ચાણસ્મા - શ્રી ભટેવા પાર્શ્વનાથ જિનાલય - 3

Saturday 15 June 20130 comments

શ્રી ભટેવા પાર્શ્વપ્રભુ ની ભવ્ય મૂર્તિની પુનઃ ચાણસ્મામાં પધરામણી:- સમય જતા દુષ્કાળ દુર થયો, ચાણસ્માની વસાહત પુનઃ ભરપુર બની.સહુના દિલમાં એમ થયું કે હવે શ્રી ભટેવા પાર્શ્વપ્રભુને આપણા ગામમાં પધરાવો.આ સંબંધમાં સંઘના આગેવાનો ભેગા થઇ પાટણ ગયા.અને નગર શેઠને મળ્યા.ઘણી ચર્ચા વિચારણા અને વાટાઘાટો પણ થઇ. પાટણના નગરશેઠે ચાણસ્મા ના આગેવાનોને સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું કે પ્રતિમાજીને લઇ જવાની વાત તો ભૂલી જ જજો.આ રીતે નગરશેઠની આપખુદી અને દાદાગિરી થી ચાણસ્માનો સંઘ ચોંકી ઉઠ્યો અને રોષે ભરાયો,વાતાવરણ માં દિનપ્રતિદિન ગરમી રહી.હવે શુ કરવું ? એની વિચારણામાં એક દિવસ પાટીદાર કોમના પટેલ કસલદાસ જેકણદાસ અને માળી કોમના રામી નાથા ચતુર (એ સમયનો પુજારી) પણ આવ્યા.નિરુત્સાહ બનેલ ચાણસ્મા સંઘની વાત અને પાટણના નગરશેઠની આપખુદી અને દાદાગિરી ની વાત સાંભળી ને પટેલ કસલદાસ અને માળી નાથા ચતુર બન્ને જણ રોષે ભરાયા અને ત્યાં જ આગળ આવીને મહાજન ને કહેવા લાગ્યા કે ગભરાશો નહીં,પ્રાણાંત ભોગે પણ અમો પાટણ જઈ ને નગર શેઠના ત્યાંથી ભગવાન લાવીશું જ.

બીજે દિવસે પટેલ કસલદાસ અને રામી નાથા ચતુર બન્ને જણ ઘોડી પર બેસી ને પાટણ પહોચ્યા અને સીધા નગરશેઠના ઘરે ગયા.પ્રભુમુર્તિ નાં દર્શન કર્યા બાદ નગર શેઠને મળ્યા ચાણસ્મા ગામ માં મૂર્તિ લઇ જવા માટે જોરદાર માંગણી કરી,છતાં પણ નગરશેઠે પ્રતિમાજી આપવાની ના જ કહી. ઘણાં સમજાવ્યા તો પણ શેઠ ન સમજ્યા.સંઘર્ષ પેદા થયો અને ઉશ્કેરાટ વધ્યો, છેવટે બન્ને જણ હિંમતપૂર્વક શ્રી ભટેવાદાદા ની મૂર્તિ હાથમાં લઇ ઘોડી પર સવાર થઇ રવાના થયા.

આ બાજુ નગરશેઠે રાજ્ય માં ફરિયાદ કરી અને નગરના બારે દરવાજા બંધ કરાવ્યા.તેથી દરવાજે પહોચેલ પટેલ અને રામી બન્ને જણ વિચારમાં પડી ગયા હવે શુ કરવું ? આ તો ફસાયા,તત્કાલ બુધ્ધી સુજી અને ખુબ હિંમત રાખી બન્ને જણે બન્ને ઘોડીઓ ને પાછી પાડી લગામ ખેચી ને કુદાવી.આબાદ રીતે બન્ને ઘોડી મહારાજા કુમારપાળે બંધાવેલો જબરજસ્ત કિલ્લો કુદીને બહારની બાજુએ પડી.

આથી બન્ને જણ આશ્ચર્યયુક્ત આનંદમાં આવી ગયાં. અરે ! આ ઘોડીએ તો ગજબ કર્યો ! પાટણ નો ગઢ સર કરી દીધો.પ્રભુની મૂર્તિ સુરક્ષિત અમો બન્ને સુરક્ષિત અને બન્ને ઘોડી પણ સુરક્ષિત વાહ રે વાહ એ સર્વ પ્રભાવ આ શ્રી ભટેવાદાદા ના અધિષ્ઠાયક દેવનો છે.

નગરશેઠે ઘોડે સવારો ને પકડવા અને મૂર્તિ પછી મેળવવા તેમની પાછળ સૈનિકો ની ટુકડી તત્કાલ રવાના કરાવી,આ બાજુ બનેલ ઘટના ની જાણકારી ચાણસ્મા ગામ માં અતિ વેગે પહોચી ગઈ.તેથી લોક્વર્ગ પાટણ રસ્તે ઉમટ્યું. સબોસન અને વાવડીવચ્ચે બન્ને પક્ષ સામસામા થયા.પાટણ અને ચાણસ્મા વચ્ચે યુદ્ધ જામ્યું.આમ એકબીજા તરફ ઝઝુમતા રાત પડી છેવટે પાટણ થી આવેલ ટુકડીની પીછેહઠ થઇ.

વિજયવંત થયેલ ચાણસ્મા નો લોક્વર્ગ " શ્રી ભટેવા પાર્શ્વપ્રભુની જય " એ પ્રમાણે ની વારંવાર ઉદ્દઘોષના કરતો તથા પટેલ કસલદાસ અને રામી નાથાચતુરની હિંમત અને બહાદુરીની પ્રશંસા કરતો ચાણસ્મા આવી પહોચ્યો.પૂજારી નાથા ચતુર ના ઘરે શ્રી ભટેવા પાર્શ્વ પ્રભુની મૂર્તિ પરોણા તરીકે પધરાવી.એ સમયે પ્રભુ મૂર્તિની પૂજાસેવા કાજે પટેલ કસલદાસ જેકણદાસે પોતાની જમીન માંથી આઠ વિઘા જમીન આપી પોતાની પ્રત્યેની ભક્તિ હર્ષયુક્ત વ્યક્ત કરી.

ચાણસ્માના સંઘમાં આનંદ અને ઉત્સાહની છોળો ઉછળવા લાગી.ભવ્ય જિન મંદિર નિર્માણ કરવા મારવાડમાં બિરાજતા શ્રી પુજ ગોરજીને આગ્રહ ભરી વિનંતી કરી ચાણસ્મામાં ચાતુર્માસ કરાવ્યું,તેમની પ્રભાવશાળી વાણીથી સંઘના કાર્યમાં અતિ વેગ મળ્યો અને શિલ્પકળા નિષ્ણાત સલાટ કેશુ અને કડીયા ભુદરજી મારફત જિનમંદિર અઢાર વર્ષે ના પરિશ્રમ થી તૈયાર થયું.આ જિનમંદિર ના નિર્માણ કાર્યમાં ધાંગધ્રા માં ઘડતા પથ્થરો લાવવા માટે પાટીદારના ગાડાનો સદુપયોગ થતો હોવાથી પાટીદારો પણ પોતાને અહોભાગી માનતા.

વિક્રમ સંવત ૧૮૭૨ ની સાલ માં ફાગણ - સુદ-૩(ત્રીજ) ના દિવસે આચાર્ય શ્રી જીનેન્દ્રસૂરી મહારાજની નિશ્રામાં શ્રી સંઘે જૈન અને જૈનેતર ના અતિ ઉત્સાહ સાથે ભવ્ય મહોત્સવ પૂર્વક વિશાળકાય જિન મંદિરમાં શ્રી ભટેવાપાર્શ્વપ્રભુની  મૂર્તિની સ્થાપના કરી.જયજયકાર વર્ત્યો. પ્રતિવર્ષ જ્યારે આ પ્રતિષ્ઠાનો દિવસ ફાગણ-સુદ-ત્રીજ આવે છે ત્યારે સૌના આનંદમાં અભિવૃદ્ધિ થાય છે.સર્વે ધ્વજા રોહણના ઉત્સવને સુંદર રીતે ઉજવે છે. ગામમાં ધજા દર્શનાર્થે વરઘોડો કાઢવામાં આવે છે.અને સત્તરભેદી પૂજા ભણાવાય છે.શ્રી સંઘ સ્વામિવાત્સલ્ય થાય છે.

જય ભટેવા.......જય ભટેવા.......જય ભટેવા........જય ભટેવા........જય ભટેવા.......જય ભટેવા.........જય ભટેવા........જય ભટેવા........

Share this article :

Post a Comment

Note: only a member of this blog may post a comment.

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2011. જિનભક્તિ - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger