સમ્મેતશિખરજી

Thursday 22 November 20120 comments


"સમ્મેત શિખર વંદુ જિન વીસ, અષ્ટાપદ વંદુ ચોવીશ"

આ ઉલ્લાસ પૂર્વક બોલતા આપણી સમક્ષ એક મહાન શાસ્વત ભૂમિ હૃદય પટ પર કોતરાઈ જાય છે.

જે પહાડ પર યાત્રા કરતા 20 તીર્થંકરોના નિર્વાણ કલ્યાણકથી સિદ્ધ થયેલ ભૂમિની સ્પર્શના કરતા જીવ સમ્યક્ત્વને પામે છે, નિર્મળ કરે છે અથવા દ્રઢ કરે છે. આથી તેનું  નામ સમ્મેત શિખર પડેલ છે. કાળક્રમે તેઅપભ્રંશ થઈ તે સમેતશિખરજી તરીકે ઓળખાય છે. આ સર્વોપરી તીર્થ સમ્મેતશૈલ, સમ્મેતાચલ, સમ્મેતગીરી ,સમ્મેતશિખર,સમાધિગીરી, મલય પર્વત અને શિખરજી આદિ નામોથી ઓળખવામાં આવતું હતું. હાલમાં આ તીર્થ શ્રી સમ્મેતશિખર અને પારસનાથ પહાડના નામથી ઓળખાય છે.

વર્તમાન ચોવીશી ના પ્રથમ શ્રી ઋષભદેવ ભગવાન અષ્ટાપદ પર્વત ઉપર, બારમા શ્રી વાસુપૂજ્યસ્વામી ચમ્પાપુરીમાં, બાવીશમા શ્રી નેમિનાથ ભગવાન ગીરનાર પર્વત ઉપર અને ચોવીશમા શ્રી મહાવીરસ્વામી પાવાપુરીથી મોક્ષે ગયા.આ સિવાયના 20 તીર્થંકરો શ્રી સમ્મેતશિખર પહાડ ઉપરથી મોક્ષે ગયા.

♣શ્રી સમ્મેત શિખરજીનો સંક્ષિપ્ત ઈતિહાસ :-

તીર્થંકરોના નિર્વાણ બાદ ઇન્દ્રો દ્વારા તે સ્થળે વિશાળ જિન પ્રાસાદો બંધાયા હતા. કાળની અસર થતા તેમાં અવારનવાર જીર્ણોદ્ધાર થતા રહયા. અંતિમ જીર્ણોદ્ધાર શ્રી શ્રેણિક મહારાજાએ કરાવ્યો હતો. તે પણ કાળની થાપટો માં નામશેષ થતા ભગવાનના નિર્વાણ કલ્યાણકોના સ્થળ નક્કી કરવાનું કામ મુશ્કેલ થઈ ગયું હતું.

એમ કેટલાયે વરસો વીતી ગયા. દમિયાનમાં જગતશેઠ ખુશાલચંદ મુર્શિદાબાદથી હાથી પર બેસી વારંવાર શિખરજી યાત્રાએ આવતા. મંદિરો જીર્ણ થતા પરમાત્માના મૂળ નિર્વાણ સ્થળની ખબર પડતી ન હતી. પં. શ્રી દેવવિજયજી ગણિની  પ્રેરણાથી અઠ્ઠમ તપની આરાધના કરી. તીર્થનું નવનિર્માણ કરાવવાના આશયથી કરેલી તપશ્ચર્યાના ફળરૂપે પદ્માવતી દેવીએ સ્વપ્નમાં જણાવ્યું કે "જ્યાં કેસરના સાથીયા દેખાય તે ચોક્કસ સ્થળોને ભગવાનનું નિર્વાણસ્થાન સમજવું. તે સ્થાનમાં કુદરતી રીતે થયેલા સાથીયાઓની સંખ્યા પ્રમાણે તે સંખ્યાના આંક પ્રમાણે તે તીર્થંકરનું નિર્વાણસ્થાન જાણવું." શાસન દેવીના આદેશ અનુસાર વીસ તીર્થંકરોના કલ્યાણકના ચોક્કસ સ્થાન નક્કી થયેલ છે. તે મુજબ દેરીઓ બનાવી તેમાં ભગવાનના ચરણપાદુકાની સ્થાપના કરેલ છે.(સં 1803 - 1840)

"એક વાર વંદે જો કોઈ, તાકો નરક પશુગતિ નહીં હોઈ !" - પં. દ્યાનતરાયજી 
કોઈ ભવ્ય જીવ ભાવસહિત આ તીર્થરાજની યાત્રા - વંદના કરે તો એને 50 ભવ પણ ના કરવા પડે. ક્ષેત્રનો પ્રભાવ એવો છે કે 49 ભવમાં જ એ ભવ્ય જીવને મોક્ષ ગતિ પ્રાપ્ત કરાવી દે.

પહાડ યાત્રા:- મધુવનથી એક ફર્લાંગ દુર શ્રી સમ્મેતશિખરજીનો પવિત્ર પહાડ આવેલ છે. પહાડની ઊંચાઈ 4500 ફૂટ ની આસપાસ છે.
  1. તીર્થની યાત્રા માં 6 માઈલ ચઢાવ, 6 માઈલ ઉપર ચાલવું અને 6 માઈલ ઉતરવું પડે છે.
  2. પહાડ ચઢતા ટોર્ચ, શાલ-સ્વેટર, લાકડી સાથે રાખવા પડે છે.
  3. ગીરીરાજ ઉપર અમુક અંતરે પીવાના પાણીની વ્યવસ્થા છે.
  4. યાત્રામાં 12-14 કલાક જેટલો સમય લાગે છે. 
  5. યાત્રા ભોમીયાજીના દર્શન કરીને શરૂ કરવામાં આવે છે. 
ભોમીયાજીના દર્શન કરીને આગળ વધતા ગીરીરરાજનું ચઢાણ શરૂ થાય છે. 2 માઈલે ગાંધર્વ નાળું આવે છે.આગળ વધતા બે માર્ગ આવે છે. ડાબા હાથનો રસ્તો જળમંદિર તરફ અને ગૌતમસ્વામીજીની ટુંક તરફ જાય છે. જમણા હાથનો રસ્તો ડાક બંગલા થઈને શ્રી પાર્શ્વનાથ ભગવાનની ટુંક તરફ જાય છે. 

ડુંગર ઉપર હાલ 31 ટુંકો આવેલી છે. જેમાં 20 તીર્થંકર ભગવાનની, જે અહીંથી મોક્ષે ગયેલા છે, તેમની સ્મૃતિ રૂપે તે સ્થળે તેમના પદુકાજી સ્થાપન કરેલ છે. 4 શાશ્વતા જિન શ્રી ઋષભાનનસ્વામી, શ્રી ચંદ્રાનનસ્વામી, શ્રી વારિષેણસ્વામી અને વર્ધમાનસ્વામીની ચાર ટુંકો છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુના પ્રથમ ગણધર  શ્રી શુભસ્વામી અને  શ્રી મહાવીરસ્વામીના પ્રથમ ગણધર  શ્રી ગૌતમસ્વામીની બે ટુંકો છે. 19મી ટુંક જળમંદિરની છે. જ્યાં શ્રી શામળીયા પાર્શ્વનાથ ભગવાનનું જીનાલય છે. અહીં પૂજા માટે કપડા તથા સ્નાન માટે ગરમ પાણીની સગવડ છે. 


Share this article :

Post a Comment

Note: only a member of this blog may post a comment.

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2011. જિનભક્તિ - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger