જેવો ભાવ, તેવી ગતિ

Friday 12 July 20130 comments

ભગવાનના ઉત્તરથી શ્રેણિક વિચારમાં પડી ગયા. અરે ! સાધુને નરકની ગતિ હોય જ નહિ. પછી પ્રસન્નચંદ્ર મુનિની આવી દશા થાય જ કેવી રીતે ? શ્રેણિકે માન્યું કે કદાચ પ્રભુ એમની વાતને બરાબર સમજ્યા નહિ હોય


માનવીની ગરિમા કે ગર્તાનો આધાર એના ભાવની ઉદાત્તતા કે અધમતા પર નિર્ભર છે. જીવનની પ્રત્યેક ધર્મપ્રવૃત્તિ કે ધર્મક્રિયાનો સેનાપતિ ભાવ છે. કોઇપણ ક્રિયા કે પ્રવૃત્તિ સાથે શુભ ભાવ જોડાય તે અનિવાર્ય છે. એના વિના આપણી ક્રિયાપ્રવૃત્તિ કે સાધના સઘળું નિરસ અને નિરર્થક બની જાય.
જૈમ ધર્મની દાન, શીલ. તપ અને ભાવ એ ચાર ભાવનાઓમાં ભાવને પ્રાણરૃપ માનવામાં આવે છે. ધર્મગ્રંથો કહે છે:
''જે માનવીના દાન, તપ અને શીલ શુભ ભાવથી રહિત હોય છે એને સમય જતાં અર્થની હાનિ, ભૂખની પીડા અને શરીરની યાતના જ મળે છે.'
પાણી વિનાના મોતીની કશી કિંમત નથી ! જીવનરૃપી મોતી ભાવરૃપ પાણી વિના વ્યર્થ છે.
ભગવાન મહાવીરના સમયની આ ઘટના ચિત્તના ભાવની મહત્તા દર્શાવે છે. ભગવાન મહાવીર પોતાના શિષ્ય સમુદાય સાથે વિહાર કરતાં રાજગૃહીમાં પધાર્યા. મહારાજ શ્રેણિકને ખબર મળતાં જ તરત ભગવાનની વંદના માટે ચાલી નીકળ્યા. શ્રેણિકની સવારીની આગળ બે સિપાહી ચાલે. એક સુમુખ - એના મુખેથી સદાય મનોહર વાણી વહે, બીજો દુર્મુખ - સદાય વાંકુ જુએ ને વાંકુ જ બોલે !
આ બંનેએ મહાવીરના સમુદાયમાં રહીને ઉગ્ર તપશ્ચર્યા કરતા પ્રસન્નચંદ્ર રાજાને જોયા. એક પગે ઊભા હતા. બે હાથ ઊંચે રાખ્યા હતા. આવી આકરી તપસ્યા જોઈને સુમુખથી આપોઆપ બોલાઈ ગયું, ''વાહ ! આવી સાધના કરનારને તો મોક્ષગતિ સહજ છે !''
દુર્મુખથી આવી સારી વાણી ખમાઈ નહીં. એની દોષદ્રષ્ટિને દોષ જોયા વિના ચેન ન પડે. એણે કહ્યું, ''અલ્યા સુમુખ ! સાચી વાત જાણ્યા વગર હાંકે રાખવાની તને આદત છે. આ પોતાનપુરનો રાજા પ્રસન્નચંદ્ર છે. પણ એ છે કેવો ? રાજની વિશાળ જવાબદારી પોતાના બાળકને ગળે વળગાડીને જંગલમાં નીકળી પડયો. મોટાં ગાડાંને વાછડું બાંધે એવો ઘાટ કર્યો. હવે એના મંત્રી વિરોધી રાજવીને મારીને રાજકુમારને પદભ્રષ્ટ કરવાના છે. આની રાણીઓ ક્યાંક ભાગી ગઈ છે. કહે, આવા પાખંડીને તો જોઈએ તોય પાપ લાગે ને !''
મહારાજ શ્રેણિકે કઠણ તપસ્યા કરતા પ્રસન્નચંદ્ર મુનિને વિનયપૂર્વક વંદના કરી. શ્રેણિક મનમાં વિચારે કે કેવા પૂર્ણ ધ્યાનમાં ડૂબી ગયા છે આ રાજર્ષિ ! ધન્ય છે આટલું આકરું તપ કરનાર તપસ્વીને ! મહારાજ શ્રેણિક ભગવાન પાસે આવ્યા.
પેલા દુર્મુખની વાત પ્રસન્નચંદ્ર મુનિના કાને પડી હતી. પોતાના રાજની અવદસા સાંભળતા જ ધ્યાનભંગ થયા. જે મોહ-માયા તજીને મહાવીરને શરણે આવ્યા હતા એ મોહમાયા અંતરમાં ઘૂમરાવા લાગી. રાજ યાદ આવ્યું. રાણી પણ યાદ આવી. રાજકુમાર સાંભર્યો. મનોમન વિચારવા લાગ્યા. ધિક્કાર છે આ નિમકહરામ મંત્રીઓને ! મેં સદા એમને ફૂલની પેઠે પ્રેમથી રાખ્યા, તેના બદલામાં મને દગાબાજીના કાંટા ચૂભવવા તૈયાર થયા છે. મારા પુત્ર સાથે આવું છળકપટ ! જો અત્યારે હું રાજમાં હોત તો એકેએક મંત્રીને સીધોદોર કરી નાખત.
મુનિ પ્રસન્નચંદ્ર આ વિચારના સાગરમાં વધુ ને વધુ ઊંડે ઊતરવા લાગ્યા. બહાર શાંતિ, અંદર તોફાન, બહાર તપ, અંતર સંતાપ, વેશ મુનિનો રહ્યો, પણ વેદના રાજની થવા લાગી. પછી તો પોતાને રાજાના રૃપમાં જોતા પ્રસન્નચંદ્ર મનોમન મંત્રીઓ સાથે યુદ્ધ કરવા થનગની રહ્યા.
આ સમયે પ્રસન્નચંદ્રના આકરા તપથી પ્રભાવિત થયેલા મહારાજ શ્રેણિકે ભગવાન મહાવીરને પૂછયું, ''ભગવન્ ! અત્યારે પ્રસન્નચંદ્ર ધ્યાનની પરાકોટિએ છે. કદાચ આ સમયે તેમનું મૃત્યુ થાય તો કેવી ગતિ થાય ?''
ભગવાને કહ્યું, ''સાતમા નરકમાં જાય.''
ભગવાનના ઉત્તરથી શ્રેણિક વિચારમાં પડી ગયા. અરે ! સાધુને નરકની ગતિ હોય જ નહિ. પછી પ્રસન્નચંદ્ર મુનિની આવી દશા થાય જ કેવી રીતે ? શ્રેણિકે માન્યું કે કદાચ પ્રભુ એમની વાતને બરાબર સમજ્યા નહિ હોય.
થોડા સમય બાદ ફરી શ્રેણિકે ભગવાનને એ જ પ્રશ્ન કર્યો, ''હે પ્રભુ ! આ પ્રસન્નચંદ્ર મુનિનો અત્યારે દેહાંત થાય તો તેઓ કઇ ગતિ પામે ?''
ભગવાને કહ્યું, ''ઉત્મતોત્તમ દેવગતિને !''
શ્રેણિકના આશ્ચર્યનો પાર ન રહ્યો. એમણે પૂછયું, ''ભગવાન ! માત્ર થોડા જ સમયના અંતરમાં આપે બે તદ્ન ભિન્ન ભિન્ન વાત કરી, એમ કેમ ?''
ભગવાને ઉત્તર આપ્યો. ''રાજન ! પ્રથમવાર તમે પૂછયું ત્યારે પ્રસન્નચંદ્ર દુર્મુખની વાતથી મનમાં ક્રોધથી ધૂંધવાતા હતા. પોતાના મંત્રીઓ પર વેર વાળવા તલસી રહ્યા હતા. એ સમયે હૃદયમાં રાજ માટે તુમુલ યુદ્ધ લડી રહેલા પ્રસન્નચંદ્ર નરકની ગતિ પામે તેમ હતા. પણ પછી તરત જ તે સ્વસ્થ થઈ ગયા. પોતાના ઘોર માનસિક અપરાધનો ખ્યાલ આવ્યો. બસ, પછી પ્રસન્નચંદ્ર પશ્ચાતાપ કરવા જ લાગ્યા. હૃદયમાં ઊંડે ઊતરીને પશ્ચાતાપ કરવા માંડયા. જ્ઞાની પ્રસન્નચંદ્રે મલિન વિચારોને હૃદયમાંથી હાંકી કાઢીને ધ્યાનમાં સ્થિરતા મેળવી. ઉચ્ચ ગતિને યોગ્ય બની ગયા. બરાબર આ જ સમયે તમે મને બીજીવાર પ્રશ્ન કર્યો, ને તેથી મેં ઉત્તમોત્તમ દેવગતિ પામશે એમ જણાવ્યું.''
એવામાં દુંદુભિનાદ સંભળાયો. ભગવાને શ્રેણિકને કહ્યું, ''રાજન ! જુઓ ! ઉત્કટ પશ્ચાતાપ કારણે પ્રસન્નચંદ્રને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. થોડીવારે વળી ભગવાને શ્રેણિકને કહ્યું કે મુનિ પ્રસન્નચંદ્ર મોક્ષ ગતિને પામ્યા છે.''

- ગુજરાત સમાચાર  પ્રકાશિત 
Share this article :

Post a Comment

Note: only a member of this blog may post a comment.

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2011. જિનભક્તિ - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger