તે તે વર્ણનાં રત્નો મેળવી, એ રત્નોના સમર્પણ દ્વારા માંડલાનું નિર્માણ કર્યુ હતું. તેતે વર્ણનાં મૂલ્યવાન કિંમતી રત્નો મેળવી પૂજનની વિધિ કરી. આ રીતે આરાઘનામાં દિવસો વિતાવતાં આયુષ્ય પરિપૂર્ણ થવા આવ્યું. તે વખતે શુભઘ્યાનમાં દેહનો ત્યાગ કરી નવમાં ‘આનત’ નામના દેવલોકમાં ગયા. ત્યાથી અનુક્રમે મનુષ્ય – દેવના ભવો કરી નવમાં ભવે મોક્ષમાં જશે.
Share this article :

Post a Comment

Note: only a member of this blog may post a comment.

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2011. જિનભક્તિ - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger