ચાણસ્મા - શ્રી ભટેવા પાર્શ્વનાથ જિનાલય - 2

Saturday 15 June 20130 comments

ચંદ્રાવતીનગરી (આજનું ચાણસ્મા)માં આવેલી ભટેવા પાર્શ્વપ્રભુની મૂર્તિ:- પૂર્વ આજ ચંદ્રાવતી નગરીમાં રવચંદ શેઠ નામના એક ધર્માત્મા પ્રતિદિન પ્રભુભક્તિમાં લીન રહેતા હતા,પૂર્વના અશુભ કર્મો નો ઉદય થવાથી તેઓ ખુબજ મુશ્કેલીમાં પોતાનું જીવન પસાર કરતાં હતા.એક દિવસ પ્રતિક્રમણ આદિ ક્રિયા કરી નવકારમંત્રનું સ્મરણ કરી પથારીમાં ભર નિંદ્રામાં પોઢી ગયા હતા,મધ્ય રાત્રીએ સુંદર સ્વપ્ન આવ્યું.તેમાં તેમને જોયુકે મારી સામે એક યક્ષદેવ ઉભા છે,અને કહી રહ્યા છે રવચંદ શેઠ ! સાબદા બનો આજથી તમારું દુઃખ દુર થયું સમજો !

અહીંથી પૂર્વ દિશામાં આવેલ ઇડર ગામ છે,તેની દક્ષિણ દિશામાં રહેલ વન ના ભૂગર્ભ માં શ્રી ભટેવા પાર્શ્વપ્રભુની મૂર્તિ છે,ત્યાં તમારે રથ લઈને જવાનું અને ભૂગર્ભ માંથી એ પાર્શ્વનાથ પ્રભુની બહાર કાઢી રથ માં પધરાવી અહી લાવી એક વિશાલ નૂતન જિનમંદિર બંધાવી તેમાં પધરાવવાની છે.આવો અત્યુત્તમ લાભ અવશ્ય તમને મળવાનો છે.આ પ્રમાણે કહી દેવ અદ્રશ્ય થઇ ગયો.

રવચંદ શેઠ નિંદ્રા ત્યજી જાગૃત થયા.આવેલ સુંદર સ્વપ્નનો સાર વિચારવા લાગ્યા.રાઈ પ્રતિક્રમણ કર્યા બાદ પ્રાત:કાલે સ્નાન કરી.પ્રભુજીની અષ્ટ પ્રકારી પૂજા કરી. અન્ય આગેવાન શ્રાવકોને સ્વપ્નની વાત થી વાકેફ કર્યા.એ સાંભળી સર્વને આનંદ થયો.

પ્રભુજીને પધરાવવા યોગ્ય બધી પૂજન-સામગ્રી એકઠી કરી,રવચંદ શેઠ અને અન્ય ત્રણ શ્રાવકો રથમાં બેસી જ્યાં ભટેવાનગર છે,ત્યાં આવી પહોચ્યા.સ્વપ્ન આપનાર યક્ષદેવનું પુનઃ સ્મરણ કર્યું. તુરંત યક્ષ પ્રગટ થયા અને તેમને દક્ષિણ દિશામાં આવેલા વનમાં જવા સૂચવ્યું,ત્યાં એક મોટું સરોવર છે,તેના કિનારે અશોક્વ્રુક્ષની નીચે,  સફેદ સર્પ નૃત્ય કરતો હશે,તેની નજીક માં રહેલા મોતીના સ્વસ્તિક નીચે ભટેવા પાર્શ્વપ્રભુની પ્રતિમા છે,અન્ય ત્યાં હીરા,મણિ,માણેકની ખાણ પણ છે.

યક્ષદેવની વાત સાંભળી સૌ હર્ષોલ્લાસ સાથે એ સ્થળે પહોચ્યા.બરાબર એવુજ દ્રશ્ય દેખાયું.શુદ્ધ વસ્ત્રો ધારણ કરી, જળ અને ચંદનનો છંટકાવ કરી પુષ્પ ચઢાવી ભૂમિ પૂજન કર્યું.અને મંત્રોચ્ચાર વચ્ચે શેઠે ખોદકામ શરુ કર્યું.જોત જોતામાં શ્રી ભટેવા પાર્શ્વ પ્રભુના દર્શન થયા.................

સૌ આનંદ વિભોર બન્યા.રવચંદ શેઠનું સ્વપ્ન સફળ થયું,પાર્શ્વપ્રભુની પ્રતિમા રથમાં પધરાવી અને યક્ષદેવના કહ્યા મુજબ હીરા-માણેકઆદિ રત્નો ખાણમાંથી એકઠા કરી. ચંદ્રાવતીનગર જવા રવાના થતાંજ ભટેસરનગર ના લોકોએ પોતાના નગરની હદ માંથી નીકળેલ મૂર્તિ સોપી દેવા માંગણી કરી,અને ખુબજ પ્રયત્ન કર્યો.પણ રવચંદ શેઠ અને સાથે રહેલ શ્રાવકોએ "શ્રી ભટેવા પાર્શ્વનાથ ભગવાનની જય" બોલતા ની સાથે રથને જોડેલા બન્ને વૃષભ (બળદ) એકદમ દોડવા લાગ્યા.આવો આશ્ચર્યજનક ચમત્કાર જોઈ ભટેસર ના લોકો અચંબો પામી ગયાં.

માર્ગ પસાર કરતો કરતો રથ ચંદ્રાવતી (ચાણસ્મા) નગરની સીમામાં આવી પહોચ્યો,ગામની સીમાએ રથ ઉભો રાખી રવચંદ શેઠે ગામમાં સમાચાર પહોચાડ્યા. ચમત્કારિક -અલૌકિક એવી પાર્શ્વપ્રભુની મૂર્તિ લઈને રવચંદ શેઠ અને શ્રાવકો ગામની સીમા એ આવ્યા છે એવા શુભ સમાચાર મળતાં જ જૈન-જૈનેતરના ટોળે-ટોળાં ઉમટયા. ગામની સીમાએ.શ્રી ભટેવા પાર્શ્વનાથ પ્રભુની ભવ્ય મૂર્તિના સૌએ ભાવવિભોર બની દર્શન કર્યા,જયનાદ ના અવાજ થી ગગન ગુંજી રહ્યું હતું,ચારે તરફ આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ છવાયેલું હતું. જૈન-જૈનેતરની વિશાલ જનમેદની સાથે શ્રી ભટેવા પાર્શ્વપ્રભુનો નગર પ્રવેશ થયો, ભાવુકો પ્રભુજીને સોના-રૂપા અને અક્ષતથી વધાવવા લાગ્યા.રવચંદ શેઠે અતિઠાઠ અને મંગળ વધામણા સાથે પ્રભુજીને પોંખણા કરી સુંદર સજાવેલ પોતાના મકાનમાં એક ગૃહ વિભાગમાં પધરાવી. પ્રાતે: પ્રભાવના લઇ સૌ જન વિખરાયા.

એક વખત રવચંદ શેઠ રાતના પ્રભુમૂર્તિના વિચાર માં સમય પસાર કરી રહ્યા હતા,ત્યાં પુનઃ શ્રી યક્ષદેવ પ્રગટ થયા.હે રવચંદ શેઠ ! તારો પ્રબળ પુણ્યોદય છે,અનેરૂ ભાગ્ય ખીલી ઉઠ્યું છે,તને પ્રાપ્ત થયેલ હીરા-માણેક મણિનો સદ્દુપયોગ કરવાનો સુઅવસર પાક્યો છે.માટે વિલંબ નહિ કરતાં એક ભવ્ય જિનમંદિર આ નગરની પૂર્વ દિશા તરફ બંધાવ અને મહામંગલકારી પ્રતિષ્ઠા મહોત્સવ કરાવી એ પ્રભુમૂર્તિને પધરાવ.એમ કહી યક્ષ અદ્રશ્ય થયા.

શ્રી યક્ષરાજનું કથન સાંભળી બીજા દિવસે રવચંદ શેઠે આખા શ્રી સંઘને પોતાના ઘરે આમંત્રી પોતાનો વિચાર સંઘની સમક્ષ રજુ કર્યો.સંઘે સહર્ષ વાતને વધાવી શેઠને પૂર્ણ સહકારની ખાત્રી સાથે નૂતન જિનમંદિર નિર્માણનો આદેશ આપ્યો.અતિ આનંદ અને ઉત્સાહ પૂર્વક રવચંદ શેઠે સંઘનું બહુમાન કર્યું.ત્યાર પછી સંઘ ત્યાંથી વિખરાયો.

શિલ્પકળા માં નિષ્ણાત એવા ઉત્તમ શિલ્પીઓને બોલાવી અને તેઓની પાસે એક અતિ સુંદર વિશાલ નૂતન જિનમંદિર નો નકશો તૈયાર કરાવ્યો.ત્યાર પછી તદ્દનુસાર રવચંદ શેઠે શ્રી સંઘના પૂર્ણ સહકાર સાથે શુભ મુહુર્તે ખાત મુહુર્ત અને શિલાન્યાસ કરાવવા પૂર્વક મંદિરનું કામ શરુ કરાવ્યું.જોતજોતામાં અને ટૂંક સમયમાં ચાણસ્મામાં એક વિશાળકાય ભવ્ય જિનમંદિરનું નિર્માણ થયું. મૂળનાયક તરીકે શ્રી ભટેવા પાર્શ્વપ્રભુની ભવ્ય મૂર્તિને સ્થાપન કરવાનો શુભ અવસર શ્રી સંઘને પ્રાપ્ત થયો.વિક્રમ સંવત ૧૫૩૫ ના વૈશાખ સુદ-૩ ના દિવસે શુભ મુહુર્તે નૂતન જિનમંદિર માં મૂળનાયક તરીકે અતિ પ્રાચીન એવી શ્રી ભટેવા પાર્શ્વપ્રભુ ની ભવ્ય મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી.નૂતન જિનમંદિર બંધાવનાર રવચંદ શેઠે શ્રી સંઘના અનેરા ઉમંગ અને ઉત્સાહ ઉલાસ સાથે પરમ શાસન પ્રભાવના પૂર્વક મહાપ્રભાવિક અને ચમત્કારિક એવા શ્રી ભટેવા પાર્શ્વનાથ દાદાને ગાદીનશીન -પ્રતિષ્ઠિત કર્યા.

શ્રી ભટેવા દાદાની મૂર્તિનું ઉત્થાપન અને પાટણમાં પધરામણી:- સંવત ૧૫૩૫ ની મંગલપ્રતિષ્ઠા ને એક શતાબ્દી પસાર થઇ ગયાં બાદ કુદરતી કોપ થતાં વિ.સંવત ૧૬૪૧ ની સાલ માં દુષ્કાળ પડ્યો.પાણી વિના ખેતી-વેપાર ધંધા ભાગી પડ્યા,પ્રજાજનો અને પશુધન બહાર જવા મજબૂર થયું.જિનાલય ની રક્ષા પણ મુશ્કેલી ભરી સ્થિતિમાં મુકાઇ ગઈ.સંઘના આગેવાનો એકઠા થયા.પરિસ્થિતિનો વિચાર કરી પાટણ માં મહેતાના પાડા માં રહેતા નગરશેઠ રતન શાહના ત્યાં મૂર્તિને તેમના ઘર દહેરાસરમાં પરોણા તરીકે રાખવાનું નક્કી કર્યું. રતનશાહને વાત કરી શુભ દિવસે શ્રી ભટેવા પાર્શ્વપ્રભુની ભવ્ય મૂર્તિને ઉત્થાપન કરી.

Share this article :

Post a Comment

Note: only a member of this blog may post a comment.

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2011. જિનભક્તિ - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger