રાણકપુર

Monday 8 July 20130 comments


” ઉત્ક્રુષ્ટ સ્થાપત્યનો નમૂનો રાણકપુર તીર્થ ”

ભારતની ભૂમિ તીર્થો અને મંદિરોની ભૂમિ ગણાય છે.એમાં પણ જૈન તીર્થો અને મંદિરોનું સ્થાપત્ય મશહૂર છે.કલા-કારીગરી,માંડણી-ઊભણી આદિ અનેકાનેક દ્દષ્ટિએ પણ યુગયુગથી આજ સુધી જૈન તીર્થધામોની અસ્મિતા તો આગવી જ રહી છે.આવા તીર્થધામોની શ્રેણીમાં જે અગ્રગણ્ય રહ્યા છે તેમાનું એક નામ એટલે રાણકપુર.કહેવાય છે કે કોતરણી આબુની અજોડ છે.ઊભણી તારંગાની તોતિંગ છે તો માંડણી રાણકપુરની રાષ્ટ્ર વિખ્યાત છે.

રાણકપુરનું મંદિર કળાને ખાતર કળાના પાર્થિવ સિધ્ધાંતના બદલે જીવનને ખાતર કળાના ઉમદા અને ગંભિર સિદ્ધાંતનું એક શ્રેષ્ઠ દ્રષ્ટાંત છે. અરવલ્લી ગિરિમાળાની નાની ટેકરીઓમાં નાની સરખી મધાઇ નદીના કિનારે અને શાંત , એકાંત નિર્જન જંગલ કુદરતના આ ત્રિવિધ સૌંદર્ય વૈભવની વચ્ચે રાણકપુરનો સુવિશાળ , ગગન ચુંબી અને ભવ્ય જિન મંદિર છે. 15 મી સદીના આચાર્ય સોમસુંદરસૂરિજી એક પ્રભાવશાળી આચાર્ય થઇ ગયા. શ્રેષ્ઠી ધરણા શાહ રાણકપુર પાસેના નાંદિયા ગામના વતની હતા. અને પછી તેઓ માલગઢમાં જઇને વસ્યા હતા. એમનો વંશ પોરવાલ હતો. એ સમયમાં પ્રભાવક પુરુષ આચાર્ય શ્રી સોમસુંદરસૂરિજીના સંપર્કથી ધરણાશાહ વિશેષ ધર્મપરાયણ બન્યા અને કાળક્રમે ધર્મભાવનામાં એવી અભિવૃદ્ધિ થઇ કે 32 વર્ષની વયે એમણે તીર્થાધિરાજ શત્રુંજયમાં આજીવન બ્રહ્મચર્યવ્રત જેવા ખૂબ કઠોર વ્રતનો સ્વીકાર કર્યો. તેમની બુદ્ધિ , કુશળતા , કાબેલિયતના લીધે તેઓ મેવાડના રાણા કુંભાના મંત્રી બન્યા હતા.

કોઇક શુભ પળે , મંત્રી ધરણા શાહના અંતરમાં ભગવાન ઋષભદેવનું એક ભવ્ય મંદિર ચણાવવાની ભાવના જાગી. આ મંદિર શિલ્પકળાના શ્રેષ્ઠ નમૂના જેવું સર્વાંગસુંદર થાય તે માટે તેઓ કંઇ કંઇ મનોરથો સેવતા હતા. એક દિવસ સ્વપ્નમાં નંલિની ગુલ્મદેવ વિમાનના તેમને દર્શન થયા જેથી તેમના અંતરમાં એ નલિની ગુલ્મદેવ વિમાન જેવું અલૌકિક ભાવી પેઢી માટે પ્રેરણાત્મક અને વિશ્વમાં જૈન ધર્મનું ગૌરવ વધારે એવું શિલ્પકલામાં ઉત્કૃષ્ટ , કલામાં સર્વાંગસુંદર અને વિશાળ ભવ્ય દેરાસર બંધાવવાની ભાવના જાગૃત થઇ પછી તો એમણે જુદા જુદા શિલ્પીઓ પાસે મંદિરના નકશાઓ મંગાવ્યા. કેટલાક શિલ્પીઓએ પોતાના નકશા રજૂ કર્યા. પણ એક પણ નકશો જોઇને શ્રેષ્ઠી ધરણાશાહનું મન ઠર્યું નહી. છેવટે મુન્ડારાના વતની શિલ્પી દેપા અથવા દેપાકે દોરેલું ચિત્ર શ્રેષ્ઠીના મનમાં વસી ગયું. ધરણાશાહે શીઘ્ર શુભ દિને મંદિરનું નિર્માણ કરાવવાનું શરૂ કર્યું. મંત્રી ધરણાશાહે રાણા કુંભા પાસે મંદિર માટે જગ્યાની માંગણી કરી. રાણાજીએ મંદિરને માટે ઉદારતાથી જમીન આપવાની સાથે ત્યાં એક નગર વસાવવાની પણ સલાહ આપી. અને એ માટે માદ્વી પર્વતની તળેટીમાં આવેલા જૂના માદગી ગામની ભૂમિની પસંદગી કરવામાં આવી અને મંદિરની સાથે જ ત્યાં નવું નગર ઊભું થયું. રાણાના નામ ઉપરથી તેનું નામ રાણપુર રાખવામાં આવ્યું. સમય જતાં લોકોમાં એ રાણકપુરના નામે વિશેષ ખ્યાતિ પામ્યું . વિ.સં. 1446 માં શરૂ કરવામાં આવેલું આ મંદિરનું બાંધકામ 50 વર્ષે પણ પુરૂં થયું નહિ ત્યારે પોતાનીવૃદ્ધાવસ્થાનો વિચાર કરીને શ્રેષ્ઠી ધારણાશાહે એની પ્રતિષ્ઠા કરાવવાનો નિશ્ચય કર્યો એટલે વિ.સં. 1496 ની સાલમાં એની પ્રતિષ્ઠા થઇ.
આ મંદિરની આટલી વિશાળતા અને ઊંચાઇ હોવા છતાં એમાં જળવાયેલી સમપ્રમાણતા , હીરા-માણેક જેમ ઠેર ઠેર વેરાયેલી શિલ્પસમૃદ્ધિ , વિવિધ પ્રકારની કોતરણીથી શોભતાં સંખ્યાબંધ તોરણો અને ઉન્નત સ્તંભો , આકાશમાં અવનવી ભાત પડતા શિખરોની વિવિધતા કળાની આ બધી સમૃદ્ધિ જાણે મુખરિત બનીને યાત્રિકને મંત્ર મુગ્ધ બનાવી દે છે . આ મંદિરને 4 ( ચાર) દ્વાર છે. અને મંદિરના મૂળ ગંભારામાં ભગવાન આદિનાથની 72 ઇંચ જેટલી વિશાળકાય અને ચાર દિશાઓ તરફ મુખ કરતી ચાર ભવ્ય પ્રતિમાઓ બિરાજે છે. બીજા અને ત્રીજા માળના ગભારામાં ગર્ભગૃહમાં પણ આ રીતે 4 - 4 જિન પ્રતિમાઓ શોભે છે. આને કારણે આ મંદિર ચતુર્મુખ જિન પ્રસાદ તરીકે પણ ઓળખાય છે. 76 નાની શિખરબંધ દેરીઓ , ચાર રંગમંડપ તેમ જ શિખરયુક્ત મોટી દેવકુલિકાઓ અને ચાર દિશામાં રહેલા ચાર મહાઘર પ્રાસાદો એમ આ જિન પ્રાસાદમાં કુલ 84 દેવકુલિકાઓ છે. ચાર દિશામાં આવેલા ચાર મેઘનાદ મંડપોની તો જોડ મળવી જ મુશ્કેલ છે. ઝીણી ઝીણી  અને સજીવ કોતરણીથી શોભતા 40 ફૂટ જેટલા ઊંચા સ્તંભો , વચ્ચે વચ્ચે મણિ મુક્તાની માળાઓની જેમ શોભતા કોતરણી ભર્યા તોરણો, ગુંબજમાં બિરાજતી દેવીઓની સજીવ પૂતળીઓ , કોતરણીથી ઊભરાતા લોલકથી શોભતો ગુંબજ , આ બધું જોનારને સ્તબ્ધ કરી દે છે. પશ્ચિમ તરફના મેઘનાદ મંડપમાં પ્રવેશ કરતા ડાબા હાથના એક સ્તંભ ઉપર મંત્રી ધરણાશાહ અને સ્થપતિ દેપાકની પ્રભુસન્મુખ આકૃતિઓ કોતરેલી છે. આ મંદિરમાં સહસ્ત્રફણા પાર્શ્વનાથ અને સહસ્ત્રફૂટના કળામય શિલાપટ્ટો છે. મંદિરમાં સહસ્ત્રફણા પાર્શ્વનાથ તથા સહસ્ત્રફણાના કલાપૂર્ણ શિલાપટ અનોખી ભાવના પેદા કરે છે.એક વિશાળ અખંડ શિલા ઉપર સહસ્ત્રફણા પાર્શ્વનાથની આંટીધૂંટીવાળું શિલ્પ,નાગેન્દ્રની પીઠ ઉપર કાર્યોત્સર્ગ ધ્યાનરુપે ઊભેલી શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ અને એ જ નાગેન્દ્ર બીજા નાગ-નાગણીઓ સાથે આંટી લગાવી ગૂંથેલું ૧૦૦૮ ફણાનું છત્ર ધારણ કર્યુ હોય તેવા પ્રભુનું શિલ્પ છે.

મંદિરની સહુથી અદ્વિતીય વિશેષતા એની વિપુલ સ્તંભાવલી છે. આ મંદિરની સૌથી અનોખી વિશેષતા તે એની વિપુલ સ્તંભાવલી છે. આ મંદિરને સ્તંભોનો મહાનિધિ કે સ્તંભોનું નગર કહી શકાય. એ રીતે ઠેર ઠેર સ્તંભો ઊભા કરવામાં આવ્યા છે. જે તરફ નજર કરો તે તરફ નાના મોટા પાતળા , જાડા સાદા કે કોરણથી ઊભરાતા સ્તંભો જ નજરે પડે છે. પણ મંદિરના કુશળ શિલ્પીએ આટલા બધા સ્તંભોની ગોઠવણી એવી સપ્રમાણ રીતે કરી છે કે , એ પ્રભુનાં દર્શન કરવામાં ક્યાંય અંતરાયરૂપ થતાં નથી. જિનાલયમાં ગમે ત્યાં ઊભેલો ભક્ત ભગવાનનાં દર્શન કરી શકે છે. સ્તંભોની આટલી વિપુલ સમૃદ્ધિને લીધે તો આ મંદિરમાં 1444 થાંભલા હોવાની લોકખ્યાતિ થઇ છે.

મંદિરની ઉત્તરે રાયણવૃક્ષ અને ભગવાન ઋષભદેવનાં પગલા છે તે ભગવાન ઋષભદેવના જીવવનું અને તીર્થાધિરાજ શ્રી શત્રુંજયનું સ્મરણ કરાવે છે.

ધરણવિહારની સામે શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર છે.આ ઉપરાંત શ્રી નેમિનાથ ભગવાનનું અદ્વિતીય શિલ્પકલા ધરાવતું મંદિર છે. ૠષભ્દેવ ભગવાનના અધિષ્ઠાયિકા દેવી શ્રી ચકેશ્વરી દેવીનું મંદિર તેમજ કુંભારાણાએ બંધાવેલું વિપત્તિકાળ સંરક્ષણ સ્થાન સમું શ્રી સૂર્યમંદિર પણ અહીંની શાન છે.
Share this article :

Post a Comment

Note: only a member of this blog may post a comment.

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2011. જિનભક્તિ - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger