અંતરીક્ષજી

Tuesday 15 January 20130 comments


સમગ્ર વિશ્વમાં સર્વોપરિ સ્થાન શ્રીઅરીહંત પરમાત્માનું છે. અરીહંત પરમાત્માની ભક્તિથી મોક્ષ સુધીના તમામ સુખોની પ્રાપ્તિ થાય છે. વર્તમાન કાળમાં અરીહંત પરમાત્માઓમાં પણ ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ પરમાત્માનો પ્રભાવ વિશેષ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે.

ગુજરાતમાં જેમ શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનો પ્રભાવ છે, તે જ રીતે મહારાષ્ટ્રમાં અંતરીક્ષજી પાર્શ્વનાથનો પ્રભાવ વિશ્વપ્રસિદ્ધ છે. અંતરીક્ષ-આકાશમાં અદ્ધર રહેવાથી પરમાત્મા "અંતરીક્ષજી"ના નામે વિશ્વપ્રસિદ્ધ છે.ધરણેન્દ્ર પદ્માવતીએ પોતે જ પરમાત્માને આકાશ માર્ગથી લાવીને દેરાસરમાં સ્થાપિત કર્યા હતા. આજે પણ પરમાત્માની 42" ઇંચની પ્રતિમાની આકાશમાં નિરાલંબન સ્થિતિથી જ પરમાત્માના અધિષ્ઠાયકોની ઉપસ્થિતિ સિદ્ધ થાય છે.

આવા પરમ પાવન, પ્રગટ પ્રભાવી, અત્યંત મહિમાશાળી, પ્રાચિનતમ, ઐતિહાસિક, વિશ્વ પ્રસિદ્ધ અજાયબી સ્વરૂપ તીર્થનાં આધિપતિ શ્રી અંતરીક્ષજી પાર્શ્વનાથ ભગવાનના સીમાંતીત વર્ણન શબ્દોમાં કરવું અસંભવ છે. માટે નજરોથી જોવા તથા આત્માથી પામવા માટે તીર્થભુમી પર આપનું આગમન અનિવાર્ય છે.


વીસમા તીર્થંકર શ્રી મુનિસુવ્રતસ્વામીના શાસનકાળમાં રાવણ નામના પ્રતિવાસુદેવ થયા. તેમની બહેન સુપર્ણખાના પતિ પાતાળ લંકેશ રાજા ખર રાવણના સેવક રાજા હતા. રાજ્યના કામ માટે વિમાન દ્વારા આકાશમાર્ગે નીકળ્યા.ભોજનનો સમય થતા હિગોલી નગરની પાસે રહેલા જંગલમાં વિમાન ઉતાર્યું. સ્નાન વગેરે કરી પૂજા માટે તૈયાર થયા અને સેવકને જિન-પ્રતિમા લાવવાનો આદેશ કર્યો. પરંતુ પ્રવાસમાં હમેશા સાથે રહેનારી પ્રતિમા મહેલમાં રહી ગયેલી. હમેશા જિન-પૂજા પછી જ ભોજનના નિયમના પાલન માટે ખર રાજાએ પ્રતિમા બનાવવા માટી અને ગોબર ભેગા કરી શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા બનાવી, નવકારમંત્ર થી જિનેશ્વર પરમાત્માની સ્થાપના કરી પૂજા કરી. કોઈ પણ રીતે આશાતના ના થાય એ આશયથી પ્રતિમાને કુવામાં વિસર્જિત કરી, પછી ભોજન કાર્ય પતાવી, રાજાએ આગળ પ્રસ્થાન કર્યું .કુવામાં રહેલ દેવે તે પ્રતિમાને પવિત્ર-પુંજની જેમ ધારણ કરી વજ્ર જેવી બનાવી તથા ભક્તિથી જિન-પ્રતિમાની પૂજા કરતા રહ્યા.


એલચપુર(અચલપુર) નગરના ચંદ્રવંશીય રાજા શ્રીપાલને પાપ કર્મના ઉદયથી એક દિવસ કોઢ રોગ પ્રકટ થયો. જેની પીડાથી રાજા વારંવાર મૂર્છિત થવા લાગ્યો. વિવિધ ઔષધ-ઉપચાર કરવા છતાં પણ રોગથી શાંતિ ના થઈ. એક દિવસ રાજા રાજ્યમાં ભ્રમણ કરવા માટે નીકળ્યો. રાજા પાણીની શોધમાં એક આમલીના ઝાડ નીચે રહેલા કુવાની પાસે આવ્યો(જે કુવામાં શ્રી પાર્શ્વ પ્રભુની પ્રતિમા હતી). તે કુવાના પાણીથી રાજાએ હાથ,પગ,મુખ ધોયા અને સ્વચ્છ પાણી પીને પોતાની છાવણીમાં પાછો ફર્યો.
પ્રત્યેક રાત્રીમાં માછલીની જેમ તડપતો રાજા આજે શાંતિથી નિંદ્રાધીન થઇ ગયો. સવારે જાગેલા રાજાના હાથ, પગ, મુખને રોગ રહિત જોઇને રાણીએ કારણ પૂછ્યું, તથા કારણ જાણીને કુવાના પાણીથી સંપૂર્ણ સ્નાન કરીને નીરોગી બનવા જણાવ્યું. રાજાએ તે જ પ્રમાણે કર્યું અને શરીર સુવર્ણ જેવું બની ગયું.


આ ઘટનાથી આશ્ચર્યચકિત થઇને રાજા-રાણીએ અન્ન-જલ ત્યાગ કરીને કુવાના અધિષ્ઠાયક દેવની આરાધના શરુ કરી અને દર્શન આપવાની પ્રાર્થના કરી. રાજાને દ્રઢ નિશ્ચય વાળો જોઈ ત્રીજા દિવસે દેવતાએ  પ્રસન્ન થઇ  રાજાને પ્રતિમાના સ્પર્શથી પવિત્ર થયેલા જળથી સ્નાન કરવાનો ચમત્કાર બતાવ્યો. વધુમાં જણાવ્યુકે પાર્શ્વનાથ ભગવાનના સ્પર્શથી શ્વાસ, કાસ, તાવ, કોઢ વગેરે દૂર થાય છે. દ્રષ્ટિહીનને દ્રષ્ટિ, બહેરાને કાન, મૂંગાને વાચા, અપંગને પગ, વિર્યહીનને મહાવીર્ય, નિર્ધનને ધન,પત્ની વિનાને પત્ની, પુત્ર વિનાને પુત્ર, રાજ્ય વિનાને રાજ્ય,વિદ્યાર્થીને વિદ્યા મળે છે. ભૂત, વેતાળ, ડાકણ, શાકણ વગેરે દૂર રહે છે. દુષ્ટ ગ્રહો શાંત થાય છે. બધા જ મનોરથો પૂર્ણ કરનાર કળિયુગમાં રત્ન ચિંતામણી જેવા પરમાત્માનું શું વર્ણન કરવું? હું નાગરાજ ધરણેન્દ્રનો સેવક છું, તેમની અજ્ઞાથી અહી રહીને પરમાત્માની ઉપાસના કરું છું. આ સાંભળી રાજાએ તે પ્રતિમાની યાચના કરી, પરંતુ તે દેવે ના પાડતા કહ્યું કે, મૂર્તિ સિવાય બધી જ ઈચ્છાઓ પૂરી કરી આપું. તે પછી રાજાએ મૂર્તિની પ્રાપ્તિ વિના ઉપવાસ નહિ છોડવાનો નિર્ધાર કર્યો.


આ રીતે અન્ન-જલ ત્યાગ કર્યે સાત દિવસ વીતી ગયા, પછી ધરણેન્દ્ર દેવે સ્વયં પ્રગટ થઈ કહ્યું "હે રાજન, તમે હઠ શા માટે કરો છો? આ મહાચમત્કારિક મૂર્તિની પૂજા તું નહિ કરી શકે,હવે તું તારા ઘરે ચાલ્યો જા. તારો રોગ દૂર થઇ ગયો, તારું કામ સિદ્ધ થઇ ગયું." ત્યારે રાજાએ કહ્યું કે "હે ધરણેન્દ્ર દેવ! હું સ્વાર્થી નથી. મારું કામ પૂરું થઇ ગયું તો શું થયું, આખી દુનિયાના ભલા માટે મને આપ આ પરમાત્માની પ્રતિમા આપી દો. પ્રતિમા લીધા વિના મારા પ્રાણ જાય તોયે હું અહીંથી પાછો જઈશ નહિ."


આ પછી દ્રઢ નિશ્ચયી સાધર્મિક રાજાને દેવે કહ્યું "હે રાજન! હું તારી ભક્તિથી પ્રસન્ન થયો છું, આથી પ્રાણોથી પ્યારી આ પ્રતિમા હું દુનિયાના ઉપકાર માટે તને જરૂર આપીશ, પણ તેની આશાતના ના થાય તે વાતનું ખાસ ધ્યાન રાખજે, નહિતર મને ખુબ દુ:ખ થશે." આ વાત રાજાએ સ્વીકારી લીધી, ત્યારે ધરણેન્દ્ર દેવે કહ્યું કે "હે રાજન! સવારે સ્નાનાદી કરી કુવા પાસે આવી, નાની પાલખી બનાવી,તેને કાચા સુતરના દોરથી બાંધી કુવામાં ઉતારજે. હું તેમાં પ્રતિમા મૂકી દઈશ, ત્યારબાદ તેને બહાર કાઢી, વધાવીને તેને નાડીરથમાં પ્રસ્થાપિત કરજે. રથ સાથે સાત દિવસના જન્મેલા વાછરડાને જોડીને તું આગળ સાથે ચાલજે. રથ જાતે તારી સાથે પાછળ આવશે. પરંતુ જતી વખતે તું પાછળ ફરીને જોઈશ નહિ, નહીતર આ પ્રતિમા ત્યાં જ અટકી જશે. પંચમ કાળ હોવાને લીધે અદ્રશ્ય રૂપે હું આ મૂર્તિને અધિષ્ઠિત રહીશ અને ઉપાસકોના મનોરથો પૂર્ણ કરીશ." આટલું બોલી ધરણેન્દ્ર દેવ ચાલ્યા ગયા.


સવારે આજ્ઞા અનુસાર રાજાએ કર્યું અને મૂર્તિને લઈને અચલપુર તરફ પ્રયાણ કર્યું.વચ્ચે માર્ગમાં આવતા રથ વિષે શંકા જાગી, તેણે અધીરાઈથી પાછળ જોયું, તે સમયે રથ આગળ નીકળી ગયો અને મૂર્તિ ત્યાં વટવૃક્ષ નીચે સાત હાથ અધ્ધર આકાશમાં સ્થિર થઇ ગયી.


માર્ગમાં પ્રતિમા સ્થિર થવાથી રાજા ખુબ દુ:ખી થયો, ફરીથી આરાધના કરી ધરણેન્દ્ર દેવને વિનંતી કરી. ધરણેન્દ્ર દેવે કહ્યું "આ પ્રતિમા હવે અહીં જ રહેશે." રાજાએ ધરણેન્દ્ર દેવની સુચના અનુસાર રંગમંડપથી સુશોભિત વિશાળ મંદિર બનાવ્યું. મંદિર જોઇને રાજાને મંદિર અને પરમાત્માની સાથે પોતનું નામ વિશ્વમાં અમર થવાનું મિથ્યાભિમાન જાગ્યું.  આથી પ્રતિષ્ઠા કરવા રાજાએ જયારે પરમાત્માને મંદિરમાં પધારવા વિનંતી કરી ત્યારે તે નિષ્ફળ રહ્યો. ત્યારે ધરણેન્દ્ર દેવ પણ રાજાના બોલાવવા છતાં હાજર થયા નહિ.

આ ઘટનાથી દુ:ખી રાજાના પ્રશ્નના ઉત્તરમાં મંત્રીએ કહ્યું "હે રાજન! હવે એક જ ઉપાય છે. સર્વ શાસ્ત્ર વિશારદ,રાજાઓના વંદનીય, દેવતાઓની સહાયતાવાળા, મલ્લધારી મહાપદથી વિભૂષિત અભયદેવસૂરી નામના એક આચાર્યશ્રી છે. ગયા વર્ષે ખંભાતથી સંઘ સાથે માણીકય દેવની યાત્રા કરવા માટે કુલપાકજી તીર્થ પધાર્યા છે. અત્યારે તેઓ દેવગીરી-દૌલતાબાદમાં બિરાજે છે. તેઓ જો અહી બિરાજે તો આપણું ઈચ્છિત પૂર્ણ થાય. રાજાની આજ્ઞા લઇ મંત્રી આચાર્યશ્રી પાસે પહોંચ્યા. તેઓ આચાર્યશ્રીને લઈને ત્યાં આવી પહોંચ્યા. આકાશમાં નિરાલંબ રહેલી પ્રતિમા જોઇને આચાર્યને પણ આશ્ચર્ય થયું. રાજાના મોઢે આખી ઘટના સાંભળી આચાર્યશ્રીએ ત્રણ દિવસના ઉપવાસ કરીને ધરણેન્દ્ર દેવને આહ્વાન કર્યું. ધરણેન્દ્ર દેવે આવીને આચાર્યશ્રીને કહ્યું "રાજાના મીથ્યાભીમાનના કારણે રાજાના મંદિરમાં પરમાત્મા હવે પ્રવેશ નહિ કરે, પરંતુ જો સંઘનું મંદિર બનાવવામાં આવે તો ત્યાં પ્રતિમા પ્રવેશ કરશે."




ધરણેન્દ્રની વાત સાંભળી આચાર્યશ્રીએ સંઘને સુચન કર્યું અને સંઘે તરત આચાર્યશ્રીની આજ્ઞા અનુસાર જિનમંદિર બનાવ્યું. ત્યાર પછી આચાર્ય દ્વારા પ્રાર્થના કરવાથી દેવતાઓથી સંક્રમિત શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાએ બધા લોકોની સામે આકાશમાંથી ઉતરીને શ્રાવકોએ બનાવેલા જિનાલયમાં પ્રવેશ કર્યો. જિનાલયમાં પણ પ્રતિમા જમીનથી સાત આંગળ અધ્ધર જ રહી. વી.સં. 1142ના મહા સુદ - પાંચમને રવિવારે વિજય મુહુર્તે આચાર્યશ્રીએ પશ્ચિમ દિશા સન્મુખ પ્રતીમાજીની પ્રતિષ્ઠા કરી. તીર્થરક્ષાહેતુ જમણી બાજુ શાસનદેવની પણ સ્થાપના કરી. (રાજાનું જે મંદિર ખાલી રહ્યું તે "પવલી મંદિર"ના નામથી પ્રસિદ્ધ થયું.) પ્રતિષ્ઠા સમયે શ્રીપાલ રાજાએ પરમાત્માને અનેક રત્નોથી સુશોભિત મુગટ, કુંડળ, હીરાની તિલક, મોતીનો હાર, સોનાની આંગી અને અમૃત વરસાવનારા ચક્ષુ ચઢાવ્યા. શ્વેત છત્ર અને તેજોમય ભામંડળની સ્થાપના કરી તથા અજ્ઞાનના અંધકારને દૂર કરનારી આરતી ઉતારી.


આચાર્યશ્રીએ રાજાના મસ્તક ઉપર વાસક્ષેપ કરીને "સંઘ પતિ"ની પદવી આપી. ત્યારબાદ રાજાએ ત્યાં નગર વસાવ્યું. શ્રીજી(પ્રભુ)નો વાસ હોવાથી તે નગરનું નામ "શ્રીપુર" રાખવામાં આવ્યું. જે કુવામાંથી પ્રતિમાજી કાઢવામાં આવ્યા હતા, તે કુવા પર રાજાએ એક કુંડ બનાવડાવ્યો, જેથી તે પવિત્ર જળથી પ્રાણી માત્ર ઉપર ઉપકાર થતો રહે.


એકવાર શ્રી ભાવવિજયજી ગણી નામના શ્વેતાંબર મુનિ મહાત્મા સંઘની સાથે આ તીર્થની યાત્રા કરવા આવ્યા. તેમની બંને આખોની ગયેલી દ્રષ્ટિ અંતરીક્ષ પાર્શ્વનાથ પ્રભુના પ્રભાવથી પાછી મળી. ત્યારબાદ શાસન દેવતાની સૂચના અનુસાર મહાત્માની પ્રેરણાથી જિનાલયનું વિસ્તૃતીકરણ સહિત પુન:નિર્માણ થયું.  વી.સં. 1715 ના ચૈત્ર સુદ - 6 ને રવિવારના શુભ દિવસે અંતરીક્ષ પાર્શ્વનાથ પ્રભુની પુન: પ્રતિષ્ઠા પૂર્વ દિશા સન્મુખ થઇ. ત્યારે પરમાત્મા જમીનથી કેવળ એક જ આંગળ અધ્ધર રહ્યા.(ભૂગર્ભમાં રહેલા અંતરીક્ષ પાર્શ્વનાથ પ્રભુના મંદિરમાં બીજું એક ભૂગર્ભ છે. જેમાં પહેલા શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથ પ્રભુ પશ્ચિમ દિશા સન્મુખ બિરાજમાન હતા, ત્યાં આજે બીજા અધિષ્ઠાયક દેવ બિરાજમાન છે. પુન: પ્રતિષ્ઠા કરાવનાર ભાવવીજયજી ગણીના ગુરુ શ્રી વિજય દેવસુરીજીના પાદુકા બિરાજમાન છે.)

17મી સદીના ઉત્તરાર્ધમાં શિવાજી મહારાજે મોગલોથી મંદિરની રક્ષા કરવા માટે પોલકર(યાદવ) જાતિના ચાર સરદારોને મોકલ્યા ત્યારથી આ મંદિરનો વહીવટ પોલકરોએ સંભાળ્યો. કેટલાક સમય બાદ પોલકરોના વહીવટમાં શીથીલતા આવી. મંદિરનો વહીવટ પોતાના હાથમાં લઇ તેને વ્યવસ્થિત કરવાના હેતુથી શ્વેતાંબરોએ પ્રયત્નો શરુ કર્યા. તે વખતે દિગંબર જૈન સમાજના લોકો પણ પરમાત્મા પ્રત્યે ભક્તિભાવ રાખતા હતા, તેથી તેમની મદદ લઇ વી.સં. 1959માં (તા. 10/09/1903ના દિવસે) શ્વેતાંબરોએ પોલકર પૂજારીઓ પાસેથી અલંકાર સહિત તીર્થને કબજામાં લીધું.
Share this article :

Post a Comment

Note: only a member of this blog may post a comment.

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2011. જિનભક્તિ - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger